Abtak Media Google News

વિદેશી હુંડિયામણમાં એક જ અઠવાડિયામાં ૨.૫૬ બિલિયન ડોલરનો વધારો

ફોરેન કરન્સી એસેટ ૧.૩૮ બિલિયન ડોલરના વધારા સાથે ૫૩૭.૭૨ બિલિયન ડોલરે પહોંચી

કોરોના મહામારીને કારણે વૈશ્ર્વિક અર્થતંત્રને મોટો ફટકો પડયા છે. નાના અને આર્થિક રીતે પછાત દેશો પર મંદીનાં વાદળો છવાયા છે. આર્થિક ગંભીર અસરોમાં ભારત પણ બાકાત નથી પરંતુ સરકાર અને રીઝર્વ બેંકનાં મહત્વના પગલા રૂપી અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી છે. અર્થતંત્રને વધુ મજબુતાઈ પુરી પાડી જીડીપી રેશિયો વધારવા વિદેશી હુંડિયામણ એક મહત્વના પાયારૂપ છે. ત્યારે ભારત માટે સારા સમાચાર છે ૧૮ ડિસેમ્બરે પૂર્ણ થનારા એક અઠવાડિયામાં ભારતનાં વિદેશી હુંડિયામણમાં ૨.૫૬ બીલીયન ડોલરનો વધારો થયો છે જે ઓલટાઈમ હાઈ રહ્યું છે.

ભારતીય અર્થ વ્યવસ્થામાં ધાર્યા કરતાં અનેકગણી વધુ ઝડપથી રીકવરી થઈ રહી છે.અર્થતંત્રની વૃધ્ધિ સાથે વિદેશી મુંદ્રા ભંડશર એક અઠવાડિયામાં ૨.૫૬ બીલીયન ડોલર વધીને ૫૮૧.૧૩૧ બીલીયન ડોલરે પહોચ્યું છે. આ અગાઉના એટલે કે ૧૮ ડિસે.ની પહેલાના અઠવાડિયામાં ફોરેકસ રીઝર્વ ૫૭૮.૫૬૮ બીલીયન ડોલરે રહ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના આ સમયમાં કૃષિ અને ફાર્મા ક્ષેત્રે મહત્વનો ફાળો ભજવ્યો છે જે ઉપર સરકાર ધ્યાન દોરી વધુને વધુ નિકાસ આગળ ધપાવવા ઈચ્છે છે. જેના કારણે પ્રત્યક્ષ વિદેશી હુંડિયામણમાં વધારો થશે તો બીજી તરફ આની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર રૂપીયાની સ્થિતિ પર પણ ઉપજી છે. વૈશ્ર્વિક બજારમાં રૂપીયાના ભાવ વધુ હોવા છતાં ડોલર સામે અડીખમ છે. મોનીટરીંગ કરતી રીઝર્વ બેંક અને સરકાર કોઈ પણ સંજોગોમાં રૂપીયાને તુટવા દેવા માંગતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવા માટે આમ કરવું પણ અનિવાર્ય છે. ભારતનાં આ વલણથી અમેરિકાને પણ ખોપ વર્તાયો છે કે ભારત વધુને વધુ વિદેશી હુંડિયામણ રળતું થઈ ગયું છે.જેનાથી ડોલર સામે રૂપીયો મજબુત બની ઉભરી રહ્યો છે. આજ કારણસર તાજેતરમાં અમેરિકાએ ભારતને કરન્સી મેનીપ્યુલેટરની યાદીમાં એટલે કે વૈશ્ર્વિક બજારમાં ચલણમાં ‘ગોટાળા’ કરતા દેશની યાદીમાં મૂકયું હતુ પરંતુ અમેરિકાના સતત મનામણા છતા ભારતે વિદેશી હુંડિયામણ રળવાની પોતાની રણનીતિ ચાલુ રાખી છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ફોરેન કરન્સી અસેટમાં વધારાને કારણે ફુલ ફોરેકસ રીઝર્વમાં વધારો થયો છે. ફોરેન કરન્સી અસેટ ૧.૩૮ બીલીયન ડોલર વધીને ૫૩૭.૭૨ બીલીયન ડોલરે પહોચી છે. આ એફસીએ અમેરિકી ડોલરમાં જ દર્શાવાય છે. એફસીએ સાથે ગોલ્ડ રિઝર્વમાં પણ ૩૭ બીલીયન ડોલરનો વધારો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.