Abtak Media Google News

રિલાયન્સ જિયોએ પોતાના લોન્ચિંગના પાંચ વર્ષની અંદર 44 કરોડ 32 લાખ ગ્રાહકો જોડીને રેકોર્ડ બનાવ્યો

અબતક, નવી દિલ્હી : રિલાયન્સ જીઓએ માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. જુલાઈ માસમાં જીઓએ નવા 61 લાખ યુઝર્સને જોડયા છે. આ સાથે જ જીઓએ પોતાના લોન્ચિંગના પાંચ વર્ષની અંદર 44 કરોડ 32 લાખ ગ્રાહકો જોડીને રેકોર્ડ બનાવ્યો છે.

રિલાયન્સ જિયોએ પોતાના લૉન્ચિગના પાંચ વર્ષની અંદર 44 કરોડ 32 લાખ ગ્રાહકો જોડીને એક નવો રેકૉર્ડ કાયમ કર્યો છે. ભારતીય દૂરસંચારના ઈતિહાસમાં આ પહેલા કોઈ પણ કંપની 44 કરોડ ગ્રાહકોનો આંકડો નથી સ્પર્શ્યો. ટેલીકૉમ રેગુલેટરી અથૉરિટી ઑફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈ દ્વારા ગુરૂવારે જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે જૂલાઈ 2021માં રિલાયન્સ જિયોએ 61 લાખથી વધારે ગ્રાહકો જોડીને આ મુકામ હાંસલ કર્યું છે.

દેશની દિગ્ગજ કંપની વોડા-આઈડિયા એટલે કે વીઆઈને જૂલાઈ માસમાં એકવાર ફરીથી ભારે નુકસાન થયું છે. જૂનના મુકાબલે જૂલાઈમાં 14 લાખ 30 હજાર ગ્રાહકો વોડા-આઈડિયાનું નેટવર્ક છોડીને ચાલ્યા ગયા છે.  લગભગ 27 કરોડ યુઝર્સ સાથે તે માર્કેટમાં ત્રીજા નંબર પર છે. યુઝર્સના મામલે ભારતી એરટેલ બીજા નંબર પર  છે. એરટેલે જૂલાઈમાં 19 લાખ 42 હજારની નજીક યુઝર્સ જોડ્યા છે. એરટેલના કુલ યુઝર્સની સંખ્યા જૂલાઈમાં 35 કરોડ 40 લાખની નજીક રહી છે.

રિલાયન્સ જિયો દિવાળી પર નવો 4જી સ્માર્ટફોન-જિયોફોન નેક્સ્ટ લોન્ચ કરવા જઈ રહી છે. જિયોફોન નેક્સ્ટના લૉન્ચિંગ બાદ, કંપની ગ્રાહકોની સંખ્યામાં ભારે વધારો થવાની આશા કંપની લગાવી બેઠી છે. વિશેષજ્ઞોનું અનુમાન છે કે જિયોનો નવો 4જી સ્માર્ટફોન, વોડા-આઈડિયા અને એરટેલના 2જી ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકે છે.

વાયરલેસ સબસ્ક્રાઈબર એટલે કે ભારતના મોબાઈલ કનેક્શન માર્કેટમાં રિલાયન્સ જિયો 37.34 ટકા ગ્રાહકો સાથે નંબર વનની પોઝીશન પર બનેલું છે. ભારતી એરટેલ 29.83 ટકા અને વોડાફોન આઈડિયા 22.91 ટકા બજાર ભાગીદારી સાથે બીજા અને ત્રીજા નંબર પર કાબિજ છે. 9.64 ટકા ભાગીદારી સાથે બીએસએનએલ ચોથા નંબર પર છે.

ટ્રાઈના આંકડા જણાવે છે કે જૂલાઈમાં કુલ મોબાઈલ કનેક્શનમાં વધારો થયો છે. જૂનના મુકાબલે જૂલાઈમાં લગભગ 60 લાખ નવા કનેક્શન જોડાયા છે. રૂરલ સબ્સક્રિપ્શન નંબરમાં પણ લગભગ 22 લાખનો વધારો જોવા મળ્યો છે. જૂન માસમાં ગ્રામીણ ભારતમાં કુલ કનેક્શનની સંખ્યા 53 કરોડ 45 લાખથી વધીને જૂલાઈમાં 53 કરોડ 67 લાખની નજીક થઈ ગઈ છે. દેશમાં વાયરલેસ સબ્સસ્ક્રાઈબર બેસ 118 કરોડ 68 લાખથી વધારે થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.