Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની ટ્રાફિક સમસ્યાને ખુબ જ ગંભીરતાથી લઇ શહેરીજનોને સાલ અને મુક્ત પરિવહનની સગવડતા ઉપલબ્ધ બનાવવા વખતોવખત મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે; જેમાં શહેરના ગૌરવ પથ કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં તેમજ રૈયા રોડ રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડર બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેમ માન. મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી હતી.

આજ રોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આ બંને પ્રોજેક્ટની ઘોષણા કરતા મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે એમ ઉમેર્યું હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ તેમજ નાના-મોટા બ્રીજ, રોડ વાઈડનિંગ સહિતના નિર્ણયો લઇ વખતોવખત જે તે પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. શહેરને ટ્રાફિક પ્રશ્નમાંથી મુક્ત કરવામાં કેકેવી ચોકમાં તેમજ રૈયા રોડ રેલ્વે ક્રોસિંગ ખાતેના અન્ડર બ્રિજ ખુબ જ ઉપયોગી પૂરવાર થશે. આ બંને પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ આજથી જ ઝડપભેર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ તકે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પ્રોજેક્ટ વિશે વાત કરતા કહેલું કે, કાલાવડ રોડ અને રૈયા રોડ અન્ડર બ્રીજ બનાવવાનું ફાઈનલ થયેલ છે. આ બ્રિજ પૂર્ણ થતા કારણે લોકોને પડી રહેલી ટ્રાફિકની મુશ્કેલીનો અંત આવશે. ટ્રાફિકની સમસ્યાનો ખુબ જ ગંભીરતાથી અભ્યાસ કરીને આ બ્રિજની ડીઝાઈન ફાઈનલ કરેલ છે. નાનામાં નાની સમસ્યાનો આ બ્રિજમાં ઊંડાણ પૂર્વક નિવારણ કરવામાં આવેલ છે. આ બ્રીજ બનવાથી ૬૦ થી ૭૦ ટકા ટ્રાફિકની મુશ્કેલી દુર થશે. કેકેવી ચોકના અન્ડર બ્રિજ માટે ટેન્ડર દોઢ માસમાં જાહેર કરવામાં આવે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે રૈયા રોડ અન્ડર બ્રિજ માટે રેલ્વે તંત્ર સાથે સંકલન કરવામાં આવી રહયું છે.

માન. મેયર જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, દંડક શ્રી રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતીના ચેરમેન મુકેશભાઈ રાદડિયા, તેમજ એડી. સિટી એન્જી. ભાવેશભાઈ જોશી, ડી.ઈ.ઈ. એમ.આર. શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.