Abtak Media Google News

ખડગુંદા ગામે ભૂવાને જોવડાવી પરત ફરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના: પરિવારમાં કલ્પાંત’

સરધાર અને હડમતીયા વચ્ચે ગઇ કાલે સાંજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. છકડો પલટી મારતાં ગોંડલના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક યુવતીનું મોત નિપજ્યું હતું જ્યારે છ સભ્યો ઘવાતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાડલાના ખડગુંદા ગામે ભૂવાને દાણા જોવડાવી પરત આવતા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં રહેતા અને મજૂરી કામ કરતા પુનીતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વ.26) પોતાના પરિવાર સાથે ભાડલા નજીક આવેલા ખડગુંદા ગામે ભૂવાને દાણા જોવડાવવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા સરધાર અને હડમતીયા વચ્ચે છકડો પલટી મારી જતાં ગોંડલના પરિવારને અકસ્માત નડ્યો હતો.

ખડગુંદા ગામેથી દાણા જોવડાવી પરત ફરતા હતા ત્યારે સરધાર પાસે છકડો પલટી મારી જતાં પુનિત રાઠોડ, નયનાબેન ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વ.20), મુદ્દુ બિપીનભાઈ (ઉ.વ.23), બિપીનભાઈ ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વ.25), વંદનાબેન પુનીતભાઇ રાઠોડ (ઉ.વ.22), રેખાબેન ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વ.50) અને ભાવિકા ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વ.20)ને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ચાલુ સારવારમાં પરિવારની પુત્રી ભાવિકા રાઠોડે દમ તોડયો હતો. આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે પોતે પરિવારના સભ્યો સાથે છકડામાં ગોંડલથી ભાડલા પાસે આવેલા ખડગુંદા ગામે ભૂવાને દાણા જોવડાવવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ગઇ કાલે 4:30 વાગ્યાની આસપાસ પોતે સરધાર પાસે પહોંચ્યા ત્યારે છકડો પલટી મારી જતાં રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અંગે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતમાં પરિવારની નજર સામે જ પુત્રીએ દમ તોડયો હતો. જેથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં પણ હજુ લોકો ભૂવા અને દાણામાં અંધશ્રદ્ધા રાખે છે. ગોંડલના પરિવાર અંધશ્રદ્ધામાં આવી પોતાની મુશ્કેલીઓનો ભૂવા પાસે નિવેડો લેવા ગયા અને એક સભ્યની અકસ્માતમાં જીવ ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.