Abtak Media Google News

નારા શહેરમાં સભા સંબોધતી વખતે એક શખ્સે તેમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા, ગોળી લાગ્યા બાદ હાર્ટ એટેક પણ આવ્યો

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. તેઓ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને છાતીમાં બે ગોળી મરાઈ હતી. ગોળી વાગતાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. તેમને છાતીમાં બે ગોળી મારવામાં આવી હતી. તેમની હાલત નાજુક છે અને તેઓ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી.જાપાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળી વાગ્યા બાદ 67 વર્ષના શિન્ઝો આબેને હાર્ટ એટેક પણ આવ્યો છે. જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.શિન્ઝો આબેની છાતીમાં બે ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે, કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં સ્થળ પર અફરી-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આવું કર્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.

Advertisement

શિન્ઝોના ભારત સાથે રહ્યા છે ગાઢ સંબંધ, અનેક વખત મુલાકાતે આવ્યા છે

શિન્ઝો આબે જાપાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત ભારતની મુલાકાત લીધી હતી. પ્રથમ વખત શિન્ઝો આબે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2006-07) ભારત આવ્યા હતા. શિન્ઝો આબેએ તેમના બીજા કાર્યકાળ (2012-2020) દરમિયાન ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમણે જાન્યુઆરી 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતની મુલાકાત લીધી હતી.

શિન્ઝો મોદીના ખાસ મિત્ર, ભારતે પદ્મ વિભૂષણથી સન્માન પણ કર્યું છે

જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેઓની મહત્વની ભૂમિકા હતી.

રાજકારણમાં શિન્ઝો પરિવારની આ ત્રીજી પેઢી હતી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શિન્ઝો આબેના દાદા નોબુસુકે કિશી પણ જાપાનના વડાપ્રધાન હતા. નોબુસુકે કિશી 1957-60 સુધી જાપાનના વડાપ્રધાન હતા. તે જ સમયે, શિન્ઝો આબેના પિતા શિન્તારો આબે 1982-86 સુધી જાપાનના વિદેશ પ્રધાન હતા. શિન્ઝો આબે 2006માં પ્રથમ વખત જાપાનના વડાપ્રધાન બન્યા હતા. જોકે, બીમારીના કારણે તેમણે 2007માં રાજીનામું આપી દીધું હતું. આ પછી, વર્ષ 2012 માં, શિન્ઝો આબે ફરીથી જાપાનના વડા પ્રધાન બન્યા. ત્યારબાદ તેઓ વર્ષ 2020 સુધી સતત જાપાનના વડાપ્રધાન રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.