Abtak Media Google News

ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી જૈનોએ જય જયકાર કર્યો

અબતક, લીતેશ ચંદારાણા વાંકાનેર

પર્યુષણ પૂરા થતાં જૈન દેરાસરથી શરુ થયેલ જૈનોનો પરંપરાગત જળજાત્રાનો વરઘોડો ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી, ચાંદીના પારણા, જલમંદિર, મેરૂ, રામણદિવડો, છડી-ધોકા સાથે શણગારેલા વાહનોમાં ચાંદીના 14 સ્વપ્નો લઇ સ્નાત્રપૂજા ભણાવી, વાંકાનેર શહેરમાં 3 કલાક ફરી દેરાસરજી પહોચ્યો હતો. જયાં ભગવાનને પાંચ પોખણાં કરાયા હતા.

પર્વાધિકરાજ પર્યુષણના 8 દિવસ આપણે કરેલી ધાર્મિક ક્રિયાઓ માત્ર ક્રિયા જ ન રહે અને આત્મિક સુખ માટે આપણો માર્ગ પ્રશસ્ત થઇ ક્રમિક વિકાસ સાથે મોક્ષ કર્મના બંધમાં પરિણમે એ રીતે સૌ શ્રાવિકો શ્રાવિકાઓ પોતાના દ્રઢનિશ્ર્ચયથી જીવન જીવે એવી દર્દભરી અપીલ સાઘ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજે કરી હતી.

સાઘ્વીજી ભગવંત તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજે જણાવ્યું કે, જૈન ધર્મ આત્માનો ધર્મ છે, ધર્મ જીવનને ટકાવે છે. ધર્મ જ મનુષ્યમાં સદગુણોનું આરોપણ કરે છે. ધર્મ જ વેર-વિરોધ ઘટાડે છે. જેથી પ્રેમ-સ્નેહભાવ વધે છે. ધર્મ દયા અને કરુણા શીખવે છે જેથી ક્રોક અને લોભ ઘટતાં ઘટતાં ખતમ થઇ શકે છે.

ધર્મ દ્વારા આપણે સદવિચારી, સદાચારી અને સંયમી બની શકીએ છીએ. ધર્મ દ્વારા સ્વામીવાત્સલય અને સાધર્મિક ભકિતના પાઠ શીખી આપણે જૈન તરીકે ઉજળા થઇએ છીએ, તિર્થકર પરમાત્માઓએ પ્રબોધેલ જૈન દર્શન આપણા જીવનમાં નીતિમતા, પ્રામાણિકતા, ફરજપાલન, કર્તવ્યભાવ, સાંસ્કૃતિક સંસ્કારી, વિચારો લાવે છે જેથી સેવા અને સમર્પણનો ભાવ દ્રઢ બને છે.

પ00 થી વધુ જૈન-જૈનેતર જોડાયાં

આ વરઘોડામાં પ00 થી વધુ જૈનો સાથે જૈન સંઘના સેક્રેટરી રાજુભાઇ મહેતા, ભુપતભાઇ મહેતા, પ્રવિણભાઇ શાહ, ડો. અમીનેષ શેઠ, પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતા, મહિલા મંડળના સેક્રેટરી નિલાબેન દોશી, ટ્રસ્ટી જયશ્રીબેન દોશી જોડાયા હતા. ચાંદીનો રથ જૈન યુવાનોએ ખેચ્યો હતો. ભગવાનની પાલખી જૈન શ્રાવકો દ્વારા ઉપાડવામાં આવી હતી. વરઘોડાની સંપૂર્ણ વ્યવસ્થા મનીષભાઇ દોશી અને મુકેશભાઇ દોશીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.