Abtak Media Google News

નવરાત્રીના પર્વમાં મોટા અવાજે માઇક વગાડવા મામલે પડોશીઓના ડખ્ખા થતા હોય છે ત્યારે ગઈકાલ રાતે રૈયા રોડ હનુમાન મઢી પાસે અલ્કાપુરી સોસાયટીમાં રહેતાં પરિવારના મહિલાએ શેરીમાં યોજાતી ગરબીમાં મોટા અવાજે ડાકલા વગાડવામાં આવતાં હોઇ અવાજ ધીમો રાખવાનું આયોજક મહિલા અને તેના પુત્રને કહેતાં તેનું ઉપરાણુ લઇ બીજા શખ્સોએ તમે કેમ ગરબી બંધ કરવાનું કહો છો? તેમ કહી ધોકા-પાઇપથી હુમલો કરતાં મહિલા, તેના પતિ, પિતા અને 11 વર્ષના પુત્રને પણ ઇજા થતાં ગાંધીગ્રામ પોલીસે રાયોટીંગ સહિતનો ગુનો નોંધ્યો છે.

ગરબીના સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો રાખવાનો કહેતા કારમાં ઘડી આવેલા શખ્સોએ ધોકા – પાઇપ વડે મારમાર્યો

ગાંધીગ્રામ પોલીસે રાયોટીંગ સહિતનો ગુનો નોંધી તપાસ હાથધરી

વિગતો મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાસે અલ્કાપુરી સોસાયટી શેરી નં. 8માં રહેતાં આરતીબેન અલ્પેશભાઇ વાળા (ઉ.વ.35) નામના ગૃહીણીની ફરિયાદ પરથી ગોપાલ દેવદાનભાઇ બોળીયા, કાના દેવદાનભાઇ બોળીયા, ગોવિંદ બાથાભાઇ બોળીયા, લાલુ ગોવિંદભાઇ બોળીયા અને બે અજાણ્યા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.જેમાં આરતીબેન વાળાએ જણાવ્યું હતું કે હું પતિ સાથે રહુ છું. મારે બે સંતાન છે. 20મીએ શુક્રવારે રાતે અમારી શેરીમાં ગરબી થતી હોઇ ત્યાં નવ વાગ્યાથી સતત મોટા અવાજે માતાજીના ડાકલા વગાડવામાં આવતાં હોઇ સ્પીકરનો અવાજ સતત મોટો હોવાથી મેં પડોશીઓ પ્રભાબેન લાલજીભાઇ સોલંકી, મીતાબેન રાજુભાઇ ખખ્ખર સાથે ફોનથી વાત કરી હતી. આ બંને બહેનોને પણ ગરબીમાં મોટા અવાજે ડાકલા વાગતાં હોઇ તેના કારણે પરેશાની થતી હોઇ અમે ત્રણેય બહેનો સાથે મળી રાતે દસેક વાગ્યે ગરબીના આયોજક લક્ષ્મીબેન હમીરભાઇ સાગઠીયા અને તેના દિકરા વિશાલ સાગઠીયાને ગરબી ખાતે મળવા ગયા હતાં અને ડાકલા ધીમા વગાડવા કહ્યું હતું.

આ કારણે લક્ષ્મીબેન અને તેના દિકરા વિશાલે પોતે ડાકલાનો અવાજ ધીમો કરી નાંખશે તેમ કહેતાં અમે ત્રણેય બહેનો અમારા ઘરે જતી રહી હતી. થોડીવાર બાદ સવા દસેક વાગ્યે કોઇએ મારા ઘરની ડેલી ખખડાવતાં મેં ડેલી ખોલતાં અલ્કાપુરી-1માં રહેતો ગોપાલ બોળીયા બહાર ઉભો હતો અને ‘તમે લક્ષ્મીબેનને ગરબી બંધ કરવાનું કેમ કહો છો?’ તેમ કહેતાં મેં કહેલું કે અમે ગરબી બંધ કરવાનું નથી કહ્યું માત્ર ડાકલાનો અવાજ ધીમો રાખવાની વિનંતી કરી હતી. આ સાંભળીગોપાલ મને ગાળો દેવા માંડયો હતોઅને ઉશ્કેરાઇ જઇ ઝાપટો મારવા માંડતાં મેં સ્વબચાવમાં તેને ધક્કા માર્યા હતાં.

આ વખતે જ મારા પતિ બાલદાઢી કરાવવા ગયા હોઇ તે આવી જતાં તેમજ મારા પિતા પણ બાજુમાં હોઇ તે પણ આવી જતાં અમને છુટા પડાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ગોપાલ ચોકમાં જતો રહ્યો હતો. થોડીવાર બાદ સફેદ રંગની કાર આવી હતી. તેમાંથી બે અજાણ્યા લોકો ઉતર્યા હતાં. બાદમાં આ બંને તેમજ ગોપાલ, તેનો ભાઇ કાનો તેમજ ગોવિંદ બાથાભાઇ બોળીયા, લાલુ ગોવિંદભાઇ બોળીયા એમ બધા ધોકા-પાઇપ સાથે મારા ઘર પાસે આવ્યા હતાં અને મને તથા મારા પતિએ આડેધડ ઘા મારા માંડયા હતાં. મને જમણા હાથે કોળણીમાં અને વાંસામાં ઇજા થઇ હતી. પતિને ડાબા પગ અને હાથ તથા માથામાં અને કાન પાસે તેમજ શરીર પર ધોકા-પાઇપ ફટકારાયા હતાં. પતિને માથામાંથી લોહી નીકળતાં મારા પિતા છોડાવવા વચ્ચે આવતાં તેને પણ હાથની કોણી અને નાક પાસે લાકડીના ઘા ફટકારાયા હતાં.

દેકારો થતો હોઇ મારો પુત્ર રક્ષવ (ઉ.વ.11) પણ દોડીને વચ્ચે પડતાં તેને પણ ડાબા હાથના કાંડા પર લાકડી ફટકારી દેવાઇ હતી. અમે દેકારો મચાવતાં શેરીના લોકો ભેગા થઇ જતાં અમને ડેલીમાં પુરી ડેલી બંધ કરી દેતાં હુમલો કરનારા બધા ભાગી ગયા હતાં. બાદાં મેં પોલીસને ફોન કરતાં ગાડી આવી હતી. બાદમાં પડોશી છેલાભાઇ ભરવાડ, રાજુભાઇ વ્યાસે અમને મઢી પાસે દવાખાનુ હોઇ ત્યાં સારવાર અપાવી હતી. પતિને માથામાં પાંચ ટાંકા આવ્યા હતાં.  બાદમાં ફરિયાદ કરી હતી.જેમાં ગાંધીગ્રામ પોલીસ ડવરા આરતીબેન ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.