Abtak Media Google News
  • કુવાડવા નોનવેજ ખાવા જતા બે મિત્રોની કાર ગાય સાથે અથડાતા બંનેએ જીવ ગુમાવ્યો
  • સામખીયાળીથી માટેલ પૂનમ ભરવા જતા બે પ્રૌઢના બાઇકને અજાણ્યા વાહને ઠોકર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત

હાઇ-વે પર રખડતા પશુના કારણે અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોવાથી હાઇકોર્ટ દ્વારા પશુપાલકો સામે ફોજદારી કાર્યવાહી કરવા તંત્રને આદેશ આપ્યો હોવા છતાં વડી અદાલતના આદેશનું પાલન ન થતા રાજકોટના વધુ બે યુવાન ગાયને બચાવવા જતાં કાર પલ્ટી ખાતા જીવ ગુમાવ્યો છે. જ્યારે મોરબીથી માટેલ પૂનમ ભરવા જતા બે મિત્રોના બાઇકને અજાણ્યા વાહનની ઠોકર મારતા બંને ફંગોળાતા ગંભીર રીતે ઘવાયા હતા જેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મહારાષ્ટ્રના વતની અને પેડક રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતા ચાંદીની ભઠ્ઠીનું કામ કરતા ભગવાન ઉર્ફે સાગર સોનુરભાઇ મરાઠા નામનો 23 વર્ષનો યુવાન અને પેડક રોડ પર રહેતા અને ઇમીટેશનનું કામ કરતા તેના મિત્ર મિતેશ વિનોદભાઇ સરપડીયા નામના 22 વર્ષના બાવાજી યુવાન ગઇકાલે પોતાની ઇન્ડીકા કાર લઇ કુવાડવા નજીક આવેલી બિસ્મીલા હોટલે નોનવેજ ખાવા જતા હતા ત્યારે કુવાડવા નજીક હાઇવે પર ગાય આડી ઉતરતા ગાયને બચાવવા જતા કાર પલ્ટી ખાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

ઇન્ડીકા પલ્ટી ખાતા અકસ્માત સર્જાયાની કુવાડવા પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવ ઝણકાંત અને રાઇટર હિતેશભાઇ ગઢવીને જાણ થતા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે જ મોત નીપજેલા ભગવાન ઉર્ફે સાગર મરાઠા અને તેના મિત્ર મિતેશ સરપડીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે મોરબી-વાંકાનેર રોડ પર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે બાઇકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા બે પ્રૌઢના ઘટના સ્થળે મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

પૂર્વ કચ્છના સામખીયાળી રહેતા ઇશ્ર્વરભાઇ કરશનભાઇ રાવલ અને તેમના મિત્ર અમરશી રણછોડભાઇ કોળી પૂનમ નિમિતે સામખીયાળીથી માટેલ ખોડીયાર માતાજીના દર્શન કરવા જી.જે.12એજે.6080 નંબરના બાઇક પર આવી રહ્યા હતા. બાઇક મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે પહોચ્યું ત્યારે પુર ઝડપે ઘસી આવેલા અજાણ્યા વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇશ્ર્વરભાઇ રાવલ અને તેમના મિત્ર અમરશી કોળી ફુટબોલના દડાની જેમ ફંગોળાતા ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે જ બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યાની સામખીયાળીના નિતિનભાઇ રાવલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.વી.ડાંગર સહિતના સ્ટાફે અજાણ્યા વાહનના ચાલકની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.