Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત ભરાયેલા આજી-૧ ડેમની મુલાકાત લઈ પ્રેઝન્ટેશન નિહાળ્યું

સ્માર્ટ સિટી હેઠળના ‘રાજકોટ આઈ-વે પ્રોજેકટ’ના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર તથા ભારતનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી

ભારત સરકારનું ૧૫મું નાણાપંચ આજે રાજકોટ શહેરની મુલાકાતે આવ્યું છે. ૨૨મીથી ગુજરાતની મુલાકાતે આવેલ નાણાપંચના અધ્યક્ષ એન.કે.સિંઘ, સદસ્ય શકિતકાંત દાસ, ડો.અનુપસિંઘ, ડો.અશોક લહીરી અને ડો.રમેશચંદ તેમજ નાણાપંચના સેક્રેટરી અરવિંદ મહેતા તેમજ અન્ય અધિકારીઓ હવે આ વિઝિટના અંતિમ ચરણમાં આજે રાજકોટ આવ્યા છે. નાણાપંચે મહાપાલિકાના વિવિધ પ્રોજેકટની રૂબરૂ માહિતી મેળવી હતી. તેઓને રાજકોટમાં મીઠો આવકાર આપવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ નાણાપંચની રાજકોટ મુલાકાત અને દિવસભરના કાર્યક્રમ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, આજે સવારે ૧૧:૧૫ વાગ્યે નાણાપંચની ટીમ આજી-૧ જળાશયની મુલાકાત લેશે. ગુજરાત સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાના નીર આજી-૧ ડેમમાં પહોંચાડી રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાણાપંચની આજી-૧ મુલાકાત દરમ્યાન તેમની સમક્ષ એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે. ત્યારબાદ નાણાપંચ આજી-૧ જળાશયના સ્પિલવેની પણ મુલાકાત લેશે.

આ પછી બપોરે ૧ વાગ્યે નાણાપંચની ટીમ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેકટ ‘રાજકોટ આઈ-વે પ્રોજેકટ’ (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેકટ)ના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે જશે. જયાં શહેરભરના રસ્તાઓ અને ચોકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફંકશનિંગની લાઈવ માહિતી પ્રાપ્ત કરશે. આ તકે રાજકોટ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેકટ વિશે પણ નાણાપંચને માહિતગાર કરવામાં આવશે.

આ દરમ્યાન સ્માર્ટ સિટી અને અટલ સરોવર પ્રોજેકટ વિશે એક ખાસ પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવનાર છે તેમ કમિશનર બંછાનિધી પાનીએ ઉમેર્યું હતું. આ ઉપરાંત બપોર પછીના શેડયુલ અનુસાર ૩:૩૦ વાગ્યે નાણાપંચ ભારતનગર વિસ્તારમાં નિર્માણ પામેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુલાકાતે જશે અને ગ્રીન બિલડીંગ ક્ધસેપ્ટ સાથેની આવાસ યોજનાની મુલાકાત લઈ તેના વિશે જાણકારી પ્રાપ્ત કરશે.

દેશમાં અત્યારે કેન્દ્ર સરકારની વિવિધ ફલેગશિપ યોજનાઓનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નાણાપંચ દ્વારા સમીક્ષા માટે રાજકોટના આ તમામ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી છે એ હકિકત રાજકોટ મહાનગરપાલિકાના સમગ્ર નેતૃત્વ અને તમામ શહેરીજનો માટે પણ અત્યંત ગૌરવપૂર્ણ બનશે.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, ભારતનું નાણાપંચ દેશના બંધારણની જોગવાઈ અનુસાર તેને પ્રાપ્ત થયેલ સતાની રૂએ તમામ રાજયો અને કેન્દ્ર વચ્ચે ટેકસની આવકની વહેંચણી ઉપરાંત ગ્રાન્ટ-ઈન-એઈડ, તેમજ રાજયોની પંચાયતો અને મ્યુનિસિપાલિટીના સંશાધનોની વૃદ્ધિ માટે જે તે રાજયને વધારાની ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકારને ભલામણો કરે છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારની ફલેગશિપ સ્કીમ્સ, ડિઝાસ્ટરનો પ્રતિકાર, ઈન્ફ્રાસ્ટ્રકચર, સસ્ટેનેબલ ગ્રોથ માટેના લક્ષ્યાંકો અને ખર્ચની ગુણવતાનું મુલ્યાંકનના આધાર પર રાજયને પરર્ફોમન્સ બેઝડ ઈન્સેન્ટિવ માટે પણ ભલામણ કરે છે. નાણાપંચની ટીમનું રાજકોટમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયર બીનાબેન આચાર્ય દ્વારા આતિજય સત્કાર માટે લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.