Abtak Media Google News

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હિંસક પ્રદર્શનો દ્વારા રાજધાનીના વાતાવરણને

ડહોળવાનો પ્રયાસ : પ્રદર્શનોમાં ઘુસીને આંતકી તત્ત્વો તોફાન મચાવતા હોવાના ગુપ્તચર તંત્રના અહેવાલો

સ્પષ્ટ બહુમતિથી બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર ધડાધડ એક પછી એક હિંમતભર્યા નિર્ણયો લઈ રહી છે. જેના કારણે દેશને આઝાદીકાળથી પીડતી એક પછી એક સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું છે. આવી જ એક સમસ્યા પૂર્વેત્તર રાજયોમાં ઘૂસણખોરો અને શરણાર્થીઓની છે. આ સમસ્યાને કાબુમાં લેવા આસામમાં નેશનલ સીટીઝન ઓફ રજીસ્ટરનો અમલ કર્યા બાદ તાજેતરમાં નવો નાગરિકતા કાયદો મોદી સરકાર લાવી હતી. પરંતુ, આ કાયદા સામે પૂર્વોત્તર રાજયો બાદ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. પરંતુ, દિલ્હીનાં અનેક વિસ્તારોમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભારે હિંસા જોવા મળી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે થયેલા આ હિંસક પ્રદર્શનોથી દિલ્હી સહિત દેશભરમાં તેના પડઘા પડયા છે અને રાજકારણ ગરમાયું છે.

નવા નાગરીકતા કાયદા સામે આ અઠવાડીયાના પ્રારંભે દિલ્હીની જામીયા મલીયા ઈસ્લામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભારે હિંસા થવા પામી હતી જે બાદ, દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ થતા વિરોધ પ્રદર્શનોમાં મોટાપ્રમાણમાં હિંસાથઈ રહી છે. આજે પણ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ૪૦ થી વધુ વિરોધ પ્રદર્શનો થવાની સંભાવના છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનોમાં ઈન્ડીયન મુજાહીદીન અને સીમી સાથે જોડાયેલા આતંકવાદી તત્વો ભળીને તોફાનો કરીને પ્રદર્શનકારીઓને ઉશ્કેરતા હોવાનું ગુપ્તચરો તંત્રોએ અહેવાલો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આપ્યા છે. જેથી, આ તોફાનોમાં રાજકીય અને આતંકી ઈચ્છાશકિતની સુનિયોજીત હોવાનું રાજકીય પંડીતોમાં ચર્ચાઈ રહ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આ હિંસક તોફાનો કરાવીને પોતાના રાજકીય રોટલા શેકી લેવાની રાજકીય પક્ષોની વૃત્તિથી આવા તોફાનો તુરંતમાં કાબુમાં આવવા અશકય ગણાવાય રહ્યા છે.

આવા હિંસક વિરોધ પ્રદર્શનો સામે કડક હાથે કામ લેવા દિલ્હી પોલીસે ઉતરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના આસપાસના રાજયોના પોલીસ તંત્રની મદદ માંગી છે દિલ્હી પોલીસના વરિષ્ટ અધિકારીઓએ આસપાસનાં રાજયોનાં જિલ્લાનાં પોલીસ અધિક્ષકો અને કમિશનરો સાથે ચર્ચા કરીને તેમના વધારાના પોલીસ જવાનોની દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા મદદ માંગી છે ઉપરાંત, દિલ્હી પોલીસે તેના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓની રજા રદ કરીને ૨૪ કલાક સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરી છે. ઉપરાંત તોફાનો અંગેની અફવા સોશ્યલ મીડીયા દ્વારા વધારે ફેલાઈ નહી તે માટે આજે દિલ્હીના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવનારી હોવાનું પણ પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

7537D2F3 14

વોટસએપ ટવીટર અને ફેસબુક પર વાયરલ થતી અફવાઓને રોકવા માટે દિલ્હી પોલીસે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. પોલીસના સાયબર સેલે જે અફવા ફેલાવી રહ્યા છે તેવા તમામ સોશિયલ મીડીયા એકાઉન્ટસને સર્વેલન્સ પર રાખ્યા છે. પોલીસે ગૃહ મંત્રાલય પાસેથી વધારાના દળની માંગ કરવામાં આવી છે. દિલ્હીના ઘણા મેટ્રો સ્ટેશન થોડા સમય માટે બંધ કરવામાં આવશે પોલીસને બાતમી મળી કે ઈન્ડીયન મુજાહીદીન અને સીમી સાથે જોડાયેલા આતંકવાદી તત્વો પ્રદર્શન દરમિયાન તોડફોડ, ભડકાવવાઅને ઉશ્કેરણી કરવાની તૈયારી સાથે જોડાનારા છે. આ માહિતીને ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ સાથે શેર કરી છે. જેની પુષ્ટિ દિલ્હી પોલીસ અધિકારીઓએ કરી હતી ઈનપુટ્સને એવો પણ અહેવાલ આપ્યો છે કે, આજે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં મેવાત, નૂનહ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનો દ્વારા દિલ્હીમાં પ્રવેશ કરી શકે છે અને વિરોધમાં હિંસા ફેલાવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ગુડગાંવ બોર્ડર પર બ્રેરિકેડ મૂકીને કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

નાગરિકતા સુધારા કાનૂનનાં વિરોધની ઈશાની રાજ્યોથી ભડકેલી આગ હવે આખા દેશમાં પ્રસરી ગઈ છે. જેમાં ગઈકાલે ડાબેરીઓ પ્રેરિત બંધનાં એલાન વચ્ચે દેશનાં ૧૦ રાજ્યોનાં ૧૩ મહાનગરોમાં આ કાયદા વિરુદ્ધ પ્રચંડ પ્રદર્શન અને અનેક સ્થાને હિંસાનું તાંડવ ખેલાયું હતું. ઉત્તરપ્રદેશ ઉપરાંત કર્ણાટક અને દિલ્હીનાં કેટલાક ભાગોમાં ધારા ૧૪૪ લગાડીને ૪થી વધુ લોકોને ટોળે વળવા કે વિરોધી દેખાવો કરવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પણ હજારો લોકોએ તેનો સામૂહિક ભંગ કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. રાજધાની દિલ્હી સહિતનાં દેશનાં વિભિન્ન ભાગોમાં ધારા ૧૪૪નો ભંગ કરનારા નેતાઓ સહિત સેંકડો લોકોને અટકાયતમાં લેવાયા હતાં. લાલકિલ્લા ખાતે યોજાનારા વિરોધી આંદોલનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ન પહોંચી શકે તે માટે દિલ્હી-હરિયાણા બોર્ડરને બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતાં. દિલ્હીમાં કુલ ૧૭ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવા પડયા હતાં તો ઘણા વિસ્તારોમાં કલાકો સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનની સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી.

ઉત્તરપ્રદેશનાં લખનઉ અને સંભલમાં બસ સહિતનાં વાહનો સળગાવી દેવામાં આવ્યા હતાં તો એક પોલીસચોકીને પણ બાળવામાં આવી હતી. લખનઉની હિંસામાં એકનું મોત થયું હતું. તો પપ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરવામાં આવી હતી. બીજીબાજુ કર્ણાટકનાં મેંગ્લુરુમાં પણ તોફાનમાં ૨નાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશના અનેકભાગોમાં હિંસા ફાટી નીકળ્યાં બાદ ગૃહમંત્રી અમિત શાહે મોડી સાંજે સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

આજે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ધારા ૧૪૪ લાગુ કરીને ૪થી વધુ લોકોને એકઠા થવાની બંધી લાદી દેવામાં આવી હતી. જેમાં લખનઉનાં જૂના શહેરમાં સેંકડોની સંખ્યામાં ટોળે વળેલા દેખાવકારો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતાં અને લાઠીચાર્જ વચ્ચે ભારે તોડફોડ મચાવી દીધી હતી.

7537D2F3 14

લખનઉનાં હસનગંજ વિસ્તારમાં તો તોફાને ચડેલા પ્રદર્શનકારીઓએ એક પોલીસ ચોકીને જ આગનાં હવાલે કરી દીધી હતી અને પોલીસનાં વાહનોમાં પણ તોડફોડ અને આગજની કરી હતી. લખનઉ ઉપરાંત યુપીનાં જ સંભલમાં પણ હિંસક દેખાવો થયા હતાં અને યુપી રોડવેઝની ચારથી વધુ બસોને ભસ્મીભૂત કરી નાખવામાં આવી હતી. લખનઉમાં અનેક મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા હતાં.

દિલ્હીમાં વિરોધ કરતાં ડાબેરી નેતાઓ ડી.રાજા, સીતારામ યેચુરી, નિલોત્પલ બસુ, વૃંદા કરાત સહિતનાં આગેવાનોને મંડી હાઉસમાં અટકાયતમાં લેવામાં આવેલા. આ ઉપરાંત સ્વરાજ ઈન્ડિયાનાં સ્થાપક યોગેન્દ્ર યાદવ, પટિયાલાનાં પૂર્વ સાંસદ ધર્મવીર ગાંધી, દિલ્હીનાં પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત, દિલ્હી યુનિટનાં સ્વરાજ ઈન્ડિયાનાં અધ્યક્ષ કર્નલ જયવીર, આઈસાનાં અધ્યક્ષ સુચેતા દે, યુવા નેતા ઉમર ખાલીદ, યુનાઈટેડ અગેન્સ્ટ હેટનાં નેતા નદીમ ખાન અને વરિષ્ઠ ધારાશાત્રી પ્રશાંત ભૂષણની પણ ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીમાં કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈપણ પ્રકારનાં પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નહોતી. આમ છતાં બે જુદાજુદા સ્થાને દેખાવ કરનાર છાત્રો અને સામાજિક આગેવાનોને પોલીસે હિરાસતમાં લઈ લીધા હતાં. ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં દિલ્હીમાં ૧૭થી વધુ મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા હતાં. લાલકિલ્લા અને મંડી હાઉસ સહિતનાં વિસ્તારોમાં પ્રદર્શન ઉગ્ર બનવાની આંશકાએ ઈન્ટરનેટ અને ફોન સેવા પણ કલાકો સુધી ઠપ કરી દેવામાં આવી હતી. જો કે આ સપ્તાહમાં જ બે વખત હિંસક તોફાનોનાં સાક્ષી બનેલા દિલ્હીમાં આજે કોઈ તોફાની ઘટના બની નહોતી. કર્ણાટકનાં મેંગ્લુરુમાં ગઈકાલે દિવસભર બંધની સઘન અસર જોવા મળી હતી અને સાંજ પછી લોકોનાં ટોળેટોળા માર્ગો ઉપર નાગરિકતા ધારાનાં વિરોધમાં ઉતરી આવ્યા હતાં. જોતજોતામાં જ મામલો બિચકી ગયો હતો અને હિંસક તોફાન ફાટી નીકળ્યા હતાં. અનેક સ્થાને તોફાને ચડેલા તત્વોએ વાહનોમાં તોડફોડ અને આગ લગાવી હતી. જેને પગલે પાંચ પોલીસચોકી વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવાની ફરજ પણ પડી હતી. મેંગ્લુરુની હિંસામાં બે લોકોનાં મોત થયા હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાં જાણવા મળે છે.

બેંગ્લુરુમાં નાગરિકતા ધારાનાં વિરોધમાં એક પ્રદર્શન દરમિયાન જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે આ કાર્યવાહીને સદંતર બિનલોકતાંત્રિક ગણાવીને વખોડી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ શાંતિપૂર્ણ દેખાવની મંજૂરી પણ આપી રહી નથી. તો ત્રણ દિવસ સુધી કોલકાતામાં મોરચો કાઢનાર બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, ઈતિહાસકારથી સરકાર ડરી ગઈ છે. બેંગ્લુરુ ઉપરાંત આજે હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, ગુવાહાટીમાં પણ દેખાવો થયા હતાં. તો બિહારનાં પટણા, દરભંગામાં દેખાવકારોએ અનેક ટ્રેનો રોકી હતી. પૂર્વ સાંસદ પપ્પુ યાદવે ડાબેરી પક્ષો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનને સમર્થન આપ્યું હતું. તેઓ પોતાનાં શરીરને સાંકળથી બાંધીને રસ્તા ઉપર ઉતર્યા હતાં અને દેશને બેડીઓમાં કેદ કરી લેવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. સાંજે મુંબઈનાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડી હતી અને નાગરિકતા કાનૂન સામે બુલંદ અવાજે વિરોધ કર્યો હતો. તો જ્યાંથી આ કાયદા સામે વિરોધની શરૂઆત થઈ હતી તેવા આસામમાં હજુ પણ ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.