“વિજય”ના જવાથી વિજય ભવ:!!

વિજયભાઈ રૂપાણી એટલે એવું ઉચ્ચ વ્યક્તિત્વ છે જે સૌને પોતાનું લાગે. તેઓએ એક કોમનમેન તરીકેની જે છાપ છોડી છે તેવી છાપ હવે કોઈ નેતા ભાગ્યે જ ઉપસાવી શકે. તેઓએ આરએસએસ સ્વયંસેવક તરીકે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે, ભાજપના એક શિસ્તબદ્ધ સૈનિક, રાજકોટના કોર્પોરેટરથી મેયર સુધીની સફર તથા બાદમાં રાજયના રાજકારણમાં એક અગ્રણી, ભાજપના મહામંત્રી અને રાજકોટના ધારાસભ્ય- રાજયના મંત્રી અને મુખ્યમંત્રી આ તમામ સફરમાં તેમના સિદ્ધાંતો, કાર્ય અને નેતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવીને સૌના દિલ જીત્યા હતા.

તેઓએ એ સાબિત કરી દીધું હતું કે માત્ર વિજય નહિ. તેનાથી પણ ઉપર વિજય ભવ: છે. એટલે કે એવો વિજય કે જેનાથી દુશ્મન પણ તમારું ખરાબ ઈચ્છે નહિ. હવે વિજયભાઈના જવાથી આ વિજય ભવ: શક્ય છે ખરું? આ પ્રશ્ન સૌના મનમાં ચાલી રહ્યા છે. નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ આરૂઢ થયા છે. હવે તેઓ જ્ઞાતિ- જાતિ, પ્રાંતવાદ, કોમનમેન, વિકાસ અને 150+ સીટ આ બધા ફેક્ટર ઉપર વિજયભાઈની જેમ સક્ષમતાથી કંટ્રોલ કરી શકશે કે કેમ તેવું જોવું રહ્યું.

વિજયબાઈનું શાસન ગુજરાતના ઇતિહાસના પાને અંકિત થયું છે. તેઓએ જે પ્રકારે નિર્ણયો લીધા છે. આજ સુધી આવા નિર્ણયો કોઈએ લીધા નથી એટલે એ વાત તો સ્પષ્ટ છે કે વિજયભાઈનું સાશન ન ભૂતો ન ભવિષ્ય જેવું રહ્યું છે. વિજયભાઈની ખોટ ગુજરાતને તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રને પડવાની છે. તેઓએ સૌરાષ્ટ્ર ઉપર ચાર હાથ મુક્યાં હતા. ઉપરાંત રાજકોટ માટે તો મોસાળે જમણ અને મા પીરસનારી એવો ઘાટ સર્જાયો હતો. તેઓએ સમગ્ર સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે રાજકોટને એઇમ્સ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ પણ આપી હતી.

ખંત અને ખમીર સાથે રાજ્યને નવી દિશા આપનાર વિજયભાઈએ માત્ર પક્ષના નહિ પણ ખરા અર્થમાં પ્રજાના નેતા બનીને દેખાડ્યું છે. શુ હવે ગુજરાતને આવી નેતાગિરી જોવા મળશે? આ પ્રશ્નનો જવાબ આગામી સમયમાં જ મળશે. રાજકોટ શહેર વિજયભાઈનું ઘર હતું અને આખું રાજ્ય તેમની કર્મભૂમિ હતી,. દરેક વિસ્તારને તેઓએ જરૂરિયાત પ્રમાણે આપ્યું પણ રાજકોટને તો વગર માગ્યે જ ખોબલે ખોબલે બધું આપ્યું છે. દરેક ક્ષેત્ર અને વિસ્તારના લોકો સાથે વિજયભાઈનો સંવેદનશીલ નાતો રહ્યો,  એટલે જ તેઓની સરકાર સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાવા લાગ્યા હતા.