Abtak Media Google News

ગોવાળીયો રાસ મંડળ દ્વારા દુહા સાથે ’અઠંગા’ અને ’સોળંગા’ નૃત્ય તરીકે જાણીતા ગોફગૂંથન રાસની થશે પ્રસ્તૃતિ

ભારતભરમાં કૃષ્ણજન્મના વધામણા માટે ઉજવાતો જન્માષ્ટમીનો તહેવાર રંગીલા રાજકોટમાં પણ રંગે ચંગે ઉજવવામાં આવે છે. રાજકોટને રોશની અને રંગોથી વધુ રંગીન બનાવતા આ તહેવારમાં રાજકોટનાં “રસરંગ મેળા” સાંસ્કૃતિક કાર્યક્રમો અન્વયે ગુજરાતભરના વિવિધ લોકનૃત્યોની રજૂઆત કરાશે.

આ રસરંગ મેળામાં ગરબા, અઠંગો, હુડો રાસ, સીદી ધમાલ, તલવાર રાસ, મણિયારો રાસ, ઢાલ અને છત્રી નૃત્ય સહિતની પ્રાચીન ગુજરાતની કૃતિઓની રજૂઆત કરશે. જેમાં ગોવાળીયો રાસ મંડળ દ્વારા ગોફગૂંથન રાસનો સમાવેશ થાય છે. આ રાસ એક વિશેષ પ્રકારનો ઠસ્સો ધરાવે છે. ભગવદ્ ગોમંડળમાં જણાવાયા મુજબ ગોફ એ એક જાતની રાસક્રિયા છે. અઠંગો, દાંડીઓના ખેલની પેઠે ગોફ ગૂંથીને દાંડીઓથી રચવાનો આ પ્રકાર દ્વાપર યુગથી અસ્તિત્વમાં છે.

ભગવાન શ્રીકૃષ્ણની મોરલીના નાદ સાથે ગોપકુમારો તથા ગોપક્ધયાઓ ગોફ ગુંથતા હતા. ’અઠંગા’ અને ’સોળંગા’ નૃત્ય તરીકે જાણીતું આ નર્તન એક વિશિષ્ટ પ્રકારનો મનોહર ગોપરાસ છે. આથી, ગોફ ગૂંથન રાસ માટે ’રાસક્રીડા’ શબ્દ પણ પ્રયોજવામાં આવે છે, જેમાં રાસ એટલે દોરી અને ક્રીડા એટલે ખેલ. દોરીથી રમવાનો ખેલ એવો આ રાસનો અર્થ થાય છે. આ નૃત્યમાં વણેલી સુંદર દોરીઓના ગુચ્છ ઉપર છત કે સ્તંભમાં બાંધેલી કડીમાંથી પસાર તેનો એક એક દડો ખેલૈયાઓના હાથમાં અપાય છે .દોરીને જુદા જુદા રંગના કાપડના લાંબા ચીરા લઈને પણ દાંડી રમતાં રમતાં તેનો ગોફ ગૂંથી મહિલાના ચોટલા જેવો આકાર બને છે.

ગૂંથણી એ આ નર્તનનું મહત્વનું અંગ છે. આ રાસમાં પ્રારંભે આ નૃત્ય ધીમી ગતિએ ત્યાર બાદ ઝડપથી ચલતી પકડીને વળી પાછી મંદ ગતિ સાધે છે. કેટલીક કોમમાં બેઠા બેઠા અને અંતે સુતા સુતા અઠંગો ગંઠાય છે ત્યારે ગતિ મંદ થાય છે. બેઠક ફૂદડી અને ટપ્પા પણ લેવાય છે. સૌરાષ્ટ્રમાં ભરવાડોનો ’અઠંગો’ વિશેષ પ્રચલિત છે. ગોફ ગૂંથન સોળંગો રાસ કણબીઓમાં પણ પ્રચલિત છે. રાસમાં કલાધરની છટા, તરલતા, સ્ફૂર્તિ અને વીજળીક વેગ અસાધારણ હોય છે.

લોકમેળામાં મણિયારો રાસ પણ થશે રજૂ

મેર સમાજની વિશેષતા રજૂ કરતો “મણિયારો રાસ” વિવિધ સ્પર્ધાઓમાં પણ વિજેતા

રાસ એટલે ખુશી વ્યકત કરવાનું એક માધ્યમ. યુદ્ધ જીતવાની ખુશીને રાસના માધ્યમથી વ્યક્ત કરવા પારંપરિક રીતે મણિયારો રાસ રમાય છે. આ રાસ મેર સમાજના લોકો દ્વારા વિવિધ લોકોત્સવોમાં પરંપરાગત વસ્ત્રોમાં રમવામાં આવે છે. પુરુષો ચોયણી, કેડિયું, ખમીસ, પાઘડી, લાલ પટ્ટો (વરફિંટિયો) જેવા વસ્ત્રો પહેરી રમે છે. આ રાસ દાંડિયા સાથે કે દાંડિયા વગર પણ રમાય છે. મણિયારો રાસની ખાસ વિશેષતા એ છે કે આ રાસમાં ખેલૈયાના પગ જમીનને વધુ સમય અડકતાં નથી અને જાણે હવામાં ઉછળતા કૂદતા હોય તેવા જોશથી મણિયારો રાસ રમાય છે. આ રાસમાં તમામ ખેલૈયાઓ એકસાથે કુદકો લાગાવે છે, તે જોવાલાયક હોય છે. પોરબંદર, દ્વારકાના મેર સમાજ આવી રીતે મણિયારો રમીને પોતાની ખુશી વ્યકત કરે છે.

મણિયારા રાસની પરંપરા આજે પણ યથાવત છે. રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં રજૂ થનારો મણિયારો રાસ કલા મહાકુંભ તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ વિજેતા થયો છે. રાજશક્તિ રાસ મંડળ દ્વારા સાંસ્કૃતિક મંત્રાલયના સૌજન્યથી આ રાસ અગાઉ સાઉથ કોરિયા, સિંગાપોર, આફ્રિકા, યુ.એ.ઈ. વગેરેમાં પણ રાસ રજુ થઇ ચુકયો છે. આવો જ આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત અને સંસ્કૃતિ માટે ગર્વ અનુભવ કરાવતો રાસ રાજકોટવાસીઓ સમક્ષ 5 સપ્ટેમ્બરનાં રોજ યોજાનારા લોકમેળાના ઉદઘાટન સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવશે. સંચાલક વનરાજસિંહ ગોહેલ અને 12 થી 16 યુવકો લગભગ 10 મિનિટની રાસ પ્રસ્તુતિ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.