Abtak Media Google News

વરસાદ ખેંચાતા વધુ નર્મદાના નીરની માગણી: ટૂંકાગાળાના આયોજન માટે સૌની યોજના અંતર્ગત 150 એમસીએફટી પાણી ડેમમાં ઠાલવવા અથવા હડાળા-કોઠારીયા લાઈન મારફત રોજ ઘટતું પાણી આપવાની કરાઈ માગણી

વરસાદ ખેંચાતા શહેરમાં જળ કટોકટીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. શહેરની 33 ટકા જળ જરૂરિયાત સંતોષતો આજી ડેમ આગામી 31મી જુલાઈએ ડુકી જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. જો એક સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવી મુશ્કેલ બની જશે. આવામાં આજી ડેમ પર વધારાનું નર્મદાનું પાણી આપવા માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ બે વિકલ્પો સાથે પાણીની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ ન્યારી અને ભાદર ડેમમાં 15મી ઓગષ્ટ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે ચિંતા જેવું નથી.

આ અંગે કોર્પોરેશનના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ આજી ડેમમાંથી વિતરણ વ્યવસ્થા માટે 120 થી 125 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. દૈનિક ઉપાડ અને વિતરણ વ્યવસ્થા મુજબ આજીમાં 31મી જુલાઈ સુધી ચાલે તેટલો જળ જથ્થો છે. 20મી જુલાઈ બાદ દિન-પ્રતિદિન પાણીની ઘટ પડશે. આવામાં વરસાદ ખેંચાય અને દૈનિક વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર ન પડે તે માટે રાજ્ય સરકારમાં ગઈકાલે એક પત્ર લખી આજી ડેમ પર વધારાના નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ બે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે.

પ્રથમ વિકલ્પમાં ટૂંકાગાળાના આયોજનના ભાગરૂપે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 150 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવે. જો કે, સૌની યોજનાની લાઈન શરૂ કરે તો તેમાં પાણીનો વેડફાટ થવાની પણ સંભાવના રહેલ છે. આવામાં બીજા વિકલ્પરૂપે હડાળાથી કોઠારીયા તરફ જતી નર્મદા કેનાલની નં-12 લાઈનનું કનેકશન 2004માં કોર્પોરેશનને આજી ડેમ પર આપવામાં આવ્યું છે. આ લાઈન મારફત 21મી જુલાઈથી જ આજી ડેમ પર જેમ પાણીની ઘટ પડતી જાય તેટલું પાણી આપવા માટેની માંગણી કરવામાં આવી છેે.

21મી જુલાઈથી જ આજી પર પાણીની ઘટ વર્તાવા લાગશે તેના કારણે જો પાઈપ લાઈન મારફત પાણી આપવાનું થાય તો 20મી બાદ રોજ 10 એમએલડી અને 1લી ઓગષ્ટથી રોજ 20 એમએલડી નર્મદા પાણી આપવાની માંગણી કરવામાં આવી છે. સરકાર સમક્ષ હાલ 2 વિકલ્પો સાથે આજી ડેમ પર નર્મદાના નીર વધુ માંગવામાં આવ્યા છે. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી તરફ ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારીની સ્થિતિ થોડી સારી છે. ન્યારીમાં હાલ 350 એમસીએફટી જળ જથ્થો છે જે 15મી ઓગષ્ટ સુધી ખેંચી જશે.

જ્યારે ભાદર ડેમમાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી સંગ્રહિત હોય એક માત્ર આજી ડેમ પર જ વધારાનું નર્મદાનું નીર માંગવામાં આવ્યું છે. ટૂંકમાં વરસાદ ખેંચાય તો રાજકોટવાસીઓએ પાણીની કોઈ હાડમારી વેઠવી ન પડે તે દિશામાં મહાપાલિકા દ્વારા અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.