Abtak Media Google News

અમરેલી જિલ્લામાં 1686 લાખના 711 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને 40 કામો માટે 20 લાખના ચેકનું વિતરણ

અમરેલી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેનેે ફ્લેગ ઑફ કરી પ્રસ્થાન કરાવ્યું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત  20 નવેમ્બર સુધીની ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાને અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતેથી ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન  ડો. ધનસુખભાઇ ભંડેરીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ચેરમેન ભંડેરીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની વર્તમાન સરકારે અનેકવિધ લોક કલ્યાણ યોજનાઓના લાભો છેવાડાના જરૂરિયાતમંદ માનવીને સરળતાથી મળે તે દિશામાં ત્વરિત જનહિતલક્ષી નિર્ણયો લીધા છે.

વિકાસને છેવાડાના માનવી સુધી લઈ જવા રાજ્ય સરકારના વિભાગો દ્વારા મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી ગ્રામજનોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

ચેરમેનશ્રી અને ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ ગ્રામ્ય યાત્રાને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ આત્મનિર્ભર યાત્રા રથ સતત ત્રણ દિવસ સુધી અમરેલી જિલ્લા પંચાયતની 34 સીટના વિવિધ ગામડાઓમાં ફરી વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી આપી સરકારની ફલેગશીપ યોજના અંગેનું માર્ગદર્શન ગ્રામજનો સુધી પહોંચાડશે.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન સમગ્ર અમરેલી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, ચેક વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવનાર છે.

અમરેલી જિલ્લામાં બ્લોક રોડ, આંગણવાડી, ગ્રામ્ય હાટ, સોકપીટ, આવાસ, રસ્તા, ચેકડેમ, પાણી પુરવઠા અને પુલના રૂ. 329.60 લાખના ખર્ચે તૈયાર થતા 41 જેટલા કામો પૈકીના અમુક કામોનું લોકાર્પણ, રૂ. 1356.62 લાખ ખર્ચે તૈયાર થતા 670 કામો પૈકી અમુક કામોનું ખાતમુહુર્ત કરવા ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ જુદા જુદા વિભાગોના યોજનાકીય 40 કામો માટે રૂ. 20 લાખની રકમ પૈકીના કેટલાક ચેકનું વિતરણ કરાયું હતું. સમગ્ર યાત્રા દરમિયાન જિલ્લામાં કુલ 1686 લાખના 711 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન ખેડા ખાતેથી આ યાત્રાનો આરંભ કરાવનાર રાજયના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલની સ્પીચનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, વિકાસ કમિશનર  અને અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ  સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી  દિનેશ ગુરવ, ડીઆરડીએ નિયામક  વિશાલ સક્સેના અને પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનો અને સભ્યો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.