Abtak Media Google News

દલાલો મારફતે ગામડામાંથી દોઢ લાખ મણ કપાસની ખરીદી કરી ત્રણ માસ પૂર્વે રફુચક્કર થયા હતા, દિલ્હી અને હરિયાણામાં છૂપાયા ’તા

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ખેડુતો સાથે રૂા.૩ કરોડની કિંમતના તપાસનો જથ્થો ખરીદી નાસી છુટેલા વેપારી પિતા અને બે પુત્રોને એલસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં વધતા જતા આર્થીક ગુનાઓ ડામી દેવા તેમજ ઠગાઈ અને છેતરપીંડીમાં વધતા જતા ગુનાઓને ઉકેલવા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઈ. ડી.એમ. ઢોલ અને પી.એસ.આઈ. વી.આર. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સાયલા તાલુકાના ખેડુતો સાથે કપાસની ખરીદી કરી રૂા.૩ કરોડની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા રાયભણ મનજી ગાબુ અને તેનો પુત્ર મહેશ તેમજ રાજેશ સહિત ત્રણેય સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશીપમાં પોતાના ઘરે હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. એલસીબીના સ્ટાફે રાયભણ ગાબુ અને તેનો પુત્ર મહેશ તેમજ રાજેશ સહિત ત્રણેયની અટકાયત કરી પ્રાથમીક તપાસમાં ચાલુ વર્ષ ૨૦૨૦ માં સાયલા પંથકમાં દલાલો મારફતે દોઢક લાખ જેટલો કપાસની ઉંચા ભાવે ખરીદી કરી હતી. તેમજ સાયલા નજીક ધાંધલપુર ચોકડી પાસે આવેલા રવિ કીરણ પેટ્રોલ પંપના માલીક પાસેથી ડીઝલનો જથ્થો અને કપાસ ખરીદી સહિત આશરે રૂા.૩ કરોડની ઠગાઈ કરી નાસી ગયા હતા. ઉપરોકત ત્રણેય શખ્સો છેલ્લા ૧૫ વર્ષથી કાલા કપાસનો વેપાર કરે છે અને કપાસના ભાવની વધ-ઘટ, ખેડુતોને આપેલો ઉપાડ અને વ્યાજે લીધેલી રકમની ચુકવણી કરવામાં માટેની રકમ ધંધામાં ખોટ જતા દેણુ થઈ જતા પૈસા ચુકવવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગત તા.૧૭/૩/૨૦ ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ અને ત્યાંથી દિલ્હી અને હરીયાણામાં ભાડે મકાન રાખી રહેતા હતા અને લોકડાઉનમાં કોઈ કામ ધંધો ન મળતા આર્થીક મુશ્કેલી નડતા આથી પરત વતન આવ્યાની કબુલાત આપી હતી. આ બનાવની વધુ તપાસ સાયલા પોલીસ મથકના સ્ટાફ ચલાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.