પ્રભુ મહાવીરને સોનાના વરખ, રીયલ ડાયમંડ, રીયલ ફલાવર્સની અલૌકિક આંગી

અબતક,રાજકોટ

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો તપ-જપ-આરાધના સાથે ચાલી રહ્યા છે. ભાવિકો વધુમાં વધુ સધાર્મિક ભકિત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેરાવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસ અને સ્થાનકવાસી જૈનોનો પાંચમો દિવસ છે. રાજકોટ શહેરના વિવિધ દેરાસરોમાં દરરોજ પ્રભુ મહાવીરને નયનરમ્ય આંગી કરવામાં આવી રહી છે. શહેરના વૈશાલીનગર દેરાસરમાં ડાયમંડની આંગી, પ્રહલાદ પ્લોટ દેરાસરમાં સોનાના વરખની આંગી, માંડવી ચોક દેરાસરમાં રીયલ ડાયમંડની આંગી તેમજ શાંતિનાથ જિનાલય (એરપોર્ટ રોડ) ખાતે પ્રભુ મહાવીરને રેશમ, વરખ, બરાસ, ગોલ્ડન-સિલ્વર બાદલો, ચડાવવામાં આવ્યો છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

પર્યુષણ પર્વ લોકો હર્ષોલ્લાસથી માણી રહ્યા છે: ડો. રાજીવ દોશી

વૈશાલીનગર સંઘ દેરાસરના ડો. રાજીવભાઈ દોશી ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છેકે પર્યુષણ પર્વના આઠ દિવસો એ ખાસ ક્ષમાપનાના દિવસો છે. આ વર્ષે લોકો હર્ષોલ્લાસથી પર્યુષણ પર્વ ઉજવી રહ્યા છે. અહીં ભગવાનને રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે. જે માટે ઘણા પરિવાર લાભાર્થી બન્યા છે.

 

 

શાંતિનાથ જિનાલયમાં નવગ્રહના નવ પરમાત્મા બિરાજમાન: હીનાબેન શેઠ

શાંતિનાથ જિનાલય (એરપોર્ટરોડ)ના હીનાબેન શેઠ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવે છે કે અમારા દેરાસરમાં નવગ્રહના નવ પરમાત્મા બિરાજમાન છે. નવેય પરમાત્માને ઉચ્ચ દ્રવ્યની આંગી રચના કરવામાં આવી છે. જેમાં મૂળનાયક શાંતિનાથ ભગવાનની આંગીએ અહોભવ્ય અને અતિસુંદર છે. દ્રવ્ય તરીકે રેશમ, વરખ, બરાસ, ગોલ્ડન-સિલ્વર બાદલો ચડાવવામાં આવ્યા છે.