Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ચોમાસુ જાણે પાછુ જુવાન થયું હોય તેમ ગઈકાલે આખો દિવસ વરસેલા વરસાદથી ખેતરોમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયા છે. ભારે વરસાદના કારણે રામ મોલ પર સંકટ તોળાયું છે જોકે શિયાળુ પાક માટે ઉજળા સંજોગો જોવા મળ્યા છે. અતિવૃષ્ટિ જેવી આ પરિસ્થિતિમાં જોકે રામ મોલ એટલે કે ચોમાસુ પાક પર વધારે વરસાદથી નુકસાનનો ભય ઉભો થયો છે પરંતુ શિયાળુ પાક માટે ખેડુતોને પુરતુ પાણી મળી રહે તેવી કુદરતી વ્યવસ્થાના પગલે ખેડુતોમાં કહીં ખુશી, કહી ગમનો માહોલ ઉભો થયો છે. સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખાસ કરીને કપાસ અને મગફળીના ઉભા મોલ ઉપર મોટુ સંકટ આવી પડયું છે. કપાસમાં અત્યારે ફુલ બેસવાની સિઝનમાં ભારે વરસાદના કારણે ફુલ ખરી જવાની અને કપાસ ભાગી જવાની અથવા તો વધારે પાણીના કારણે નાશ પામવાની જોખમી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મગફળીના ખેતરો પણ ધોવાણનો ભોગ બન્યા છે ત્યારે રામ મોલ માટે જોખમી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ ખેડુતોને શિયાળુ પાકમાં પાણીની ખેંચ નહીં રહે તે વાત નિશ્ચિત બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.