Abtak Media Google News

ભારતીય ભાષામાં ઈનામ મેળવનાર આ પહેલી નવલકથા

હિન્દી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નવલકથા ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) માટે અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો છે.  64 વર્ષીય ગીતાંજલિ શ્રી પ્રથમ ભારતીય છે જેને આ એવોર્ડ મળ્યો છે. કોઈ પણ ભારતીય ભાષામાં આ ઈનામ મેળવનાર આ પહેલું જ પુસ્તક છે. આ નવલકથામાં  80-વર્ષની એક મહિલાની વાર્તા છે જે તેનાં પતિનાં મૃત્યુ પછી તણાવની અનુભૂતિ કરી રહી છે. પરંતુ બાહીય સંજોગો સામે જંગ ખેલીને જિંદગીને નવો વળાંક આપે છે. આ પુસ્તકનો અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, જર્મન, સર્બિયન અને કોરિયન ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. ટોમ્બ ઓફ સેન્ડ પુસ્તક સામે બીજા 13 પુસ્તકો પણ હરીફાઈમાં હતા. ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) ગીતાંજલિ શ્રી લિખિત પાંચમું નવલકથા પુસ્તક છે.

ગીતાંજલિ શ્રીને  લંડન ખાતે આયોજિત સમારોહમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઈનામ 50 હજાર બ્રિટિશ પાઉન્ડના સ્વરૂપે અપાય છે. ગીતાંજલિએ આ ઈનામ પુસ્તકનાં અંગ્રેજી અનુવાદક અને અમેરિકામાં રહેતાં ડેઈઝી રોકવેલ સાથે વહેંચી લીધું છે. એવોર્ડ સ્વીકાર કરતી વખતે પોતાનાં સંબોધનમાં ગીતાંજલિ શ્રીએ કહ્યું હતું કે, તેઓએ સપનામાંય વિચાર્યું નહોતું કે તેમને બુકર પ્રાઈઝ જેવું સન્માન પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.