Abtak Media Google News

આજની જેમ પહેલા બુફે ન હતું, પંગત પ્રમાણે વારો આવે ને છેલ્લે લેડીઝ-બાળકોનો વારો આવે: પંગત સિસ્ટમમાં પિરસણીયાની પસંદગી થતી હતી, તે ચાલુ પંગતે પણ કટક-બટક કરી લેતા

અતિથિ દેવો ભવ: પ્રસંગપ્રિય સામાજિક, સાંસ્કૃતિક પરંપરામાં મહેમાનોની આગતા-સ્વાગતા અને ખાસ કરીને ઘેર આવનારને પ્રેમથી જમાડવાની સૌરાષ્ટ્ર-ગુજરાતની પરંપરાનો જોટો દુનિયામાં ક્યાંય જડે એવો નથી. આથી જ કદાચ કહેવાયું છે કે, સોરઠમાં ભુલો પડ ભગવાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા… આંગણે આવેલાને પ્રેમપૂર્વક જમાડવાના ભાવની સંસ્કૃતિથી જ કદાચ ‘પંગત’ ભોજનનું અસ્તિત્વ થયું હશે. પંગતમાં એક સાથે બેસીને જમવું અને જમાડવું એ આપણી ભાતિગળ સંસ્કૃતિ હતી અને આ સંસ્કૃતિથી જ સૌરાષ્ટ્રની અતિથિ દેવો ભવ:ની સંસ્કૃતિને વિશ્ર્વભરમાં માન મળ્યું છે. પંગત ભોજનમાં એક એક વ્યક્તિનું આગતાપૂર્વક જમાડવાની વ્યવસ્થા જમનારની જેમ જમાડનારના સામૂહિક ભાવનો જે માહોલ ઉભો થતો હતો તેનાથી વગર જમે પણ સંતોષનો ઓડકાર આવી જતો હતો. અત્યારે હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ કરી મોટા-મોટા ભોજન સમારંભ યોજાય છે પરંતુ બુફે વ્યવસ્થામાં ભાવ વગરનું પિરસાતુ ભોજન મહેમાન ગતિની વ્યાખ્યા બદલી નાખી છે. મહેમાનની રખોપત અને આદર ભાવની ખેવના હવે ક્યાંય રહી નથી. સમય-સંજોગો હવે બદલાઈ ગયા છે. પ્રસંગ અને જમણવાર માત્ર ઔપચારિક બની ગયા છે. તેમાં પણ બુફે ભોજનની પ્રથાએ માત્ર વ્યંજન સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના રાખ્યા છે પરંતુ રીતભાતનું સંપૂર્ણપણે પશ્ર્ચિમીકરણ કરી નાખ્યું છે. ઘરના યજમાન અને મહેમાન વચ્ચેના પરસ્પરનો આદર ભાવનો સેતુ વિસરાઈ નથી ગયો, ખોવાઈ ગયો છે. અગાઉની પંગત પ્રથા દેવ અને વર્તમાન બુફે પ્રથા જાણે કે, આદર ભાવને હણી જનાર દાનવ જેવું બની ગયું છે.

Thali

પહેલાની જીવન શૈલી અને અત્યારની જીવનશૈલીમા: બદલાવ છે. સારા નરસા પ્રસંગો ત્યારે પણ આવતા ને અત્યારે પણ માનવ જીવન સાથે જોડાયેલ છે. તફાવત ફકત એટલો કે ત્યારે ટીમ વર્કથી બધુ કામ પાર પડી જતું, કામ કરનાર કે પીરસણીયાને પરિવાર વાળા બહું સાચવતા પણ હોય ને તેને પહેલા જમવા પણ બેસાડી દેતા, જગ્યા પ્રમાણે એક-બે કે ત્રણ ચાર લાઇનની પંગતોમાં હજારો માણસ બે વાગ્યા પહેલા જમી લેતા હતા, લોકો એટલા બધા ભણેલા ન હોવા છતાં આયોજનનાં માસ્તર હતા. અમુક તો વરાના આયોજમાં પાયા હોય જેની ઘેર પ્રસંગ હોય તે તેને જ જવાબદારી સોંપી દેતા હતા.

સગાઇ- લગ્ન કે દાડા-ઢગ જેવા તમામ પ્રસંગે તથા તેના આયોજનમાં જુવાનિયા એકમેકના સથવારે વિશાળ આયોજન સાંગોપાંગ પાર પાડી દેતા, મોટી જગ્યામાં કે વાડીમાં પ્રસંગો થતાં, કેટરર્સ વગરનું જમણ એટલે નાતની પંગત કહેવાતી, આજના જમાનાના જુવાનિયાને તો પંગત એટલે શુ તે પણ ખબર નથી. અત્યારનો યુવાન ભલે મેનેજમેન્ટનું ભણતો હોય પણ એ જમાનાના આયોજન તેને ન આવડે ન સમજાયએ સો ટકા સત્ય છે, જુનું એટલે સોનુંએ વાત સાથે સંમત થાય છે. અનુભવે બધા પેઢી દર પેઢી જવાબદારી આવે તેમને શીખવા લાગતા લગ્ન હોય ત્યારે જાનનું  સ્વાગત ચા-પાણી, બીડી, પાન, મુખવાસ કે ઉતારાની વ્યવસ્થાની ટુકડીવાઇઝ જવાબદારી સોંપાઇ ગઇ હોય, ઘર ધણીને ખબર પણ ન પડે તે રીતે તમામ કામ થઇ જાય, ઉતારાની તમામ એ ટુ ઝેડ સજાવટ, વ્યવસ્થા સાથે એક ટીમ ચા-પાણીને નાસ્તો લઇને સતત ફરતાં જ હોય, કયારેય કોઇને હાંકલ નહોતી કરવી પડતી, બધા પોતાની રીતે ખંતથી કામ કરતાં,  આજના જાુવાનીયાને ખબર જ ન હોય કે કેટરર્સ વગર પણ હજારો માણસનો જમણવાર થઇ શકે, જો કે પહેલાના મેનું અને અત્યારના મેનુંમાં ઘણો તફાવત છે. આજે 3ર જાતના ભાત-ભાતના ભોજનીયા હોય પહેલા આવું ન હતુ. લાડવા મહત્વની મીઠાઇ ગણાતી તેમાં બરફી કે મોહનથાળ ઉમેરાયા હતા.

Content Image 615A076F 9E38 493B A0E5 0F6E644108Bf Copy

પહેલાના જમણ પંગત સિસ્ટમમાં હતા તેમાં સ્ટાટર્ર કે ડેઝર્ટ આવતા જ નહીં, પાણી બધાને જગથી સ્થળ પર મળી જતું જે કે પંગતમાં જ બધી આઇટમો આવી જતી, ત્રણ-ચાર જણા પંગત ઉપર સતત નજર રાખે ને ઘટતું કરતું ત્યાં જ ઇશારાથી મેનેજ કરતું, આઇટમ લઇ જનારા ને જેવું ખાલી થાય કે તુરંત જ ભરેલો થાળ આપી દેવાય, જેટલી આઇટમો હોય તેટલા પીરસણીયા જેની સામે એટલા જ વસ્તુભ રવા વાળા પણ હોય. એક ટીમ રસોડામાં કાર્યરત હોય શું વધ વધ ઘટ છે તેની ચકાસણી કરતાં રહેતા હોય જમણમાં બધાને ગરમ વસ્તું જ મળતી તે આગ્રહ પણ રખાતો, પીરસણીયા વાકાવળીને લાંબી પંગત ને પીરસે તોય થાકતા નહીં, ગ્રામ્ય સંસ્કૃતિની આ સીસ્ટમ શહેરોમાં પણ ચાલતી પણ 1982 પછી તે ધીરે ધીરે લુપ્ત થઇને થાળી લેખે રસોયાને તૈયાર ઓર્ડર અપાવી દેવાની શરુઆત થઇ ગઇ હતી.

આ પંગત જમણમાં બધા નીચે બેસીને  જ જમતાં આપણાં શાસ્ત્રોમાં બેસીને જમવાનું મહત્વ આયુર્વેદની દ્રષ્ટિએ પણ સારૂ કહેલ છે. આજે તો વાંકા વળીને પીરસવું પડે તો કેડના દુ:ખાવા થઇ જાય ને બેસીને જમાડો કેટલાય ઉભા જ ન થઇ શકે કે ખાલી ચડી જાય વાડીનો જમણ પુરો થાય એટલે ઠામ-વાસણ ગણીને ગોઠવવા પડતાં હતા. આજે કેટરર્સવાળા કેટલી થાળી ઉપડી તે ગણે છે.

આગલી રાત્રે જમણવારની તમામ તૈયારી થઇ જતી, શાક સુધારીને કમ્પલીટ કરી નખાતું, પંગતમાં શ્રીમંત કે ગરીબ બધા જ બેસીને જ જમતા હતા. જમતી વખતે ઘર ધણી મીઠાઇની થાળી લઇને તાણ કરવા આવે ત્યારે લાડવા ખાનારને પરાણે મોઢામાં ઠોંસી ઠોંસી ને ખવડાવતા વાત-ચિતો સાથે સૌ આનંદથી પંગત સીસ્ટમમાં જમતાં એ સમયે મીઠાઇ પણ રસોયા બનાવીને ચોકી ભરી રાખતા, ચોરલા પાડીને બટકા થાળીઓમાં ગોઠવાઇ જતાં, સમગ્ર કાર્ય ગણત્રીની કલાકોમાં પૂર્ણ થઇ જતું, હિસાબમાં હોંશિયારને ચાંદલો લખવા ટેબલ-ખુરશી- મુખવાસની સજાવટ  કરીને બેસાડતા હતા.

Pangat1 Copy

જાનના ઉતારે સૌથી વિશેષ પ્રસંગ હોય બધા ઘરની જેમ કામ કરતાં હતા.  બધુ જ પુરૂ થયા બાદ વાડી ચોખ્ખી ચણાક કરી લેતા હતા જેથી બીજા આવે તેને તકલીફ ના પડે, પંગત સીસ્ટમ અને જાુની શૈલીમાં ઘણી સારી બાળકતો હતી જે આજે સાવ લુપ્ત થઇ ગઇ છે. જાુવાની યાની ટીમ પણ કામ કરતાં કરતાં આનંદ માણતા જોવા મળતા હતા કદાચ એટલે જ એને થાક નહીં લાગતો હોય જમણવાર પૂર્ણ બાદ વઘ્યું ઘટયું ગરીબ – ગુરબાને આપી દેતા હતા. એ વખતનાં આયોજન એટલા પરફેકટ હતા કે કોઇ વસ્તુનો બગાડ થતો જ નહી, આજની પેઢીને કેટરર્સ વગરના જમણવારની વાત ગળે જ ના ઉતરે,

બુફેની જમણવાર કરતાં ઘણી જાુની અને વિસારાયેલી પરંપરા એટલે પંગત, પંગતમાં જમણવાર જામતો અને મોજથી બધા જમતાં, સમુહમાં કતાર બંધ જમવા બેસવું તેને પંગત કહેવાય છે. આ જમણવાર પહેલાની તૈયારી પણ ગજબની થતી, આજે કેટરર્સની ફોજ આવે તેવું ના બનતું ફકત રસોયો તેના ઓજારો લઇને આવી જતોને તેની મદદમાં ફેમીલી મેમ્બરો, પાડોશીઓ રહેતા બધા ભેગા મળીને પ્રસંગ ઉકેલી નાખતા, રાત પડેને ચુલા સળગેને લાકડા જાડા કે હવાય ગયેલા હોય તો ઘુમાડાના ગોટેગોટા નીકળતા ને આંખો ચોળતાં પણ અડગ થઇને કામ કરતાં, આ બધુ જોને બાળકો પણ ઉત્સાહમાં આવીને વાસણો સાફ કરીને ગોઠવતા જોવા મળતા હતા. નાસ્તાંમાં જલેબી,ગાંઠીયાને તળેલા મરચા તો હોય જ, મીકસર ન હતા તેથી મોગરીથી ખાંડીને જ બધાનો ભૂકકો કરાતો હતો.

વાડીમાં રાત્રે ગરમા ગરમ ભજીયાનો નાસ્તો બનતો જેવી સુગંધ આવે તુરંત જ આધાપાછા બેેઠેલા કામચોર ભજીયા ખાવા આવી જતા હતા. પંગત સીસ્ટમમાં માણસ જોઇને તેને આઇટમો અપાતી હતી. એક બીજા પંગતમાં જમવા આવે એટલે એકબીજાને રામ-રામ કરતાં પણ જોવા મળતાં પીરસણીયા ખુબ જ હોંશિયાર હતા તે મોઢું જોઇને જ કોન્ટીટી આપે છોકરા મોટાભાગે પાણી-છાશ માં જ ગોટવાતા હતા.

જમણવારની વિસરાયેલી પરંપરા એટલે પંગત

‘અલ્યા દાળ આવવા દો આ ખુણામાં’ આવા શબ્દો પંગત જમણવારમાં સંભળાતા, આપણી જીવન શૈલીની વિસરાયેલી પરંપરા એટલે પંગત આગલા દિવસે મહોલ્લો કે વાડીની જગ્યામાં તૈયારી શરુ કરાયને સીધુ સમાન પહોંચી જતા, સાંજથી ચહણ-પહલ વધેને રસોયાભાઇ આવે એટલે કામ શરૂ થાય, આ સીસ્ટમમાં કામ કરવાવાળા જાુવાનીયાની મોટી ફોજ હોય છે. અલગ અલગ ટુકડી પાડીને કામની વહેંચણી કરાતી હતી, આ ગાળા દરમ્યાન એક ખુણામાં ભાભલાઓની સભા જામને ચા-પાણી સાથે બીડીઓના દમ લેવાતા હતા. અગાઉના પ્રસંગોની ખાટી-મીઠી વાતોની પણ ચર્ચા કરતાં, પીરસણીયા પીરસવાની ઝડપ પણ ગજબની હોય છે. આજે પણ વિરપુર જેવા વિવિધ ધાર્મિક સ્થળોએ પંગત સીસ્ટમ ચાલુ જ છે, જયાં તમે ઝડપ જોઇ હશે જ, પંગતમાં દરેક આઇટમના બે-ત્રણ કે ચાર રાઉન્ડ બાદ ભાત આવે છે. જેને ઘેર પ્રસંગ હોય તે મીઠાઇ લઇને તાણ કરવા પણ નીકળતા હતા. સમ દઇને યજમાન પ્રેમથી, આગ્રહથી સૌની સાથે જમાડતા હતા.

આવી જમણવારની પંગતમાં ભાઇચારો, સહકાર આત્મિયતા, પ્રેમ, આનંદ, સત્કાર અને આદર જેવી બાબતો વણાયેલી હતી. એક બીજા સાથે હોંશથી જમવાની મોજ હતી. જેનુ શબ્દોમાં વર્ણન જ શકય નથી. આજના બુફે યુગમાં પંગત એક ઇતિહાસ બની ગઇ છે. આજે આઇટમો ઘણી હોય છે જમણવારમાં પણ પહેલા જેવો સંતોષ હોતો નથી.

બુફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત

સંગતમાં તો હર કોઇ છે, પણ કોને કહેવું અંગત ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.