Abtak Media Google News

નવી ફેમિલી કાર્ડ સિસ્ટમ ઉભી કરવા માટે મુખ્યમંત્રીએ સંબંધિત તમામ વિભાગો સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી હતી

નાગરિકોને તમામ સરકારી યોજનાઓનો લાભ મળતો થશે જેમાં રેશન કાર્ડની યોજના, મફત અથવા સબસિડીવાળા આવાસ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને આરોગ્ય સુવિધાઓ એક જ કાર્ડ પર ઉપલબ્ધ થશે

ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બને હજુ એક અઠવાડિયાનો સમય થયો છે અને તેમને પોતાની કામગીરી પણ આરંભી દીધી છે. ભૂપેન્દ્ર પટેલે પાછલા અઠવાડિયે ’ફેમિલી કાર્ડ’ સિસ્ટમ લોન્ચ કરતા પહેલા તેની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં સરકારનું કહેવું છે કે આ સિસ્ટમ લોકોને ઘણી ઉપયોગી સાબિત થશે, જેમાં એક જ કાર્ડમાં અનેક લાભો મેળવી શકાશે. શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ એક ચિંતા પણ વ્યક્ત કરી હતી કે નાગરિકોની પ્રાયવસીનો ભંગ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને પરિવારના ડેટાનો દૂરોપયોગ થવાની ચિંતા વ્યક્ત કરી છે. એક મુખ્ય સૂત્રએ આ અંગે જણાવ્યું કે, નવી ફેમિલી કાર્ડ સિસ્ટમ ઉભી કરવા માટે મુખ્યમંત્રીએ સંબંધિત તમામ વિભાગો સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી હતી, જેમાં લાભાર્થીઓની વિગતોને એક જ કાર્ડમાં ભેગી કરવામાં આવશે.

Advertisement

મળતી માહિતી મુજબ નાગરિક અને સરકાર બન્નેને તેનાથી ફાયદો થશે. નાગરિકોને તમામ સરકારી યોજનાઓનો લાભ મળતો થશે જેમાં રેશન કાર્ડની યોજના, મફત અથવા સબસિડીવાળા આવાસ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને આરોગ્ય સુવિધાઓ એક જ કાર્ડ પર ઉપલબ્ધ થશે.

આ તમામ વિગતો એક જ કાર્ડમાં આવી જવાથી સરકારને તેમાં થતી ખામી દૂર કરવામાં અને તેના દૂરોપયોગને રોકવામાં મદદ મળશે. ઉદાહરણ તરીકે પરિવારના એકથી વધુ સભ્યો એક જ ઘરમાં રહેતા હોવા છતાં સબસિડીવાળા આવાસને મેળવવાના લાભ ઉઠાવી રહ્યા છે. ફેમિલી કાર્ડથી આ રીતે થતા તેના દુરોપયોગને રોકી શકાશે. એક ફેમિલી કાર્ડમાં તમામ સભ્યોના વાહનો અને મિલકતની માલિકીની વિગતો પણ સમાવી લેવામાં આવશે.ઉચ્ચ અધિકારીઓએ સિસ્ટમ હેઠળ એકત્રિત કરવામાં આવેલા ડેટાનો સંભવિત દુરોપયોગ થવાની ચિંતા વ્યક્ત કરી હતી,

આ અંગે કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે આ પ્રોજેક્ટને રાજ્યમાં મોટાપાયે લોન્ચ કરતા પહેલા પાઈલટ પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ.

વિવિધ કાર્ડનો દુરુપયોગ રોકવા ફેમિલીકાર્ડ મદદરૂપ થશે

હાલમાં કેટલાક કિસ્સામાં અલગ-અલગ કાર્ડનો દુરોપયોગ થાય છે તેની ખામીઓ દૂર કરવામાં પણ ફેમિલી કાર્ડ મદદરૂપ થશે. સૂત્રોએ જણાવ્યું કે કે ફેમિલી કાર્ડમાં રેશન કાર્ડ, મા (મુખ્યમત્રી અમૃતમ) હેલ્થ કાર્ડ અને વિવિધ કૃષિ યોજના માટે જારી કરાયેલા કાર્ડ્સને બદલી નાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.