ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ

‘બીજાના સુખે સુખી થવુ’એ પ્રેમનું લક્ષણ

ગોપી પતિ ગૌલોક પતિ, ગોપ ગોકુલાનંદ, જીવણ જશોદા નંદ કે નમુ કૃષ્ણ વૃજચંદ

ભક્તિ કરવા માટે કામ-ધંધો છોડવાની જરૂર નથી.. ધંધાની સાથે ભગવાનનું અનુસંધાન કરીએ તો ધંધો ભક્તિ થશે

ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉતમ ઉદાહરણ છે. ગોપીઓની આવી પરમ ભક્તિથી ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓને મુકિતની ઇચ્છા ન હોતી. શ્રી કૃષ્ણનું સખુ એજ અમારૂ સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. ગોપી પ્રેમનો મહિમા જોવા જેવો છે. બીજા સુખે સુખી થવુ એ પ્રેમનું લક્ષણ છે. શોડિલ્ય મૂનિએ ‘ભક્તિસૂત્ર’માં લખ્યુ છે તત્સુખે સુખિત્વમ્ પ્રેમ લક્ષણમ્ ગોપીઓ શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો વિચાર કરતી હોય છે. શુદ્ધ પ્રેમમાં અન્ય સુખનો વિચાર હોતો નથી.

ગોકુળમાં ઉઘાડા પગે ફરનારા શ્રી કૃષ્ણ હંસ વધ પછી એકા એક જ મથુરેશ્ર્વર થઇ ગયા. તેમના ચરણમાં અનેક ઐશ્ર્વર્યા આળોટવા માંડયા, ત્યારે પણ તે દુ:ખના સમયના સાથી ગોપજનોને ભૂલ્યા ન હતા.

શ્રી કૃષ્ણ એક વખત માંદા પડ્યા આવું જાણી આપણને નવાઇ લાગે પણ પ્રભુ માંદા શું પડે? આતો પ્રભુએ બીમાર પડયાનું નાટક રચ્યુ હતુ તેમને સાજા કરવા ઘણી ઔષધી અજમાવી પરંતુ કોઇ ઔષધી કારગત નીવડી નહી ત્યારે શ્રી કૃષ્ણએ વૈષ્ણવની ચરણરજ ઔષધ તરીકે માંગી. કોઇ વૈષ્ણવ પોતાના ચરણની 24 દવા તરીકે આપે તો પ્રભુ રોગ મૂકત થાય. જયારે શ્રી કૃષ્ણની પટરાણીઓ પાસે ‘પદરજ’ની માંગણી કરવામાં આવી ત્યારે સર્વ રાણીઓ સ્તબ્ધ બની ગઇ. તેમના હૃદયને આંચકો લાગ્યો કારણ કે, પ્રાણનાથને ચરણ રજ આપીએ તો મોટું પાપ લાગે અને નરકમાં જવુ પડે, હાથે કરીને નરકમાં કોણ જાય? આમ રાણીઓએ ‘પદરજ’ આપવાની ના પાડી. પછી તો બીજાઓ પાસે ચરણરજની માંગણી કરવામાં આવી પણ આપવા કોઇ તત્પર થયુ નહી.

અંતે ગોપીઓ પર નજર દોડાવી અને તેમના કાને વાત લઇ જવામાં આવી. ગોપીઓએ સાંભળ્યુ કે, અમારા કૃષ્ણ બીમાર છે અને તે માત્ર ચરણરજથી સાજા થાય એમ છે. ગોપીઓએ કહ્યું જો કૃષ્ણ સાજા થતા હોય તો અમારા ચરણની રજ આપવા તૈયાર છીએ.

તેના બદલામાં અમને જે દુ:ખ ભોગવવું પડશે કે, આગળ ઉપર ભોગવવાનું આવશે તો તે સહર્ષ ભોગવીશું. જો અમારો કનૈયો સાજો થતો હોય, સુખી થતો હોય તો અમે નરકની પાતનાઓ પણ સહન કરવા તત્પર છીએ.

આમ કહી પોતાની ‘ચરણરજ’ આપી ચરણરજના પ્રતાપે જ શ્રીકૃષ્ણનો રોગ મટી ગયો. તે સાજા થઇ ગયા આમ ગોપીઓના સાચા નિષ્કામ પ્રેમની-નિષ્કામ ભક્તિની પરિક્ષા થઇ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રશન્ન કરે છે. ભક્તિથી મનુષ્યને મૂક્તિ મળે છે ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. એકની આ શક્તિ છોડે અને બીજામાં આશકિત રાખે તો શો લાભ?

ભક્તિ કરવા માટે કાંઇ ધંધો છોડવાની જરૂર નથી. કામ ધંધો કરતા કરતા ભગવાનનું અનુસંધાન રાખીએ તો ધંધો ભક્તિ થશે. શ્રૃંગારએ પણ ભક્તિ છે. ઠાકોરજીને શ્રૃંગાર ગમે છે. શણગારની પાછળનો હેતુ શુદ્ધ હોવો જોઇએ. કોઇપણ ક્રિયાનો હેતુ શુદ્ધ હોય તો તે ભક્તિ છે. ભક્તિ મંદિરમાં જ કરવાની છે. એટલુ જ નહી પણ રાત્રે પથારીમાં પડ્યા પછી પણ ભક્તિ કરાઇ અને પથારીમાં ભક્તિ કરનારને ‘કામ’ સ્પર્શતો નથી…