Abtak Media Google News

ગત વર્ષની તુલનાએ લોકમેળા સમિતિને ૧૫ લાખ રૂપિયા વધુ ઉપજયા: ખાણી-પીણીના ૩ પ્લોટ હજી ખાલી

આગામી તા.૧લી સપ્ટેમ્બરથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ‘ગોરસ’ લોકમેળા પૂર્વે જ તંત્રને અધધધ… કહી શકાય તેવી રૂ.૨.૪૬ કરોડની આવક થવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લોકમેળા થકી જિલ્લા વહિવટી તંત્રને રૂ.૨.૩૧ કરોડની આવક થઈ હતી. જેની તુલનાએ ઓણસાલ તંત્રને ૧૫ લાખ રૂપિયાની વધુ આવક થવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૧ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ‘ગોરસ’ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે. લોકમેળામાં રમકડા, ખાણી-પીણી, ફજત-ફારકા, ચકરડી તેમજ જુદી-જુદી સંસ્થાઓને પ્લોટની ફાળવણી ડ્રો અને હરરાજી મારફત કરવામાં આવી છે અને તંત્રને ડ્રો, હરરાજી તેમજ જાહેર ખબરના કોન્ટ્રાકટ થકી અત્યાર સુધીમાં ૨.૩૬ કરોડની આવક થઈ ચુકી છે. જોકે હજુ પણ ખાણી-પીણીના ૩ સ્ટોલ પડયા હોય લોકમેળો શરૂ થાય તે પૂર્વે આ પ્લોટના વેચાણ થકી વધારાના ૧૦ લાખ મળી તંત્રને કુલ ૩૨૧ પ્લોટ અને સ્ટોલ તેમજ જાહેર ખબર વગેરે મળી ૨.૪૬ કરોડની આવક થઈ છે.

વધુમાં લોકમેળામાં રમકડા કેટેગરીના ૧૭૮ સ્ટોલ, ખાણી-પીણીના ૧૪, ખાણી-પીણીના પાંચ મોટા પ્લોટ, રમકડા કોર્નરના ૩૨ પ્લોટ ઉપરાંત સૌથી વધુ આવક યાંત્રિક આઈટમોના ૪૪ પ્લોટની હરરાજી થકી થવા પામી છે. હાલમાં શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને રમકડા સહિતના સ્ટોલના માચડા ઉભા પણ કરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લોકમેળા સમિતિને સ્ટોલ, પ્લોટ તેમજ જાહેર ખબરના કોન્ટ્રાકટ થકી કુલ મળીને ૨.૩૧ કરોડની આવક થઈ હતી. જેની તુલનાએ ચાલુ વર્ષે તંત્રનો આવકનો આંકડો ૨.૪૬ કરોડને પાર કરી જાય તેમ હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે અને આજે જાહેર રજાના દિવસે પણ લોકમેળાના કારણે પ્રાંત અધિકારીની કચેરીમાં કામગીરીનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.

લોકમેળા માટે ૧૨૦ અધિકારી અને કર્મચારીઓને વિશેષ ફરજ

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ‘ગોરસ’ લોકમેળામાં વ્યવસ્થાપન માટે જિલ્લા કલેકટર દ્વારા ૧૨૦ અધિકારી-કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મામલતદાર પૂર્વ, પશ્વીમ, દક્ષિણ તેમજ કોટડાસાંગાણી મામલતદાર, લોધીકા મામલતદાર, ચુંટણી શાખાના મામલતદાર ઉપરાંત પડધરી અને કોટડાસાંગાણીના ટીડીઓને પણ લોકમેળાની વિશેષ ફરજ માટે ઓર્ડર કરવામાં આવ્યા છે.

લોકમેળા દરમિયાન સવારથી સાંજ સુધી બે અધિકારીઓને સાથે બે નાયબ મામલતદાર, બે કલાર્ક અને બે પટ્ટાવાળા તૈનાત રહેશે અને દરરોજ કુલ ૯ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધી કલોક લોકમેળાની ગતિવિધિ પર બાજ નજર રાખશે.

લોકમેળામાં ૨૦ અધિકારીઓને નાઈટ ડયુટી

લોકમેળાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ લોકમેળા સમિતિ દ્વારા દિવસ ઉપરાંત રાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને વ્યવસ્થાપન માટે ૨૦ અધિકારી, કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જેમાં એક નાયબ મામલતદાર, એક કલાર્ક અને એક પટ્ટાવાળા સહિતના કર્મચારીઓને રાત્રીના ૧૧:૦૦ થી સવારના ૯:૩૦ વાગ્યા સુધીની નાઈટ ડયુટીની ફરજ સોંપવામાં આવી હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.