Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની સૌથી મોટી અને પ્રથમ કક્ષાની તથા સમગ્ર રાજ્યની બીજા નંબરની મેડિકલ કોલેજ સંલગ્ન સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી એમઆરઆઈ મશીન બંધ હોવા અંગે પૂર્વ સંસદસભ્ય અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી જણાવ્યું છે કે સરકારની આરોગ્ય ક્ષેત્રે ઘોર ઉદાસીનતાના કારણે ગરીબ દર્દીઓ નાછૂટકે ખાનગી તપાસમાં લૂંટાઈ રહ્યા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહાકાય કહી શકાય તેવા રિલાયન્સ, એસ્સાર, ટાટા કેમિકલ્સ, જી.એસ.એફ.સી., જેવા અનેક નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. આ તમામ ઉદ્યોગોમાં તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ જિલ્લાઓમાંથી હજારો ગરીબ દર્દીઓ સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે. ત્યારે અનેક બીમારીઓમાં એમ.આર.આઈ. તપાસ જરૂરી બને છે જે સરકારી હોસ્પિટલમાં રૂપિયા ર૦૦૦ માં થાય છે. તે જ એમ.આર.આઈ. તપાસ મશીન બંધ હોવાથી અહીં આવતા ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રૂ. ૩પ૦૦ થી પ૦૦૦ સુધીનો ભારે ચાર્જ ચૂકવીને એમ.આર.આઈ. કરાવવું પડે છે.

રાજ્યની આ મહત્ત્વની હોસ્પિટલમાં એમ.આર.આઈ. મશીન બંધ પડેલ છે. તે આ ભાજપી સરકાર કે જેઓ ર૦૧૯ ની ચૂંટણી તૈયારીમાં ગરીબ દર્દીઓના જાનમાલ અને સુખાકારીનું ધ્યાન રાખી ગરીબ દર્દીઓને સહાયરૃપ થવા માટે એમ.આર.આઈ. મશીન રીપેર કરાવવા માટેનો સમય મળતો નથી. ગરીબ અને અંતરિયાળ વિસ્તારમાંથી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓનું જે થવું હોય તે થાય, દર્દીઓ જીવે કે મરે પણ આ ર૦૧૯ ની ચૂંટણીની તૈયારીમાં પડેલ તેમજ કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યોને તોડવામાં સતત પ્રયત્નો કરી સમય વેડફી રહેલી આ રાજ્યની ભાજપ સરકારને લોકોની કોઈ દરકાર નથી. આજના આ ભાજપી નેતાઓને રાજ્યની પ્રજાની મહામૂલી જિંદગી કરતા ર૦૧૯ ની ચૂંટણીનું મહત્વ વધારે છે.

જાણકારી મુજબ આજે છ કે આઠ માસ પહેલા જ્યારે એમ.આર.આઈ. મશીન બંધ થયેલ હતું તેના કારણે તેમના રીપેરીંગ કરનાર એજન્સી કે કંપની કે ટેકનિશ્યનને તેમનું મામુલી (મહેનતાણું, રીપેરીંગ ખર્ચ) રકમનું ચૂકવણી હોસ્પિટલ દ્વારા ચૂકવેલ ન હોવાથી હાલ આ મશીન રીપેરીંગ થતું નથી. આ ભાજપી સરકારને ચૂંટણીના તાયફા અને મેડાવડા કરવા માટે કરોડોના ખર્ચાઓ કરવા પૈસા છે પણ આ એમ.આર.આઈ. મશીન રીપેરીંગની સામાન્ય રકમ ચૂકવવાના ભાજપી સરકાર પાસે પૈસા નથી.

રાજકીય પક્ષ ચૂંટણીની તૈયારીઓ કરે એ વ્યાજબી છે, પરંતુ સત્તા પર રહેલી  સરકારની પ્રથમ જવાબદારી તેની પ્રજાની જાનમાલ, સ્વાસ્થ્ય અને સુખાકારીનું રક્ષણ કરવાની છે, નહિં કે પ્રજાના પૈસે તાઈફાઓ કરી પ્રજાના પૈસા અને સમય બન્ને વેડફવાના. તેમ ધારાસભ્ય વિક્રમભાઈ માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.