Abtak Media Google News

મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન અથવા તબીબી અધિક્ષક બોર્ડના અધ્યક્ષ રહેશે

રાજ્યમાં બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સહાયરૂપ થવા માટે હાઈ સપોર્ટ નીડના એસેસમેન્ટ અને પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા એસેસમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા અમલી બનાવાયેલ પર્સન્સ વીથ ડિસએબીલિટી એક્ટ-૧૯૯૫ અંતર્ગત વિકલાંગ વ્યક્તિ (સમાન તક, અધિકાર સંરક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) એમેન્ડમેન્ટ રૂલ્સ-૧૯૯૬ અને એમેન્ડમેન્ટ રૂલ્સ-૨૦૦૯ને રદ કરી રાઈટ ઓફ પર્સન્સ વીથ ડિસએબીલિટી એક્ટ-૨૦૧૬નો નવો કાયદો અમલી બનાવાયો છે. જેની જોગવાઈ મુજબ રાજ્યમાં શારીરિક-માનસિક અન્ય ક્ષતિ ધરાવતા વ્યક્તિઓને હાઈ સપોર્ટ નીડ અંગેના પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હાઈ સપોર્ટ નીડ એસેસમેન્ટ અને પ્રમાણપત્ર માટે જિલ્લા કક્ષાએ એસેસમેન્ટ બોર્ડની રચના કરાઈ છે. જેમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન અથવા તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અધ્યક્ષ તરીકે રહેશે. આ ઉપરાંત ચાર સભ્યોની નિમણૂક કરાઇ છે. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ઓર્થોપેડિક સર્જન, ઇએનટી સર્જન, ઓપ્થલ્મિક સર્જન, સાઇકિયાટ્રિક અને જનરલ ફિઝિશિયન અથવા બાળરોગ નિષ્ણાત (૧૮ વર્ષથી નીચેના દિવ્યાંગજન માટે), ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અથવા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અથવા ફિઝિયોથેરાપિસ્ટ તથા અધ્યક્ષશ્રી જરૂર મુજબ નિષ્ણાંતની નિમણૂક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.