Abtak Media Google News
  • વ્યાજખોરો લોકોનું જીવન દોઝખ બનાવી રહ્યા છે
  • વિધવાને આજીવિકાનો એકમાત્ર આધાર વેંચી શહેર છોડી મુકવા મજબુર કરતા વ્યાજખોરોને જડમૂળથી ડામી દેવા જરૂરી

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વ્યાજખોરો બેફામ બનતા જઈ રહ્યા હોય તેવા અહેવાલો છાસવારે સામે આવતા જ હોય છે. અનેક કિસ્સામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી માસુમ પરિવારો આપઘાત સુધીના પગલાં લેતા હોય છે પણ તેમ છતાં વ્યાજખોરોના પેટનું પાણી હલતું ન હોય તે પ્રમાણે વ્યાજખોરો વધુ બેફામ બનીને વ્યાજ વટાવનો ધંધો કરતા હોય છે.

રાજકોટમાં વ્યાજખોરીના વિષચક્રમાં આવી વિધવા મહિલા આજીવિકાનો એકમાત્ર આધાર વેંચી શહેર છોડી દેવા મજબુર થયાની લેખિત ફરિયાદ પોલીસ કમિશ્નરને કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ શહેરના યાજ્ઞિક રોડ પર આનંદ સ્નેક્સ નામે પ્રતિષ્ઠિત રેસ્ટોરેન્ટ ધરાવતા રેખાબેન કોટકે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, પુષ્પરાજ અને મુકેશ સિંધવ નામના વ્યાજખોરોએ રેસ્ટોરેન્ટ વેંચી શહેર છોડી મુકવા મજબૂર કરી દીધી છે.

પુષ્પરાજ નામના વ્યાજખોરે રૂ. 5 લાખની સામે રૂ. 40 લાખ જેટલું તગડુ રાક્ષસી વ્યાજ વસુલ્યું,વ્યાજ ચૂકવવામાં વૈશાલીનગરનું મકાન પણ વેચાઈ ગયું તેમ છતાં વ્યાજની ઉઘરાણી સતત ચાલુ રાખવામાં આવી હતી. બીજી બાજુ મુકેશ સિંધવ નામના વ્યાજખોરે રૂ. 1 લાખની સામે દરરોજનું પાંચ રૂપિયાનું વ્યાજ વસુલ્યું અને પેલી તારીખથી દરરોજનું 25 હજાર વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું. દરરોજ સવારે 11 વાગ્યે વ્યાજ આપી દેવાનું અને જો ન આપું તો ઘરે ગુંડા મોકલતો હતો. ચેક રિટર્ન કરીને કેસ પણ કર્યો, ખુબ હેરાન કર્યા છે. આ પ્રમાણેની લેખિત ફરિયાદ કરી ‘કા તો હું આપઘાત કરું કા તો રાજકોટ છોડી દવ’ તેવું કહી ન્યાયની માંગણી સાથે વિધવા મહિલા તેના પુત્ર સાથે ક્યાંક જતાં રહ્યા છે.

હવે નિસહાય વિધવા જો આપઘાત કરે તો જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠે છે. વ્યાજખોરો આટલી હદે બેફામ બને, નિસહાય લોકોને આપઘાત સુધી દોરી જાય ત્યાં સુધી તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી? વ્યાજખોરો સામે પગલાં લેવામાં તંત્ર શેની રાહ જુએ છે? આ બધા સવાલો ઉભા થાય છે. પોલીસ સમયાંતરે લોક દરબારની ઝુંબેશ ચલાવે છે, વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કર્યાના દાવા પણ કરે છે પરંતુ શું એકાદ-બે વર્ષે એકવાર લોકદરબાર યોજીને સંતોષ માની લેવો કેટલી હદે યોગ્ય છે?

શહેરમાં આ કોઈ પહેલો બનાવ નથી કે જયારે વ્યાજખોરો બેફામ બની વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય. અગાઉ અનેકવાર આ પ્રકારના અઢળક બનાવો સામે આવી ચુક્યા છે. વ્યાજખોરોના ત્રાસથી અઢળક લોકોએ મોત વ્હાલું કરી લીધાના અનેક દાખલા છે ત્યારે હવે આવા તત્વોને જડમૂળથી ડામી દેવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

મવડીના વૃદ્ધ દંપત્તિના આપઘાતના પગલાં પાછળ પણ વ્યાજખોરો જવાબદાર?

મવડીના નંદનવન સોસાયટીમાં એક વૃદ્ધ દંપત્તિએ સજોડે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં વૃદ્ધ નરશીભાઈ ચનાભાઈ વડાલીયા (ઉ.વ.65)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જયારે પત્ની લીલાબેન નરશીભાઈ વડાલીયા (ઉ.વ.66)ની તબિયત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મામલામાં પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે અને પરિજનોની પૂછપરછ પણ આદરી છે. પરંતુ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિજનો કોઈ જ ખુલાસો કરી રહ્યા નથી. ત્યારે આ બનાવ પાછળ પણ વ્યાજખોરો જવાબદાર હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે પણ વ્યાજખોરોના ડરથી પરિજનો કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. જેની પરથી કલ્પના કરી શકાય છે કે, વ્યાજખોરોનો ભય કેટલી હદે હશે કે પરિજન ગુમાવ્યા છતાં કોઈ કશું પણ બોલવા તૈયાર નથી.

વ્યાજખોરો સામે ‘અબતક’ની ઝુંબેશ : વ્યાજંકવાદીઓ વિરુદ્ધના જંગમાં અમે આપીશું આપનો સાથ

વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણીમાં માસુમ પરીવારોનો માળો વીખી નાખતા હોય છે. સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી તગડુ વ્યાજ વસુલી લોકોને આપઘાત સુધી દોરી જતાં હોય છે. વ્યાજખોરોના ત્રાસ સામે ઘણીવાર લોકો પોતાની વ્યથા કોઈને જણાવી પણ શકતા નથી ત્યારે અમે આવા રાક્ષસો સામે આપને સાથ આપીશું. અમે આપનો આવજ બનવા તૈયાર છીએ. આપ આપની વ્યથા અમને અમારા સંપર્ક નંબર પર જણાવી શકો છો અને અમે આપને ન્યાય અપાવવાની પૂરતી કોશિશ કરીશું.

સંપર્ક – 9974354260

વ્યાજખોરોના ત્રાસથી ધોળકિયા પરીવારના સામુહિક આપઘાતના કરુણ બનાવને રાજકોટ હજુય ભૂલી શક્યું નથી

વ્યાજખોરોના ત્રાસથી ધોળકીયા પરિવારના સામુહિક આપઘાત મામલે સમગ્ર રાજકોટમાં અરેરાટી મચી જવા પામી હતી. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનો માળો વિખેરાયો હતો. શહેરના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ નાણાની જરૂરિયાત ઊભી થતાં વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ વ્યંજકવાદીઑએ રૂપિયાની માંગ સાથે ત્રાસ ગુજારવાનું શરૂ રાખતા કિર્તીભાઈ ધોળકિયાએ ગત તા. 18 નવેમ્બર 2022ના રોજ પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન પરીવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.