Abtak Media Google News

રાજકોટમાં વીજળીના બિહામણા કડાકાભડાકા સાથે મંગળવારે રાતે વધુ બે ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે મેઘમહેર

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર મેઘ કૃપા વરસી રહી છે. જુલાઈ માસ પણ પૂર્ણ થયો નથી ત્યાં રાજયમાં મોસમનો કુલ ૪૩ ટકા વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. આગામી ૨૧મીથી ફરી ચાર દિવસ રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોય. ગુજરાત પર લીલા દુષ્કાળનું જોખમ જળુંબી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટમાં વીજળીના બિહામણા કડાકા-ભડાકા સાથે વધુ ૨ ઈંચ વરસાદ ખાબકયો હતો. આગામી ૨ દિવસ સમગ્ર રાજયમાં મેઘ વિરામ જેવો માહોલ રહેશે. ૨૧મીથી ફરી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શ‚ થશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૧.૫ કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સાયકલોનીક સકર્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરેલા સુધી ઓફસોર ટ્રફ છે જેની અસરતળે આજે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. કાલથી બે દિવસ મેઘ વિરામ જેવો માહોલ રહેશે. દરમિયાન ૨૧ થી ૨૪ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ-દમણ-દાદરાનગર હવેલી અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જણાય રહી છે.

સ્ટેટ કંટ્રોલ‚મના સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૨ જિલ્લાના ૧૪૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સુરતના ચોર્યાસીમાં સૌથી વધુ ૨૦૧ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલે મોડીરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ૨ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ સાથે શહેરમાં મોસમનો કુલ ૮૫૭ મીમી વરસાદ વરસી ગયો છે. જુલાઈ માસમાં સીઝનનો ૧૨૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સતત પાંચમાં દિવસે મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ૬૨ મીમી, વઢવાણમાં ૩૫ મીમી, રાજકોટના લોધીકામાં ૭૫ મીમી, રાજકોટમાં ૪૮ મીમી, ઉપલેટામાં ૧૦ મીમી, મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૨૫ મીમી, જામનગરના ધ્રોલમાં ૧૨ અને કાલાવડમાં ૧૩ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૨૫ મીમી, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૩૪ મીમી, માળિયા હાટીનામાં ૩૦ મીમી, માંગરોળમાં ૪૦ મીમી, ગીર-સોમનાથના તાલાલામાં ૪૬ મીમી, વેરાવળમાં ૨૭ મીમી, ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ૩૩ મીમી, પાલિતાણામાં ૧૯ મીમી અને વલ્લભીપુરમાં ૨૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતના ચોર્યાસીમાં ૮ ઈંચ, નવસારીના ચિખલીમાં ૫॥ઈંચ, જલાલપોર, નવસારી, પાલસણા, માંડવી, ઉંમરગામ, બારડોલીમાં ૪-૪ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ ચાલુ છે. આજે પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન આગામી ૨૧મીથી વરસાદનો નવો રાઉન્ડ શ‚ થતો હોય. રાજયમાં લીલા દુષ્કાળનો ખતરો જળુંબી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.