Abtak Media Google News

સર્વેસર્વા થવાની હોડમાં નાની કંપનીઓ પર દબાણ કરતી હોવાનો આરોપ

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલની ડિજિટલ બજારમાં મજબૂત સ્થિતિ છે. જેનાથી કોઈ અજાણ નથી કારણ કે આજના ટેકનોલોજીના યુગમાં માણસને ડગલે ને પગલે ગૂગલની જરૂર પડી રહી છે. ગૂગલની આજ મજબૂત સ્થિતિને કારણે હાલ તેના પર ઘણાં સવાલો ઉભા થયા છે. ડિજિટલ અને સોશિયલ મીડિયા માર્કેટમાં ગુગલ તેની શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યું છે તેમ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ની તપાસમાં વાત સામે આવી છે. સીસીઆઈએ બે વર્ષ સુધી આ મામલાની તપાસ કર્યા બાદ પોતાનો રિપોર્ટ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુ.એસ. ટેકનોલોજી અને સર્ચ એન્જિન કંપની પ્રતિસ્પર્ધી વિરોધી, અયોગ્ય અને પ્રતિબંધિત વેપાર પદ્ધતિ અપનાવી રહી છે.

ગૂગલ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને તેની સાથે જોડાયેલા બજારમાં તેના વર્ચસ્વનો દુરુપયોગ કરી રહ્યું છે.

CCI દ્વારા એપ્રિલ 2019માં ગૂગલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ્સ માટેનું બજાર ગૂગલના એન્ડ્રોઇડ પર પ્રભુત્વ ધરાવે છે. તે આ બજારમાં લગભગ 98 ટકા ભાગ ધરાવે છે. એપલ, માઈક્રોસોફ્ટ, પેટીએમ, ફોન પે, મોઝિલા, સેમસંગ, શિયોમી, વિવો, ઓપ્પો અને કાર્બોન જેવી ઘણી વિદેશી અને સ્થાનિક કંપનીઓ ગૂગલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

CCIની તપાસમાં ગૂગલ પર સ્પર્ધા અને નવીનતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેની આ રણનીતિ માર્કેટ તેમજ ગ્રાહકો માટે હાનિકારક છે. ગૂગલ સર્ચ, મ્યુઝિક (યુટ્યુબ), બ્રાઉઝર (ક્રોમ), એપ લાઇબ્રેરી (ગૂગલ પ્લે સ્ટોર) અને અન્ય મુખ્ય સેવાઓ પર પોતાની મજબૂત પકડ જાળવવા માટે એટલે કે સર્વેસર્વા થવાની હોડમાં આ કરી રહી છે. એન્ડ્રોઈડ  મોબાઈલમાં ઈનબીલ્ટ તેની પ્રોડક્ટ્સ રાખવા માટે દબાણ કરતી હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.