કમોસમી વરસાદથી રવિ પાકને વ્યાપક નુકસાન: ખેડૂતો ચિંતાતુર

અતિવૃષ્ટિ બાદ શિયાળુ પાકોના પુષ્કળ વાવેતર વચ્ચે ઘઉં, ચણા, જીરૂ, કપાસ સહિતનો મોલ પલળ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસી જતા ખેડુતોના રવિપાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. અમરેલી, જૂનાગઢ, કેશોદ, ધોરાજી, રાજકોટ, ગોંડલ સહિતના પંથકોમાં કયાંક છૂટા છવાયાતો કયાંક ધોધમાર વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હાલ ખેડુતોએ શિયાળુ પાકનું પુષ્કળ વાવેતર કર્યું હોય ત્યારે આ માવઠાથી ખેડુતો મુંઝવણમાં મૂકાયા છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો ત્યારે હવે માવઠાથી રવિ પાકને વ્યાપક નુકશાની થતા ખેડુતો ચિંતાતુર બન્યા છે.ઘઉ, ચણા, કપાસ, જીરૂ, સહિતના પાકોને મોટી નુકશાની થવાપી ભીતિ સેવાઈ રહી છે.

મહુવા

મહુવા તાલુકામાં ગઈકાલે બપોરના ૩્ વાગ્યા થી વરસાદ ની એન્ટ્રી થઈ હતી. મહુવા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ  જોવા મળ્યો હતો. જેમાં વાંગર્,  માઢીયા , દેવળીયા , ખુટવડા , ભાદ્રોડ , વાઘનગર , સથરા , ગુંદરણા , સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવા પામેલ છે. જેમાં કપાસ , મગફળી , ડુંગળી્ , જેવા પાકોમાં નુકશાનની ભીતી સેવાઈ રહી છે. અચાનક વાતાવરણમાં પલટી મારતા રોગચાળો ફેલાવવાનો ભય ફેલાઈ રહ્યો છે. લગ્ન પ્રસંગે કાર્યક્રમમાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. હજી પણ વરસાદી માહોલ યથાવત છે.

ઉના

ઉના, ગીરગઢડા પંથકમાં ગઇકાલ સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા બપોરના સમયે કમોસમી વરસાદ ખારકયો હતો. ઉના પંથકમાં અંદાજે અઢી ઇંચ જેવો વરસાદ પડી જતા રવિ પાકને મોટી નુકશાની થવા પામી છે. ખેડૂતોએ વાવણી કરેલ ચણા, જીરૂ સહિતના પાકોને નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે.

કપાસનો ઉભા પાકને તેમજ મગફળી પલળી જતા ખેડુતોને મોટુ નુકશાન થવાની શકયતા છે ઉનાના જુડ, વડલી ગામે ચણાના પાકમાં પાણી ફરી વળ્યા હતા. અચાનક પડેલા વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

રાજુલા

રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગઇકાલે બપોર પછી થી  કારણે વરસાદ સતત શરૂ થયો હતો..  આજે સવારે ૮ વાગ્યા સુધી  ચાલુ રહ્યો હતો.  કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને મોટું નુકસાન થયેલ હોવાનું જાણવા મળેલ છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને કારણે ગઈ કાલ બપોર પછી થી ઝરમર શરૂ થયેલો વરસાદ બાદમાં ધોધમાર વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી ને કારણે યાર્ડના ચેરમેન  જીગ્નેશભાઈ પટેલ અને  યાર્ડના સેક્રેટરી  દ્વારા અગમચેતીના પગલાં ભરી અને યાર્ડ માં રહેલી જણસો ને શેડમાં સુરક્ષિત રીતે વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવેલ હોવાથી કોઈ નુકસાન થવા પામેલ નહી હોવાનું જાણવા મળ્યું છે.રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સતત ૧૬ કલાક સુધી વરસાદ પડવાને કારણે જનજીવનને અને ખેતીપાકોને ખૂબ જ માઠી અસર પહોંચી હોવાનું જાણવા મળેલ છે.

જસદણ

જસદણમાં દિવસભર વાદળછાંયા વાતાવરણ બાદ ગઇકાલ સાંજે ઝરમર વરસાદ પડતા જગતાત ચિંતામાં મુકાયો છે. માવઠાના આગમનની આગાહી બાદ ગઇકાલ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જસદણ સહિત દસ ગામોમાં અમીછાંટણાના વાવડથી ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે.

ધોરાજી

ધોરાજીમાં ગઇકાલ બપોર બાદ પ્રથમ ધીમી ધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજી પંથકમાં ગઇકાલે આખો દિવસ ધાબળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાનું શરુ થતા ખેડુતો મુંઝાયા હતા.

ધોરાજી પંથકમાં માવઠાને કારણે ચણા, ધાણા, જીરૂ, ડુંગળી, ઘંઉ સહિતના પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. વરસાદી વાતાવરણ હજુ પણ યથાવત રહેતા ખેડુતો ચિંતાતુર બન્યા છે.

ગોંડલ

ગોંડલ પંથકમાં ગઇકાલે ઝરમર વરસાદ છુટા છવાયા છાંટાને કારણે માકેટીંગ યાર્ડમાં કોઇ નુકશાની થવા પામ્યું નથી. ગોંડલ માર્કેટીગ યાર્ડમાં મગફળી સહિત તમામ જણસીની આવક ઓછી હોય તેમજ ગઇકાલ બપોર સુધીમાં મોટાભાગનો માલ વહેચાઇ જવાની કોઇપણ જાતની નુકશાની થવા પામી નથી. માર્કેટીંગ યાર્ડનો થોડો ઘણો પડતર માલ આગાહીને પગલે શેડમાં ગોઠવી દેવાતા છુટા છવાયા છાંટા પણ જણસી ઉપર પડયા ન હોવાથી કોઇપણ નુકશાની થઇ નથી.

જુનાગઢ

સોરઠ પંથકમાં શનિવાર સુધી વાદળછાયા વાતાવરણ ની સાથે શુક્ર, શનિ એમ બે દિવસમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા બાદ ગત મોડી સાંજે જૂનાગઢ મહાનગર અને સોરઠ પંથકમાં રોડ ભીના થઇ ગયા તેવા કમોસમી વરસાદના છાંટા થયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ મોસમ વિભાગના ધીમંત વઘાસીયાના દ્વારા હાલના વાતાવરણમાં થોડો પલટો આવશે અને વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના સાથે શુક્ર અને શનિવારે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવી હતી તે મુજબ ગત સાંજના સમયે આકાશ વાદળ છાયું બન્યું હતું અને સાંજના સમયે થોડી મિનિટો માટે કમોસમી વરસાદના છાંટા પડયા હતા, અને શહેરના અમુક ભાગના રસ્તાઓ ભીના થઇ જવા પામ્યા હતા.  આ લખાય છે ત્યારે સવારે ૧૦ વાગ્યે પણ આકાશમાં વાદળા છવાયેલા છે અને હજુ શુક્ર, શનિ એમ દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની આગાહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ મોસમ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

જામનગર

જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. ત્યાર પછી રાત્રિના સમયે જામનગર જિલ્લાના જામજોધપુર- કાલાવડ-ધ્રોલ અને લાલપુરમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો, અને માવઠું થવાના કારણે પાણીના રેલા ઉતર્યા હતા. જોકે મોડી રાત્રે વરસાદ રોકાઈ ગયો હતો. જામનગર શહેરમાં પણ સામાન્ય છાંટા પડ્યા હતા. પરંતુ આજે સવારથી વાદળો વિખેરાઈ જતાં સમગ્ર જિલ્લામાં ઉઘાડ નીકળ્યો છે. જેથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. મોડીરાત્રે થયેલા માવઠાના કારણે એક માત્ર જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો અમુક જથ્થો ભીંજાયો છે, જ્યારે બાકીના તમામ માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી જણસ ને સલામત સ્થળે રાખેલી હોવાથી બચાવ થયો છે. જામજોધપુર- કાલાવડ ગ્રામ્ય પંથકના ખેડૂતોને માવઠાથી સામાન્ય નુકશાની થઈ છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી કર્યાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને આકાશમાં કાળા સફેદ વાદળોનો જમાવડો થયેલો જોવા મળ્યો હતો. ત્યાર પછી રાત્રીના દસ વાગ્યા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો.  જામજોધપુર પંથકમાં વરસાદની વધુ અસર જોવા મળી હતી, અને અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા. જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અમુક જથ્થો બહાર પડ્યો હતો જે ભીનો થયો હતો. બાકીની આવક બંધ રખાઈ હોવાથી નુકશાની અટકી હતી.  જામજોધપુર ઉપરાંત કાલાવડ, લાલપુર અને ધ્રોલ પંથકમાં પણ કમોસમી વરસાદ થયો હતો, અને માર્ગો પરથી પાણી ના રેલા ઉતર્યા હતા. જો કે રાત્રીના ૧૨ વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હતો.  જામનગર શહેરમાં પણ સામાન્ય છાંટા પડયા હતા જોકે જોડિયા પંથક માવઠાની કોઈ અસર જોવા મળી ન હતી. દરમિયાન આજે વહેલી સવારથી જ વાદળો હટી જતાં સમગ્ર જિલ્લાભરમાં ઉઘાડ નીકળ્યો છે.  ગઈકાલે પડેલા માવઠાના કારણે કાલાવડ,ધ્રોલ, લાલપુર અને જામનગરના માર્કેટિંગ યાર્ડમાં રાખેલી જણાસો ને કોઇપણ પ્રકારની નુકશાની થઇ ન હતી. પરંતુ જામજોધપુર અને કાલાવડ વિસ્તારના કેટલાક ખેડૂતોના ઉતારેલા પાકને સામાન્ય નુકસાની થઈ છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫ કિમીની ઝડપે રહી હતી.

જામજોધપુર

જામ-જોધપુરમા ગતરાતે વરસાદના છાંટા જામ જોધપુર શહેર તેમજ પંથકમાં ગઇરાત્રે વરસાદના છાંટા પડતા માવઠાની અસરથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે. જામજોધપુર પંથકમાં ઘંઉ, ચણા, જીરૂ, કપાસ સહિતના પાકોને નુકશાની જવાની ભીતી સેવાઇ રહી છે.

કેશોદ

કેશોદ તાલુકામાં ગઇકાલે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી ઝાપટાથી ઠેર ઠેર રોડ રસ્તાઓ પલળી ગયા હતા.

ગઇકાલે કેશોદ તાલુકાના ઝણઝા ગામથી માણેકવાડા અગતરાય સુધીના રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. જોરદાર વરસાદી ઝાપટાંથી આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને હજુ વાદળછાયા વાતાવરણ  વચ્ચે આકાશ ગોરંભાયેલું છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જોરાવરનગર લખતર ચુડા લીમડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસવા પામ્યા છે ત્યારે સતત સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા વર્ષે પણ ખેડૂતોને કમોસમી વરસાદનો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે અચાનક ધોધમાર રીતે વરસાદ વરસવા પામ્યો છે ત્યારે આશરે સવારે ચાર વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં વરસાદી વાતાવરણ ભર શિયાળાની ઋતુમાં જોવા મળ્યો હતો અને વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ સતત બે કલાક સુધી વરસવા પામ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો દ્વારા સતત બીજા વર્ષે પણ કમોસમી વરસાદનો માર સહન કરવાનો વારો આવ્યો છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર લીંબડી ચોટીલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા શિયાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ હાલમાં સર્જાઈ જવા પામી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને આજુબાજુના ગ્રામ્ય પંથકના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે ૧૯૫૪૬ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેને વ્યાપક નુક્સાન જવાની ભીતિ હાલમાં સર્જાઈ જવા પામી છે.

ધારી

ધારી પંથકમાં ગઇકાલ સવાર થી જ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું અને મોડી સાંજે વરસાદ ઝાપટાં રૂપી વરસાદ પડ્યો હતો અને રાત્રી દરમિયાન પણ વરસાદ ઝરમર ચાલુ રહ્યો હતો અને વહેલી સવારે જોરદાર ઝાપટું પડી ગયુ હતુ અને રોડપર પાણી વહી ગયા હતા આ કમોસમી વરસાદ થી ખેડૂતો ને શિયાળુ પાક મા પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે અને હવે કોરોના ની સાથે સાથે અન્ય રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે કારણકે લગ્ન ગાળા ની સીઝન પણ ચાલી રહી છે.