Abtak Media Google News

મધરાતે પણ શહેરમાં હળવો વરસાદ વરસ્યો: આજે દરિયાકાંઠા વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલે સાંજે મોરબી, ધોરાજી, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં સામાન્ય છાંટાથી લઈ હળવો વરસાદ પડયો હતો. દરમિયાન આજે સવારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસતાં વાતાવરણમાં ટાઢક પ્રસરી જવા પામી હતી.

આજે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે ગાજવીજ અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ઉનાળાની સીઝનમાં છેલ્લા એક માસથી આકાશમાંથી સુર્યનારાયણ અગનવર્ષા કરી રહ્યા છે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો નોંધાયો છે. ગઈકાલે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાલે સાંજે ધોરાજીમાં કમોસમી વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતાં રાજમાર્ગો પલળી ગયા હતા. જામનગરમાં પણ સામાન્ય છાંટા પડયા હતા.

ભુજ અને ગાંધીધામમાં પણ માવઠુ પડયું હતું. ગઈકાલે રાત્રે પણ રાજકોટમાં સામાન્ય છાંટા પડયા હતા. જેના કારણે ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા અગાસી પર સુતેલા લોકોને મીઠી નિંદરમાં ખલેલ પડયો હતો અને વરસાદનાં છાંટાના કારણે અગાસીમાંથી બિસ્ત્રા-પોટલા લઈ નીચે રૂમમાં આવી જવાની ફરજ પડી હતી. રાત્રી દરમિયાન વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી.

આજે સવારે શહેરના મવડી વિસ્તાર, રાજનગર, મીલપરા, લક્ષ્મીવાડી, ભગવતીપરા, જામટાવર, પુજારા પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. અમુક વિસ્તારોમાં ૩૦ થી લઈ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે પવન ફુંકાઈ તેવી સંભાવના વ્યકત કરાઈ છે. ગઈકાલે મોરબી અને કચ્છ પંથકમાં પણ વરસાદના સામાન્ય ઝાપટા પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.