Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની આવતી કાલે મતગણતરી છે. આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની સતા કોના હાથમાં છે. કાલે સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. તે સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરવામાં આવશે.

Advertisement

રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે.

મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકીય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં.

કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. મીડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.