Abtak Media Google News

કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ વરસાદી પાણી ભરાયાના ફોટા અધિકારીઓને વોટ્સએપ ગ્રુપમાં મોકલશે: પાણીનો નિકાલ થયા બાદ અધિકારીએ ગ્રુપમાં ફરજિયાત ફોટા મુકવા પડશે: મ્યુનિ.કમિશનર અમિત અરોરાનો નવો અભિગમ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ અમિત અરોરાએ એવી ખાતરી આપી હતી કે, રાજકોટવાસીઓને હવે ખુબજ નજીકના ભવિષ્યમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદના પાણી ભરાય છે તેને અલગ અલગ ત્રણ ઝોનમાં વહેંચી દીધા છે. હવે વરસાદી પાણીના નિકાલ માટે પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે શહેરમાં સાંબેલાધારે વરસેલા વરસાદમાં આ નવતર અભિગમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરમાં ગઈકાલે 1 કલાકમાં અનરાધાર 2 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં અનેક વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. વરસાદી પાણીનો નિકાલ કરવા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ નવો અભિગમ શરૂ ર્ક્યો છે. જે રોડ પર વરસાદના પાણી ભરાય તેનો ફોટો પાડી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ પરથી કોર્પોરેશનના અધિકારીઓના ગ્રુપમાં મુકવામાં આવશે અને ફોટો ક્યાં વોર્ડ અને ક્યાં વિસ્તારનો છે તેની પણ સંપૂર્ણ માહિતી તેમાં આપવામાં આવશે.

જે ડીએમસીથી લઈ વોર્ડ એન્જીનીયર સુધીના અધિકારીઓમાં આ વિસ્તાર આવતો હશે તેને નિયત સમય મર્યાદામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગેના ફોટા વોટ્સએપ ગ્રુપમાં મુકવાના રહેશે. ગઈકાલે પડેલા 2 ઈંચ વરસાદમાં આ નવતર અભિગમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેનાથી અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે. પોતાના વોર્ડ કે વિસ્તારમાં વરસાદ પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને જો અનરાધાર વરસાદમાં પાણી ભરાય તો તે ગણતરીની કલાકોમાં નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે.

દર વર્ષે સામાન્ય વરસાદમાં શહેરના રાજમાર્ગો જળમગ્ન થઈ જાય છે. 150 ફૂટ રીંગ રોડ પરની ગલીઓમાં જાણે નદીઓ ચાલતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં નવનિયુક્ત મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ શહેરમાં વરસાદી પાણી ભરાય તો તેનો તાત્કાલીક નિકાલ થાય તે માટે હવે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જે ખરેખર કાબીલેદાદ છે. અત્યાર સુધી સીસીટીવી કેમેરાનો ઉપયોગ લોકોને દંડવા માટે જ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું હતું. પ્રથમ વખત તેનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે.

મહાપાલિકાના બ્રીજ સહિતના જે પ્રોજેકટ ચાલી રહયં છે તેમાં પણ સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવા સુચના આપી દેવામાં આવી છે. સીસીટીવી કેમેરા માટે જે કરોડો રૂપિયા ખર્ચમાં આવ્યા છે તે વાસ્તવમાં હવે વસુલ થઈ રહ્યાં હોય તેવું શહેરીજનો મહેસુસ કરી રહ્યાં છે. ગઈકાલે જ્યારે અનરાધાર વરસાદ બાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા ત્યારે તેના નિકાલ માટે પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.