Abtak Media Google News

માજી અને વર્તમાન સૈનિક, શહીદોની વિધવાને મળશે લાભ: તા.૧૫/૯/૨૦૧૫થી અમલવારી ગણાશે

દેશની સુરક્ષા કાજે સરહદ પર ફરજ બજાવતાં અથવા બજાવી ચુકેલા વર્તમાન સૈનિકો, માજી સૈનિકો અને શહિદ સૈનિકોની વિધવાઓને મિલકત વેરામાંથી મુકિત આપવામાં આવશે. આજથી મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા આ નિર્ણયની અમલવારી શરૂ  કરી દેવામાં આવી હોવાનું ટેકસ બ્રાંચનાં સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તા.૧૫/૯/૨૦૧૫થી અમલવારી લાગુ થશે એટલે કે સૈનિકોને છેલ્લા પાંચ વર્ષનાં મિલકત વેરામાંથી મુકિત મળશે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દેશની સુરક્ષા માટે ફરજ બજાવનાર શહિદી વહોરનાર કે ફરજ બજાવી ચુકેલા સૈનિકોને અથવા તેઓની વિધવા પત્નીને કે પરિવારજનને મિલકત વેરામાંથી મુકિત આપવા માટે મહાપાલિકા દ્વારા વર્ષ-૨૦૧૩માં જનરલ બોર્ડમાં ઠરાવ કરી રાજય સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવ્યો હતો. સરકારે આ અંગે નિર્ણય લેવાનું મહાપાલિકા પર છોડયું હતું. આઠ વર્ષ પૂર્વે કરવામાં આવેલા આ ઠરાવની અમલવારી કરવામાં ન આવતા માજી સૈનિકોનાં સંગઠન દ્વારા આ અંગે અનેકવાર મહાપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, મહાપાલિકાની હદમાં મકાન ધરાવતા માજી સૈનિકો, વર્તમાન સૈનિકો અને શહિદોની પત્નીને કે પરિવારજનોને મિલકત વેરામાંથી મુકિત આપવામાં આવશે. આ હુકમની આજથી અમલવારી પણ શ‚ કરી દેવામાં આવી છે.

ટેકસ બ્રાંચનાં સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૈનિકોને મિલકતવેરામાંથી મુકિત આપવાનાં નિર્ણયની અમલવારી આજથી શ‚ કરવામાં આવી છે પરંતુ સૈનિકોને મિલકત વેરામાંથી તા.૧૫/૯/૨૦૧૫થી મુકિત મળશે. એક સૈનિકને એક જ મકાનમાં મિલકત વેરામાંથી મુકિત મળશે. જો એકથી વધુ મકાન ધરાવતા હશે તો તેઓએ નિયમાનુસાર તમામ પ્રકારનાં વેરા ભરવા પડશે. આટલું જ નહીં સૈનિકોને માત્ર મિલકત વેરામાંથી મુકિત આપવામાં આવી છે. તેઓએ ગાર્બેજ ચાર્જીસ, વોટર ચાર્જીસ સહિતનાં અલગ-અલગ ચાર્જીસો ભરવા પડશે. જો સૈનિકોએ પોતાની મિલકત ભાડે આપી દીધી હશે કે તેનો કોમર્શીયલ ઉપયોગ કરવામાં આવતો હશે તો વેરામાંથી મુકિતનો લાભ આપવામાં આવશે નહીં. રાજકોટ મહાપાલિકાની હદમાં આશરે ૨૦૦ થી ૨૫૦ સૈનિકોનાં મકાન આવેલા હોવાની સંભાવના છે અને તેઓને આશરે ૩૦ થી ૪૦ લાખનાં વેરામાંથી મુકિત આપવામાં આવશે.

છેલ્લા આઠ વર્ષથી અનેકવાર રજુઆત કર્યા બાદ અંતે મિલકત વેરામાંથી મુકિત મળતાં માજી સૈનિકો, વર્તમાન સૈનિકો અને શહિદોની પત્ની કે પરિવારજનોને મોટી રાહત મળી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.