Abtak Media Google News

સોનાના ઘરેણાંની ખરીદી કરવા જતાં ગમખ્વાર અકસ્માતમાં કાળ મુખા ટ્રકે માસૂમ ભાઈ -બહેન અને સાસુ -પુત્રવધુનો ભોગ લીધો

રોંગ સાઈડમાં માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રકે કારને ઠોકરે લીધી’તી

અમરેલીના ગાવડકા ગામેથી પરિવારના લોકો કારમાં બેસીને કુંકાવાવ સોનાના ઘરેણાંની ખરીદી કરવા માટે જતાં હતાં ત્યારે બાબાપુર ગામના પાટીયા પાસે રોગ સાઈડમાં આવતા  ટ્રકે કારને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સગા ભાઈ-બહેન, સાસુ- વહુ  સહિત ચારના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં સારવાર માટે ત્રણ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યાં છે. ગાવડકા ગામનાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં કરૂણ મૃત્યુ નિપજતાં નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નજીક બગસરા રોડ ઉપર આવેલા ગાવડકા ગામનો ત્રણ બહેનોનાં સાત સભ્યોનો પરિવાર મારૂતિ ઝેન કારમાં ગાવડકાથી કુંકાવાવ ગામે જઇ રહ્યો હતો. કારમાં સોનાની દાગીનાની ખરીદી કરવા જઇ રહેલો પરિવાર કારમાં નીકળી કુંકાવાવ થી જાળીયા થઈ બાબાપુર ગામના પાટિયા પાસે પહોંચ્યા હતા. ત્યાં જ રોંગ સાઈડમાં  સામેથી આવી રહેલા કાળમુખા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. ગમખ્વાર અકસ્માતથી આનંદની પળો ગમમાં ફેરવાઈ ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળથી બુકડો બોલી ગયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતનાં ધડાકાનાં અવાજથી આજુબાજુના ખેતરોમાં કામ કરતાં લોકો દોડી આવ્યા હતાં. સ્થાનિક લોકોએ ૧૦૮ને જાણ કરતાં અમરેલી અને બગસરાની ૧૦૮ ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

અકસ્માતના બનાવના પગલે અમરેલી તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ  સેવાભાવી લોકોની મદદથી  કારમાં ફસાયેલા સાત લોકોને બહાર કાઢ્યા હતાં. જેમાંથી બે મહિલાનાં ઘટનાસ્થળે મૃત્યુ નિપજેલ હતા. જ્યારે બે માસુમ બાળકોએ રસ્તામાં દમ છોડી દીધો હતો. એક જ પરિવારનાં સાસુ-વહુ અને બે બાળકોનાં મૃત્યુ નિપજ્યા હતા. મોતને ભેટેલા છનુબેન દેવશીભાઈ રાઠોડ (ઉ.૬૫), કંચનબેન જીગ્નેશભાઈ રાઠોડ (ઉ.૨૯), હેતલ જીગ્નેશભાઈ રાઠોડ (ઉ.૯) અને પ્રદિપ જીગ્નેશભાઈ રાઠોડ (ઉ.૩) ના મૃતદેહને અમરેલી તાલુકા પોલીસે  પી.એમ અર્થે  સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ભગો ઉર્ફ જીગ્નેશ દેવશીભાઈ રાઠોડ (ઉ.૩૫), હંસાબેન હરેશભાઈ અને વાસુબેન કરશનભાઈ બારૈયા (ઉ.૪૦)ને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા

અકસ્માતના બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે ગાવડકા  ઇજાગ્રસ્ત હંસાબેન હરેશ જારેશ (ઉ.વ ૪૫) ની ફરિયાદ પરથી નાશી છૂટેલા ટ્રક ચાલક સામે  આઇપીસી ૩૦૪અ, ૨૭૯, ૩૩૭ ,૩૩૮ ની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. અકસ્માતના બનાવ અંગે પી.એસ.આઈ જાદવખાન પઠાણે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.