દિલ્હી રોહીણી કોર્ટમાં ગેંગવોર; અંધાધૂધ ફાયરિંગમાં ગેંગસ્ટર સહિત ચારના મોત

મોસ્ટ વોન્ટેડ જીતેન્દ્ર ગોગીને અદાલતમાં લઈ આવતી વેળાએ ટિલ્લુ ગેંગના શાર્પ શુટરોએ ફાયરિંગ કરી બે ને પતાવી દીધા: સ્પેશિયલ સેલના વળતા ફાયરિંગમાં બન્ને શાર્પશુટરના મોત: હત્યારાઓ વકીલના સ્વાંગમાં આવ્યા હતા: મીડિયાએ જીતેન્દ્ર ગોગી પર હુમલાની દહેશત વ્યકત કરી હતી

દેશની રાજધાની દિલ્હીની રોહીણી કોર્ટમાં ગેંગવોરની ઘટના સામે આવી છે. કોર્ટ મુદતે લઈ આવવામાં આવેલા ગેંગસ્ટર પર કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલના સ્વાંગમાં આવેલા બે શાર્પશુટરો દ્વારા અંધાધૂંધ ફાયરીંગ કરતા ગેંગસ્ટર સહિત બે વ્યક્તિ ઠાર મરાયા હતા જ્યારે સ્પેશિયલ સેલ દ્વારા શાર્પ શુટરો પર ફાયરીંગ કરી બન્ને હુમલાખોરોને ઠાર કરી દેતા મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે.

દેશની રાજધાની દિલ્હીની રોહીણી કોર્ટમાં શુક્રવારે બપોરે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જીતેન્દ્ર ઉર્ફે ગોગીને કોર્ટ મુદતે લઈ આવવામાં આવ્યો હતો. અગાઉથી પ્રિપ્લાન મુજબ જીતેન્દ્ર ગોગીની હરીફ ટિલ્લુ ગેંગના બે શાર્પશુટરો વકીલના સ્વાંગમાં હથીયારો સાથે કોર્ટના કમ્પાઉન્ડમાં ગોઠવાઈ ગયા હતા.

ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી પોતાના સાગ્રીતો અને વકીલો સાથે જેવો કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ ર્ક્યો તેની સાથે શાર્પશુટરો દ્વારા જીતેન્દ્ર ગોગી ગેંગ પર અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દેતા જીતેન્દ્ર ગોગી અને તેના એક મળતીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. જ્યારે એક વકીલને ગોળીબારમાં ઈજા પહોંચી હતી.

રોહીણી કોર્ટ કમ્પાઉન્ડમાં જીતેન્દ્ર ગોગી સાથે આવેલી સ્પેશિયલ સેલ દ્વારા હુમલાખોર પર કરેલા ફાયરીંગમાં બન્ને શાર્પશુટરો પણ ઠાર મરતા કુલ ચાર વ્યક્તિના મૃત્યુ નિપજયા હતા.જાણવા મળ્યા મુજબ જીતેન્દ્ર ગોગી ગેંગ અને ટિલ્લુ ગેંગ વચ્ચે વર્ષોથી અદાવત ચાલી આવે છે. બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલ દ્વારા ગુરૂગ્રામમાંથી જીતેન્દ્ર ગોગીની ધરપકડ કરવામાં આવી હતી.

મીડિયાના રિપોર્ટ મુજબ ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી ગેંગ પર હુમલો કરવામાં આવશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હોવા છતાં સ્પેશિયલ સેલે તેની દરકાર લીધી ન હતી.