Abtak Media Google News

પશ્ર્ચિમ મામલતદાર દ્વારા 40 જેટલા આસામીઓને ફટકારાઈ નોટિસ, 10 દિવસની મુદત અપાઈ : અંદાજે 12 હજાર ચો.મી. જેટલું દબાણ ખુલ્લું કરાવાશે

રૈયામાં સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા પશ્ચિમ મામલતદાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં 40 જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં 10 દિવસની મુદત આપવામાં આવી છે. સમય પૂર્ણ થયે અંદાજે 12 હજાર ચો.મી. જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવશે.

રૈયામાં સરકારી જમીન ઉપર ખડકાયેલા બેફામ દબાણો હટાવવા પશ્ચિમ મામલતદાર જાનકીબેન પટેલ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ડીમોલેશન બાદ મોડી સાંજે વધુ 40 જેટલી નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં રૈયા સર્વે નં. 318ની સરકારી જમીનમાં અંદાજે 40 જેટલા મકાનો તથા દુકાનો સહિતના બાંધકામો આવેલા છે. આ તમામ બાંધકામો દિવસ 10માં ખાલી કરવા માટે પશ્ચિમ મામલતદારે નોટિસ ફટકારી છે.

અંદાજે 12 હજાર ચો.મી. જમીન ઉપર દબાણ છે. જેની બજાર કિંમત અંદાજે 50 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.  તમામ દબાણ કર્તાઓને હાલના તબક્કે નોટિસ આપી દેવામાં આવી છે. હવે નોટીસની મુદત પૂર્ણ થયે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રૈયાાધાર નજીકના આજ વિસ્તારમાં સર્વે નં 318ના પ્લોટ નં 65/2 ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 જેટલા કાચા-પાકા મકાનો તથા 5 જેટલા ઝુંપડાઓ તથા નવું નિર્માણ પામી રહેલા બાંધકામનું ડિમોલીસન કરવામાં આવ્યું હતું. સર્વે નં 318માં રૈયા થી ધંટેશ્વર જવાના 40 ફુટના રોડ ઉપર આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ સર્વે નં 318 માં રૈયાધાર નજીક આવેલ સરદાર ચોક પાસે ને ઝુંપડા અને અડધું બાંધેલુ મકાન તોડી પાડીને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. અંદાજીત 10,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી બાદ આજ વિસ્તારમાં ફરી ડીમોલેશન કરવાની તંત્રએ તૈયારી કરી લીધી છે. પશ્ચિમ મામલતદાર જાનકી પટેલે કહ્યું, જ્યાં ક્યાંય સરકારી જમીન ઉપર દબાણ ખડકાયેલા ધ્યાને આવશે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાદમાં ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.