Abtak Media Google News

અષાઢી બીજથી લઈને ભાદરવી અમાસ સુધીનાં મેળાઓ રહેશે મુલત્વી: વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકાર મેળાઓને મંજૂરી આપે તેવી શકયતા નહિવત

કોરોનાને પગલે જન્માષ્ટમીની ઉજવણી ફીકકી પડવાની છે. આ વર્ષે મેળાઓની રંગત જામશે નહી લોકોએ સાદાયપૂર્વક જન્માષ્ટમી ઉજવણી પડશે. સૌરાષ્ટ્રમાં અષાઢી બીજથીલઈને ભાદરવી અમાસ સુધી જે મેળાઓ યોજાય છે. તેને કોરોનાના કારણે મુલત્વી રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ દેખાઈ રહ્યો નથી.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો પર્વ રંગે ચંગે ઉજવાય છે. આ દરમિયાન મેળાઓનું ભવ્ય આયોજન થાય છે. સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટમાં લોકમેળા અને ખાનગી મેળાઓનો મોટો જલસો થાય છે. ખાસ કરીને લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટીને મજા માણતા હોય છે. રાજકોટ ઉપરાંત અનેક ધાર્મિક સ્થળો જેમકે પરબધામ ખાતે અષાઢી બીજે વાંકાનેરના જડેશ્ર્વર મંદિરે શ્રાવણનાં બીજા સોમવારે, ધ્રોલના ભૂચર મોરીમાં અમાસે, પડધરીના નાના જડેશ્ર્વરમાં અમાસે, કાલાવડનાં રણુજામાં ભાદરવા સુદ અગીયારસે તરણેતરમાં ભાદરવા સુદ ત્રીજે મેળો યોજાય છે. આ તમામ મેળાઓ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે આ તમામ મેળાઓ મુલતવી રહેવાના છે. જોકે હજુ જન્માષ્ટમીને થોડો સમયની વાર છે. ત્યાં સુધીમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર કાબુ મેળવાય તેવી શકયતાઓ ઓછી જોવા મળી રહી છે.

કદાચ જો મહામારી ઉપર નિયંત્રણ આવે તો પણ સરકાર હજારો લોકોની ભીડ એકત્રથવા દેવાનું જોખમ ખેડે તેવી સંભાવના નહિવત છે. માટે આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી ફીકકી રહેશે અને લોકોને મેળાઓની મોજ માણી શકશે નહી.

વધુમાં અષાઢી બીજની ઉજવણી પણ આ વર્ષે ફીકકી રહેવાની છે.

હાલ અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રા કડક શરતોને આધીન નીકળે તેવી વાતો મળી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત થઈ નથી.

મેળા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી: કલેકટર

જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે જન્માષ્ટમીને હજુ વાર છે. હાલ મેળા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જન્માષ્ટમી પૂર્વે ત્યારની સ્થિતિને અનુસંધાને મેળાઓ યોજવા કે નહી તે અંગે સરકારની સૂચના મુજબ નિર્ણય જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.