Abtak Media Google News

કોરોના માત્ર ત્રણ અક્ષરના આ શબ્દ એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે, અબાલવૃદ્ધ સૌ કોઈના મુખે માત્ર કોરોના જ કોરોના છે. કોવીડ-૧૯ ના સંક્રમણને અટકાવવા ના અસરકારક ઉપાય તરીકે ૨૫ માર્ચ – ૨૦૨૦ થી સમગ્ર દેશમાં પ્રથમ લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું, પ્રથમ તબક્કો ૨૫ મી માર્ચથી ૧૪ મી એપ્રિલ સુધી જાહેર કરાયો, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને લઈ ૧૫ મી એપ્રિલ થી ૩ જી મે સુધી લોકડાઉનનો બીજો તબક્કો જાહેર કરાયો, ત્યાર બાદ નારિકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ ૪ મે થી ૧૭ મે સુધી લોકડાઉનના ત્રીજા તબક્કાની જાહેરાત પણ કરવામાં આવી તથા ૧૮ મી મે થી ૩૧ મે સુધી લોકડાઉનનો ચોથો અને આખરી તબક્કો જાહેર કરાયો…લોકોની જરૂરીયાત અને અર્થતંત્રને ધ્યાને રાખી ૧ લી જૂનથી સમગ્ર દેશમાં અનલોક – ૧ ની શરૂઆત થઈ…આ લોકડાઉન  ૧ થી અનલોક  ૧ સુધીના ૬૮ દિવસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસની મહામારી સામેના પડકારોને પહોંચી વળવા જિલ્લા પ્રશાસનના નિષ્ઠાવાન પ્રયાસો અને તેના પરિણામનો ચિતાર મેળવીએ…..

સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ કોરોના સંક્રમિત વ્યક્તિ પ્રવેશે નહીં તે માટે જિલ્લામાંથી પસાર થતા મુખ્ય હાઈવે તથા અન્ય મહત્વના રોડ પર ૧૨ ચેકપોસ્ટ પણ કાર્યરત કરાઈ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાર તબક્કામાં જિલ્લાના કૂલ ૯૪ હજારથી વધુ ઘરોની ૪.૬૪ થી વધુ વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પણ કરવામાં આવ્યું.

જિલ્લાના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે જિલ્લામાં અત્યાર સુધીમાં ૨.૬૭ લાખથી વધુ આયુર્વેદિક ઉકાળા તથા કૂલ ૧.૩૪ લાખથી વધુ હોમીયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.  જિલ્લામાં લોકોની જીવન જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને કૂલ ૧૦ હજારથી વધુ લોકોને પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં ડેરી ઉદ્યોગ માટે ૧૩૭૮, દવાઓ સબંધિત ૫૮૬, નાની – મોટી દુકાનો માટે ૧૬૫૪, બેંક, વીમા અને નાણાકીય સવલતો માટે ૯૬,ટેલીકોમ અને ઈન્ટરનેટ સબંધિત ૧૩૬, ધંધા- ઉદ્યોગો ડીલેવરી સબંધિત ૧૧૯૩ તથા અન્ય ૫૭૦૧ પાસનો સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાન તા ૯ મી મેના રોજ પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે મોકલવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીમાં ૧૦ હજારથી વધુ શ્રમિકોને તેઓના વતન મોકલવામાં આવ્યા છે. જે પૈકી ૬૭૪૪ શ્રમિકોને સ્પેશ્યલ ટ્રેન અને ૪૦૬૨ શ્રમિકોને બસ – ખાનગી વાહન દ્વારા તેમના વતન મોકલવામાં આવ્યા છે, આ શ્રમિકોમાં ઉત્તરપ્રદેશના ૨૯૬૫, ઓરીસ્સાના ૧૦૯૧, મધ્યપ્રદેશના ૨૭૭૧, આસામના ૧૪, મણીપુરના ૪, કેરાલાના ૧૩, પશ્ચિમ બંગાળના ૩૯૯, બિહારના ૭૧૫, ઝારખંડના ૮૭૩, ઉત્તરાખંડના ૧૦૨, દાદરા અને નગર હવેલીના ૬, તેલંગાણાના ૯, પોંડીચેરીના ૨,છત્તીસગઢના ૨, ગોવાના ૧૩, હિમાચાલ પ્રદેશના ૧૨, કર્ણાટકના ૨૦, મહારાષ્ટ્રના ૮૪૬, દિલ્હીના ૧૧ તથા દમણ અને દિવના ૨૦ મળીને ૧૦૮૦૬ જેટલા શ્રમિકોનો સમાવેશ થાય છે.

કોરોના વાયરસની મહામારી સમયે હંમેશા અન્યને ઉપયોગી થવાની ભાવના ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ૩.૦૫ કરોડ અને પી.એમ. રીલીફ ફંડમાં રૂપિયા ૬ લાખ આપી માનવતાના દર્શન કરાવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે જિલ્લા પ્રશાસનની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ નિષ્ઠાવાન પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના પરિણામે લોકડાઉનના ભંગ બદલ ૩૧૪૮ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કાર્યરત કરાયેલ કંટ્રોલ રૂમ દ્વારા અત્યાર સુધીમાં ૫૦૨ કોલ રીસીવ કરવામાં આવ્યા છે, જેમાં દવાઓ માટે ૧૨૫, દૂધ-કરીયાણા માટે ૨૩, શાકભાજી અને ફળને લગતા ૫૭, ઉદ્યોગોને લગતા ૨, પાણી અને અગ્નિ જેવી નાગરિકની અન્ય સુવિધાઓ સબંધિત ૨ તથા અન્ય ૨૯૩ ફરિયાદોનો સમાવેશ થાય છે.

કોરોનાની મહામારીના સમયે ઉભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં રોજનું કમાઈને પોતાનો તથા પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા જરૂરીયાતમંદ લોકો લોકડાઉન દરમિયાન ભૂખ્યા ન સૂવે તે માટે  NFSA (APL-1), NON – NFSA BPL, PMGKY તથા અન્નબ્રહ્મ યોજના હેઠળ જિલ્લાના ૮.૩૨ લાખથી વધુ પરિવારોને સસ્તા અનાજની દુકાનો મારફતે વિનામૂલ્યે રાશનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.