Abtak Media Google News

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે ઉવસગ્ગહરં સ્તોત્રની સિદ્ધિદાયક જપ સાધનામાં લાખો ભાવિકો જોડાશે

જેમનું અવતરણ હજારો હૃદયમાં માનવતાનો જન્મ કરાવી, માનવતાની મહેક સંપૂર્ણ વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે, એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના 51માં અવતરણ અવસરે આયોજિત સપ્ત દિવસીય માનવતા મહોત્સવના અંતિમ ચરણ સ્વરૂપ મહા માનવતા મહોત્સવ તારીખ 26-09-2021, રવિવારના દિવસે, સવારે 8:30 કલાકે નગર નગરમા માનવતા અને જીવદયાના અનેકવિધ કાર્યો સાથે ઉજવાશે.

Advertisement

હજારો હૃદયમાં શ્રદ્ધાપાત્રના પૂજનીય સ્થાન પર બિરાજી રહેલા પરમ ગુરુદેવ જ્યારે જીવનયાત્રાના 51 વર્ષ પૂર્ણ કરીને 52માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે તેમના ચરણમાં ભક્તિ અને સમર્પણની ભેટ અર્પણ કરવા ન માત્ર સમગ્ર ભારતના પરંતુ વિદેશના લાખો ભાવિકો અત્યંત ઉત્સાહભાવ સાથે માનવતા મહોત્સવને ઉજવવા થનગનાટ કરી રહ્યાં છે.

પરમ ગુરુદેવના અવતરણ દિને બ્રહ્મનાદે કરાવવામાં આવતી મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રની સિદ્ધિદાયિની જપ સાધના કરાવવામાં આવશે. પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્રધ્વનિ સાથે આ જપ સાધના ત્રણ તબક્કામાં કરાવીને સહુને પ્રભુ ભક્તિની અલૌકિક અનુભુતીમા જોડી દેવામાં આવશે.

પરમ ગુરુદેવના રોમ રોમમાં જયારે સર્વ જીવો પ્રત્યે કરુણા, માનવતા અને વાત્સલ્યની ધારા વહી રહી છે ત્યારે આ મહોત્સવ પણ નગર નગરમા માનવતા અને જીવદયાના અનેક સત્કાર્યો સાથે ઉજવાશે.

છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા માનવતા મહોત્સવ અંતર્ગત મુંબઈ, મહારાષ્ટ્ર, વિદર્ભ, ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના અનેક ક્ષેત્રોમાં રિલાયન્સના ઉપક્રમે અંબાણી પરિવારના સહયોગે અનંત અર્હમ આહાર અંતર્ગત 51,000 ગરીબોને અન્નદાન, ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી, પંખીઓને દાણા-પાણી, પશુઓને ઘાસચારો, બિમારને દવા, મૃત્યુના મુખમાં જઈ રહેલા હજારો જીવોને અભયદાન, મુક્તિના દાન, ગરીબ બાળકોને જ્ઞાન દાન, આદિ અનેક પ્રકારના કાર્યો દ્વારા હજારો-લાખો જીવને શાતા સમાધિ આપીને એમની આંખોના આંસુ લૂછવામાં આવી રહ્યા છે.

ત્યારે આવનારા રવિવારે આયોજિત મહા માનવતા મહોત્સવમાં માનવતાની મીઠી મીઠી મહેકને માણવા અને નિહાળવા સમગ્ર વિશ્વના ભાવિકો આતુરતાપૂર્વક મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણથી સવારના 8:30 કલાકથી લાઈવના માધ્યમે પ્રસારિત કરવામાં આવશે. માનવતા મહોત્સવ – માનવતાની પહેલના આ આયોજનમાં સર્વ ભાવિકોને જોડાઈ જવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.