Abtak Media Google News
  • બૃહદ બેઠક, બુથ કાર્યકર્તાઓનું સંમેલન અને મતદારો સાથે સંવાદ

લોકસભાની આગામી ચૂંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી છેલ્લા એક મહિનાથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની સાત બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઇ થોડા ઘણા અંશે વિવાદ ચાલી રહ્યો હોય મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા મિશન સૌરાષ્ટ્ર શરૂ કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદરના જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અમરેલીના ચૂંટણીલક્ષી પ્રવાસે છે.

આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોરબંદર શહેરની મૂલાકાત દરમિયાન લોર્ડ્સ હોટલ ખાતે બૃહદ બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બપોરે મતદારો સાથે સંવાદ કરશે. સીએમએ પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જૂનભાઇ મોઢવાડિયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેઓએ જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી હોટલ લોર્ડ્સ ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરિયાને રેકોર્ડબ્રેક લીડથી જીતાડવા કામે લાગી જવા કાર્યકરોને હાંકલ કરી હતી. સી.આર.પાટીલે બપોરે વડોદરા ખાતે સોશિયલ મીડિયા મીટમાં હાજરી આપી હતી. જ્યારે સાંજે સુરતમાં બીએનઆઇ સાથે બેઠકમાં હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.