ફ્રી મેસન્સ ઓફ રાજકોટ દ્વારા યુનિવર્સલ બ્રધર હુડ ડે નિમિતે રવિવારે સર્વરોગ નિદાન-રક્તદાન કેમ્પ

સૌરાષ્ટ્ર મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગૃપનો સહયોગ

ફ્રિ મેસન્સ ઓફ રાજકોટ દ્વારા યુનિવર્સલ બ્રધર હુડ ડે નિમિતે આગામી રવિવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાનાર છે. તેની વિગત આપવા ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા જલાધી ઝવેરી, ભગીરથસિંહ જાડેજા અને ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વધુ વિગતો આપી હતી. શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક સાથે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.

ફ્રીમેસન્સ એક આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા છે. રાજકોટમાં લોજ કાઠીયાવાર નં.59ના નામથી આ સંસ્થા વરસોથી વિવિધ સેવાકીય કાર્યો કરે છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે 24મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય ભાઇચારા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્ર્વભરમાં ફ્રીમેસન્સની દરેક શાખા દ્વારા વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આગામી તા.26ને રવિવારે સવારના 10 થી 1 રાજકોટ ખાતે ફ્રીમેશન ઓફ રાજકોટ પ્રોજેક્ટ અંતર્ગત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેસોનીક હોલ, ઢેબર રોડ, નવા બસ સ્ટેશન પાસે, રાજકોટ ખાતે યોજાનારા આ કેમ્પમાં રાજકોટના વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટર સેવા આપશે. લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, સી.ટી.સ્કેન તથા એમ.આર.આઇ. જરૂર પ્રમાણે ટોકન દરે કરી આપવામાં આવશે. મેસોનીક લોજના સહયોગથી આગામી રવિવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ન્યુરો સર્જન ડો.પુનિત ત્રિવેદી, ડો.રાજેન્દ્ર ત્રિવેદી, યુરો સર્જન ડો.સુશિલ કારીઆ, ફિઝીશ્યન ડો.વિશાલ મેવા, ઓર્થોપેડીક સર્જન ડો.વિમલ કોઠારી, જનરલ સર્જન ડો.પ્રતાપ ડોડીયા, રૂમેટોલોજીસ્ટ ડો.મોહનીશ પટેલ, ગાયનેકોલોજીસ્ટ ડો.શ્ર્વેતા મહેતા ત્રિવેદી, ડેન્ટલ સર્જન ડો.તન્મય દવે, રેડિયોલોજીસ્ટ ડો.અતુલ જસાણી, પેથોલોજીસ્ટ ડો.ભરત વડગામા સેવા આપશે. વિવિધ લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, સી.ટી.સ્કેન તથા એમ.આર.આઇ. રાહત દરે કરી આપવામાં આવશે. આ ઉપરાંત શ્રીમદ્ રાજચન્દ્ર સેવા ગ્રુપના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા માગતા લોકો પોતાના નામ રાજ ન્યુરોસર્જીકલ હોસ્પિટલ (માલવીયા ચોક, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ ફોન નં.2460888, મો.92278 96606) ખાતે સવારના 11 થી 1, સાંજે 4 થી 6 દરમિયાન પોતાના નામ નોંધાવી શકશે.