Abtak Media Google News

જેતપુર અને ભેસાણ ઉઘરાણી કરીને બાઇક પર પરત આવી રહેલા વેપારીને ધક્કો મારી રૂ.૯૨,૪૨૦ની રોકડ સાથેની થેલી ઝુટવી બંને શખ્સો ફરાર

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા અને માકેર્ટીંગ યાર્ડ પાસે શક્તિ વિજય એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા વેપારને જેતપુરના દેવકી ગાલોલ ગામ બાઇક પર આવેલા બે શખ્સોએ ધક્કો મારી પછાડી રૂ.૯૨,૪૨૦ની રોકડની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નાકાબંધી કરી લૂંટ ચલાવી ભાગી છુટેલા બંને લૂંટારાની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામકૃષ્ણનગરમાં રહેતા અને શક્તિ વિજય એન્ટરપ્રાઇઝના નામે ખાંડના હોલસેલ વેપારી નવીનચંદ્ર ભગવાનદાસ ખખ્ખર નામના ૫૮ વર્ષના લોહાણા પ્રૌઢને જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામ પાસે બાઇક લઇને પસાર થતા હતા ત્યારે પાછળથી ડબલ સવારી બાઇકમાં આવેલા શખ્સે ચાલુ બાઇકે ધક્કો મારી પછાડી દીધા બાદ બાઇકના હેન્ડલમાં રૂ.૯૨,૪૨૦ની રોકડ સાથેની થેલી ઝુંટવી બંને શખ્સો જેતપુર તરફ ભાગ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નવીનચંદ્ર ખખ્ખર ગઇકાલે બપોર બાદ ભેસાણ, જેતપુર અને દેવકી ગાલોલના જુદા જુદા વેપારી પાસેથી ઉધારમાં આપેલી ખાંડની ઉઘરાણી કરી પરત આવી રહ્યા હતા ત્યારે દેવકી ગાલોલ ગામ પાસે સ્પષ્ટ ગુજરાતી ભાષા બોલતા બે શખ્સોએ લૂંટ ચલાવ્યાનું અને બંને લૂંટારા પૈકી બાઇક ચલાવતો હતો તે મજબુત બાંધાનો અને તેની પાછળ બેઠો હતો તે પાતળા બાંધાનો અને ઠીંગણો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જેતપુર તાલુકા પોલીસે નવીનચંદ્ર ખખ્ખરની ફરિયાદ પરથી બંને અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી પણ લૂંટારાની ભાળ મળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.