Abtak Media Google News

આઈસીએમઆરની નવી ગાઈડલાઈન પ્રમાણે ડિસ્ચાર્જ થયેલા ૧૩ પોઝિટિવ દર્દીઓને પથિકાશ્રમમાં ક્વોરન્ટાઇન કરાયા

રાજકોટથી કોરોના વોરિયર્સની અમદાવાદ ફરજ બજાવતી ૧૩ તબીબોની ટીમ એક સપ્તાહ પછી પરત ફરશે

કોરોના મહામારીને આરોગ્ય વિભાગમાં સતત ચહેલ-પહેલ મચાવી છે. દિન-પ્રતિદિન વધતા જતા પોઝીટીવ કેસ અને મૃત્યુ આંકને થંભાવવા માટે તંત્ર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીસ્ટ બિલ્ડીંગમાં કોવિડ-૧૯ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે પરંતુ ગઈકાલે આઈસીએમઆર દ્વારા પ્રસિઘ્ધ કરાયેલી નવી ગાઈડલાઈનમાં ૧૦ દિવસથી વધુ સારવાર લઈ ચુકેલા કોરોના પોઝીટીવ દર્દીઓમાં મેજર લક્ષણ ન જણાય તો તેમને કોરોન્ટાઈન કરવામાં આવશે તેના ભાગરૂપે ગઈકાલે સિવિલનાં આઈસોલેશન વોર્ડમાંથી ૧૩ પોઝીટીવ દર્દીઓને ડિસ્ચાર્જ કરી પથિકાશ્રમ ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ફેસીલીટી કોરોન્ટાઇનમાં ૨૪ કલાક તબીબો ખડેપગે રહેશે અને એક સપ્તાહ પહેલા રાજકોટથી અમદાવાદ ખાતે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવવા ગયેલી ૧૩ તબીબોની ટીમ પરત આવશે તેવું જાણવા મળ્યું છે.

કોરોના કોવિડ-૧૯નાં વાયરસમાં શંકાસ્પદ જણાતા કે મેજર લક્ષણો જણાતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા ફેસીલીટી કોરોન્ટાઈન સેન્ટર ખાતે લોકોને રાખવામાં આવે છે. શહેરમાં સમરસ હોસ્ટેલ અને પથિકાશ્રમમાં શંકાસ્પદ અથવા આઈસોલેશન વોર્ડમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને કોરોન્ટાઈન કરવામાં આવે છે ત્યારે ગઈકાલે આઈસીએમઆર દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ જો કોઈ કોરોના પોઝીટીવ દર્દી ૧૦ દિવસથી વધુ આઈસોલેશન વોર્ડમાં સારવાર મેળવી હોય અને ત્યારબાદ તેને વાયરસનાં કોઈ મેજર લક્ષણો ન જણાય તો તેનો રીપોર્ટ નેગેટીવ ન હોવા છતાં પણ આઈસોલેશન વોર્ડમાંથી ડિસ્ચાર્જ કરી કોરોન્ટાઈન કરવામાં આવશે. જેના ભાગરૂપે શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા પથિકાશ્રમને ફેસીલીટી કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરી ગઈકાલે સિવિલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાંથી કુલ ૧૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જેમાંથી ૪ દર્દીઓનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને ૧૩ દર્દીઓમાં કોરોના વાયરસનાં કોઈ મેજર લક્ષણ ન જણાતા તેમનો રીપોર્ટ પોઝીટીવ હોવા છતાં પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ૧૩ પોઝીટીવ દર્દીઓને ડિસ્ચાર્જ કરી ફેસીલીટી કોરોન્ટાઈન પથિકાશ્રમમાં ખસેડવામાં આવ્યા હતા જયાં આરોગ્ય વિભાગની ટીમ અને સિવિલ હોસ્પિટલનાં તબીબોની ટીમ ૨૪ કલાક સુધી ખડેપગે રહી ડિસ્ચાર્જ કરાયેલા કોઈપણ પોઝીટીવ દર્દીઓમાં કોરોના વાયરસનાં ફરી લક્ષણો વધુ ઉછાળો ન મારે તેની પુરી તકેદારી રાખી આઈસોલેશન વોર્ડ જેવી જ સારવાર કરવામાં આવશે. એક સપ્તાહ પહેલા રાજયનાં કોરોના વાયરસનાં એપી સેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદ શહેરમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતેથી ૧૩ તબીબોની ટીમને મોકલવામાં આવી હતી જે તબીબોએ એક સપ્તાહ સુધી અમદાવાદ ખાતે આઈસોલેશન વોર્ડમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરી પોતાની ફરજ અદા કરી હતી. જામનગરથી થયેલી ૧૮ તબીબોની ટીમમાંથી ૪ તબીબો કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. જયારે રાજકોટથી ગયેલી ૧૩ તબીબોની ટીમ આજરોજ પરત ફરશે તે પહેલા તમામનાં સેમ્પલ મેળવી કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.