Abtak Media Google News

મહાગઠબંધનમાં પ્રાદેશિક નેતાઓની ભરામર પણ મોદી જેવી લોકપ્રિયતા અને શાહ જેવી નીતિની ઉણપ: કોંગ્રેસના નેતૃત્ત્વમાં જે મહાગઠબંધન રચાશે તે મોટાભાગે એક પિરામિડના સ્વરૂપવાળું જ હશે જેથી પ્રજાને વિકલ્પ નથી મળે

વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા કોંગ્રેસ સહિત બધા વિપક્ષી દળોએ કમર કસી લીધી છે. મહાગઠબંધન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વડાપ્રધાનના ચહેરા વગર લડવાની રણનીતિ બનાવી છે.

જોકે આ રણનીતિ નથી માત્ર બહાનું છે. વડાપ્રધાન મોદી સામે ઊભા રહી શકે તેવો ઉમેદવાર મહાગઠબંધનમાં નથી. જેથી વિપક્ષે પ્રાદેશિક પક્ષોને રાજી રાખી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું સમીકરણ અપનાવ્યું છે.

આ સમીકરણનો રાજનૈતિક અર્થ કાઢવામાં આવે તો બે વાત ઊડીને આંખે વળગે તેવી છે. એક તો કોંગ્રેસે એકદમ યોગ્ય સમય પર પહેલ કરીને ક્ષેત્રીય અને નાનાં રાજકીય પક્ષોને એ સંદેશો આપી દીધો છે કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિના કોઈ મહાગઠબંધનની રચના કરવી શક્ય જ નથી અને તેની ધુરા સૌથી મોટા રાજકીય પક્ષ હોવાના નાતે અને અનેક રાજ્યોમાં આધારના કારણે કોંગ્રેસની જ રહેશે.આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ તેના કેન્દ્રમાં હશે.

કોંગ્રેસે આ સ્પષ્ટ સંદેશો આપીને નાનાં પ્રાદેશિક પક્ષો વચ્ચે મહાગઠબંધનના સ્વરૂપને લઈને ઊભી થયેલી અને ભવિષ્યમાં વકરી શકે તેવી તમામ અનિશ્ચિતતાઓને ખતમ કરવાની સફળ કોશિશ તો કરી જ છે સાથે સાથે ત્રીજા મોરચા જેવા વચ્ચે વચ્ચે ઊભરતાં પ્રયાસો કોંગ્રેસના આ એક પગલાંથી નબળાં પડશે.

આ સાથે જ કોંગ્રેસની એક ચૂંટણીલક્ષી રણનીતિ પણ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ના વિશ્લેષણ દ્વારા સામે આવી છે. આમ જોઈએ તો આ હજુ કોંગ્રેસની અધિકૃત રણનીતિ નથી, પરંતુ આ વિશ્લેષણ ભવિષ્યની તેમની રણનીતિને પ્રભાવિત કરશે જ.આ રણનીતિ કોંગ્રેસ દ્વારા પોતાના દમ પર જ ૧પ૦ અને સહયોગી દળો દ્વારા ૧પ૦ બેઠકો જીતવાની છે.

કોંગ્રેસ આ રણનીતિ હેઠળ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, આસામ, તેલંગાણા જેવાં રાજ્યોમાં ૧પ૦ બેઠકો મેળવવાની કોશિશ કરશે.આ વાતનો અર્થ એ થયો કે કોંગ્રેસના નેતૃત્ત્વમાં જે મહાગઠબંધન રચાશે તે મોટાભાગે એક પિરામિડના સ્વરૂપવાળું જ હશે.

એટલે કે વિભિન્ન પ્રાદેશિક પક્ષોનો એક એવો સમૂહ જેના માટે કોંગ્રેસે એક જોડનારી શક્તિ બનીને સામે આવવું પડશે. કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોની એકતા અને સરકાર બનાવવા લાયક સમજૂતીને પોષણ પણ આપવું પડશે.

આ મહાગઠબંધનમાં કોંગ્રેસના પક્ષમાં એક તરફ ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવના નેતૃત્ત્વવાળી સમાજવાદી પાર્ટી, બિહારમાં રાષ્ટ્રીય જનતાદળ, કર્ણાટકમાં જનતાદળ (એસ) આધાર તત્ત્વોનું કામ કરી શકે તેમ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં શરદ પવારના વડપણવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષો પણ છે, જે કોંગ્રેસ ઉપર થોડું-ઘણું દબાણ કર્યાં બાદ મહાગઠબંધનનો હિસ્સો બની શકે છે.

ત્રીજી તરફ આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી) અને મહારાષ્ટ્રની શિવસેના જેવા પક્ષો પણ હોઈ શકે છે, જે ચૂંટણી બાદ પોતાની રણનીતિ નક્કી કરીને કોઈ યોગ્ય ગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય કરશે. આથી એ પણ સાફ છે કે, આ મહાગઠબંધન અનેક આંતરિક મતભેદો અને મનભેદોનું પણ મિશ્રણ હશે, જેમાં ઉકળાટ, રોષ, નારાજગી અને સીધી ટક્કર વારંવાર જોવા મળશે.

આમ છતાં આ તમામ પક્ષો માટે કોંગ્રેસનાં નેતૃત્ત્વવાળા આ મહાગઠબંધન સિવાય અન્ય કોઈ મજબૂત વિકલ્પ દેખાતો નથી. એવું પણ શક્ય છે કે, કોઈ પ્રાદેશિક પક્ષ કોઈ પણ ગઠબંધનમાં સામેલ થયા વગર જ ચૂંટણી લડે અને ચૂંટણી પરિણામો બાદ પોતાની સુવિધા અને લાભ અનુસાર કોઈ ગઠબંધનમાં જોડાઈ જાય.કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર પ્રાદેશિક પક્ષોના નેતાઓની વ્યક્તિગત અને સત્તા સાથે જોડાયેલી મહત્ત્વકાંક્ષાઓને નિયંત્રિત કરીને તેમને લોકતાંત્રિક મહત્ત્વકાંક્ષાઓમાં પરિવર્તિત કરવાનો રહેશે. બીજો મહત્ત્વનો પડકાર સ્થાનિક અને રાજ્ય સ્તર પર અંદરોઅંદર લડતાં પ્રાદેશિક પક્ષો અને રાજ્ય સ્તરે કોંગ્રેસના વિરોધમાં ઊભા થયેલા પ્રાદેશિક પક્ષો સાથે સમન્વય બનાવવાનો પણ રહેશે.

ત્રીજો પડકાર અત્યાર સુધી કોંગ્રેસ વિરોધની રાજનીતિ કરનારા પક્ષો, ડાબેરીઓ અને સમાજવાદીઓને ગઠબંધનમાં જોડવાનો હશે. આ માટે કોંગ્રેસે પક્ષમાં એવું અપાર રાજનૈતિક ધૈર્ય વિકસિત કરવું પડશે, જેનાથી તે ભવિષ્યમાં રચાનારા કોઈ પણ મહાગઠબંધનનું નેતૃત્ત્વ કરી શકે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.