Abtak Media Google News

સોનાને ક્યાંથી લાગે કાટ?!

એક્સચેન્જમાં આદિકાળથી સોનુ સલામતિનું છેલ્લુ સાધન, આજે અમેરિકાની આર્થિક નાવડી હાલક-ડોલક થતાં સોનાની સલામત દોટ

આદિકાળથી લોકમુખે ચડેલા ભજનો પણ કહે છે કે, સોનાને ક્યાંથી લાગે કાટ ? આ ભજનો વર્તમાન સ્થિતિમાં પણ વાસ્તવિક બન્યા છે. અત્યારની સ્થિતિ મુજબ સોના સિવાય વિશ્વમાં કોઈ સુરક્ષીત તરલ રોકાણ નથી. આદિકાળથી કોઈ વસ્તુની લેવડ-દેવડમાં સોનુ આધારભૂત રહ્યું છે. દાયકાઓ પહેલા વસ્તુઓનું વેંચાણ થતું હતું ત્યારે તે વ્યવહાર પણ સોનામાં થતો હતો. હુંડીયામણ-એકસચેન્જ રેટમાં સોનુ મહત્વનો ભાગ ભજવતું હતું. સોનાને ક્યારેય પણ કાટ લાગ્યો નથી તેવું ૫ હજાર થી ૧૦ હજાર વર્ષનો ઈતિહાસ કહે છે. જો કે, ત્યારબાદ મહાસત્તા તરીકે ઉભરી આવેલા અમેરિકાએ પોતાના ચલણ એટલે કે ડોલરને મજબૂત બનાવવા ધમપછાડા કર્યા હતા. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ડોલર મજબૂત રહે તે માટે વૈશ્ર્વિક વ્યવહારમાં ડોલર ‘ફરજિયાત’ જેવો કરી નાખ્યો હતો. અલબત હવે ડોલરની પડતી શરૂ થઈ છે. બીજી તરફ વૈશ્ર્વિક વ્યવસ્થા હાલક-ડોલક થતાં સુરક્ષીત રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ એટલે કે સોના તરફ વળ્યા છે.

ભારતીયો પરંપરાગત રીતે સોના તરફ ઢળેલા જોવા મળે છે. એક સમય હતો જ્યારે દેશમાં સોનુ ભરપુર માત્રામાં હતું. જેને લૂંટવા મોહમદ ગજનીથી લઈ અંગ્રેજો સુધીના ઘણાએ નાપાક પ્રયાસો કર્યા હતા. ભારતમાં સ્ત્રીધન તરીકે સોનાને મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીધન ખાસ મહિલાઓની જ સંપતિ છે. જેના પર અન્ય કોઈ કુટુંબીજનનો હક્ક લાગતો નથી. આવી જ રીતે ભારતીય સંસ્કૃતિમાં સુખ, દુ:ખના દરેક પ્રસંગમાં સોનુ ક્યાંકને ક્યાંક જોડાયેલું જોવા મળે છે. પદ્મનાભ મંદિરમાં પણ સોનાનો મસમોટો ભંડાર મળી આવ્યો હતો. આવી રીતે દેશના અનેક મંદિરોમાં સોનુ ધરબાયેલું હતું. એકંદરે એમ કહી શકાય કે, ભારતીયોનો સોના તરફનો પ્રેમ સુરક્ષાના કારણે છે.

ડોલર નબળો પડવાના કારણે વર્તમાન સમયે સોનાના ભાવ સતત વધી રહ્યાં છે. ગોલ્ડમેન સેચના આંકડા પ્રમાણે ૧૨ મહિનામાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ ૨૩૦૦ ડોલરે પહોંચી શકે છે. સ્થાનિક કક્ષાએ સોનાના ભાવ ૬૫૦૦૦ની સપાટીને પણ ટચ થઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અમેરિકામાં વ્યાજદર પણ ઘટ્યા છે. ઉપરાંત ડોલર માર્ચ મહિના બાદ ૯ ટકા જેટલો પટકાયો છે. ૨૦૧૧ બાદ સૌપ્રથમ વખત એવું બન્યું છે જ્યારે ડોલર પડી ભાંગ્યો હોય પરિણામે સોનાના ભાવ સતત વધ્યા છે. ભારત માટે તો આદિકાળથી સોનુ સલામતીનું છેલ્લુ સાધન છે પરંતુ અમેરિકામાં મહામારીના પગલે આર્થિક નાવડી હાલક-ડોલક થતાં અમેરિકા જેના પર નિર્ભર છે તે ડોલર પડી ભાંગવા લાગ્યો છે. વૈશ્ર્વિક દ્રષ્ટિએ મુશ્કેલીઓ ઉભી થતાં આપો-આપ સોનામાં ખરીદીનું પ્રમાણ વધવા લાગ્યું છે. સ્થાનિક કક્ષાએ માંગ ન હોવા છતાં સોનાના ભાવમાં ધરખમ ભાવ વધારો જોવા મળે છે.

દશકાઓથી વૈશ્વિક ચલણમાં ડોલરનું આધીપત્ય જોવા મળે છે. એકમાત્ર દિરહામ જ એવું ચલણ છે જે ડોલરના રેટ સામે અડીખમ રહ્યું છે. ભૂતકાળમાં બ્રિકસ દેશોની બેઠક દરમિયાન ભારતે પણ આ દેશોનું આગવું ચલણ ઉભુ કરવાની હિમાયત કરી હતી. અલબત ચીનની આડોડાઈના કારણે આ બાબત શક્ય બની ન હતી. અમેરિકાએ ડોલરને એકસચેન્જ માટેનું માધ્યમ બનાવ્યું છે પરંતુ એ જ માધ્યમ અમેરિકાને જોખમમાં મુકી રહ્યું છે. વૈશ્ર્વિક અર્થતંત્રમાં વિવિધ દેશો પોતાનું ચલણ છાપવા માટે પણ સોનાનો આધાર રાખે છે. જેટલું સોનુ હોય તે પ્રકારે જ ચલણી નોટ છાપવામાં આવે છે. જેનાથી ફૂગાવો કાબુમાં રહે છે.

ડોલર શું કામ નબળો પડ્યો?

૨૦૧૧ બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે, ડોલર ૯ ટકા સુધી તૂટી ગયો હોય. ડોલર નબળો પડવા પાછળ અત્યારે સૌથી મોટુ કારણ કોરોનાની મહામારી છે. મહામારીના પગલે અમેરિકાનું અર્થતંત્ર હચમચી ગયું છે. એમ પણ કહી શકાય કે, કોરોનાએ અમેરિકાની પોલ ખોલી નાખી છે. ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ભારત કે પાકિસ્તાન કોઈપણ દેશને એક્સચેન્જ માટે ડોલર ઉપર આધારભૂત રહેવું પડતું હતું. દરમિયાન કોરોના વાયરસની મહામારી ફાટી નીકળતા આયાત-નિકાસમાં ધરખમ ગાબડુ પડ્યું છે. તમામ કરન્સીને કોરોનાની મહામારીના કારણે અસર થઈ છે. જો કે, ડોલરને થયેલી અસરના પગલે સોનુ ઉંચકાયું છે. અમેરિકા ડોલર ઉપર આધારીત છે. તેને સોનાની મહત્વતાનો ખ્યાલ નથી. અલબત ભારત સહિતના અન્ય દેશો સુરક્ષીત રોકાણ સ્વરૂપે સોનાને જ આધાર માને છે. ડોલર હજુ નબળો પડે તેવી ભીતિ વચ્ચે સોનાનો ભાવ વધે છે.

આજે પણ એક્સચેન્જમાં સોનાનો કોઈ જોટો નથી!

આદિકાળથી એક્સચેન્જમાં સોનુ સલામતીનું છેલ્લુ સાધન ગણવામાં આવે છે. જ્યારે કોઈ બે દેશ બાખડે ત્યારે જોખમ સર્જાય તો સોનાના ભાવ આપો આપ ઉપર જવા લાગે છે. દાયકાઓ પહેલા જ્યારે બે સંસ્થા કે વ્યક્તિ વચ્ચે કોઈ લેવડ-દેવડ થતી હોય ત્યારે પણ સોનાને ચલણના રૂપમાં સ્વીકારાતું હતું. આ ઉપરાંત જેની પાસે સોનુ વધુ હોય તેને અમીર ગણવામાં આવતો હતો. રાજા-રજવાડાઓને સોનાનો માત્ર મોહ જ નહોતો પરંતુ તે આર્થિક રીતે સધ્ધરતાની સાથે જ સુરક્ષાનું કારણ પણ હતું. સોનુ અત્યારે સોળે કળાએ ખીલ્યું છે. ડોલર પડ્યો છે એટલે એમ કહી શકાય કે, ભલે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટીએ ડોલરને એક્સચેન્જમાં ઉપયોગ કરવાની મજબૂરી હોય પરંતુ આજે પણ એક્સચેન્જમાં સોનાનો કોઈ જોટો નથી.

જ્યારે જ્યારે ખરીદી વધે છે ત્યારે ત્યારે સોનાની કિંમત ઘટે છે!

સોનામાં ક્યારેય ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ લાગુ પડતો નથી. જ્યારે દેશ સુરક્ષીત હોય ત્યારે સોનાના ભાવ આપો આપ નીચા રહે છે. વૈશ્વિક વાતાવરણ ડહોળાઈ એટલે લોકો સુરક્ષા શોધવા લાગે છે અને પરિણામે સોના તરફનો ફલો વધે છે અને સોનુ ઉંચકાય છે. તહેવારોમાં જ્યારે ખરીદી ખીલે છે ત્યારે પણ સોનુ આજની સરખામણી જેટલું તો વધતુ નથી. અલબત અત્યારે ટોંચે પહોંચેલા આંતરરાષ્ટ્રીય ભાવ વૈશ્વિક અર્થતંત્ર ઉપરના જોખમના કારણે છે. જેમ જેમ જોખમ વધતુ જાય તેમ તેમ સોનાના ભાવ પણ વધતા જાય છે. વૈશ્વિક અર્થતંત્રમાં એક્સચેન્જની કરોડરજ્જુ સમાન ભાગ સોનું ભજવે છે. જ્યારે ખરીદી વધે ત્યારે સોનાની કિંમત ઘટતી હોવાનું પણ ભૂતકાળમાં ઘણી વખત નોંધાયું છે અત્યારે સોનાની સ્થાનિક ખરીદી નથી છતાં ભાવ વધે છે તેની પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં વ્યાપક ડર કારણભૂત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.