Abtak Media Google News

“હાઉસીંગ ફોર ઓલ

૬૦ ટકા ઝુંપડાધારકો સહમત થશે તો ખાનગી જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટીઓમાં વસવાટ કરતા લોકોને પાકુ ઘરનું ઘર મળશે

રાજકોટ, અમદાવાદ, સુરત અને બરોડા મહાપાલિકા વિસ્તારમાં આ યોજનાની અમલવારી કરવાની વિચારણા

ખાનગી માલિકીની જમીનમાં ખડકાયેલા ઝુંપડાઓ ખાલી કરાવવા માટે અત્યારસુધી મસલ્સ પાવર દ્વારા કામ થતું હતું. ઝુંપડા બનાવી રૂપિયા કમાવવાવાળાનું જોર હવે નહીં ચાલે, કાંડાના જોરે કામ કરનારા લોકોનો સમય પુરો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૨૦૨૨ સુધીમાં દેશનો એક પણ નાગરિક ઘરવિહોણો ન રહે તેવું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિહાળી રહ્યા છે.

જેને સાકાર કરવા માટે ગુજરાતની રૂપાણી સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લેવા તરફ આગળ ધપી રહી છે. રાજયમાં સરકારી જમીન પર ગેરકાયદે ખડકાયેલી ઝુંપડપટ્ટીઓ માટે ગુજરાતમાં મુકાયેલી પીપીપી આવાસ યોજનાની જબ્બર સફળતા મળી છે. પીપીપી મોડેલ દેશના અન્ય રાજયો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યું છે ત્યારે ગુજરાતમાં ખાનગી માલિકીની જમીન પર ખડકાયેલી ઝુંપડપટ્ટીઓને દુર કરવા માટે સરકાર હવે માટે લીલીઝંડી આપશે.

જો ૬૦ ટકા ઝુંપડાધારકો સહમત થશે તો તેઓને પાકુ અને દસ્તાવેજવાળુ ઘરનું ઘર મળી રહેશે. આ માટે બિલ્ડરોને પણ વધારાની એફએસઆઈ અને ઈન્કમટેકસમાં લાભ આપવામાં આવશે. રાજકોટ, અમદાવાદ, સુરત અને બરોડા આમ ૪ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ તબકકે આ યોજના અમલમાં મુકવામાં આવશે.

ગુજરાતને ઝુંપડપટ્ટી મુકત રાજય બનાવવા માટે ભાજપ સરકાર મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. થોડા વર્ષો પહેલા પીપીપી આવાસ યોજના અંતર્ગત સરકારની માલિકીની જમીન પર ખડકાયેલી ઝુંપડપટ્ટીઓને દુર કરવાની યોજના મુકવામાં આવી હતી જેમાં ઝુંપડાધારકોને હાલ જે સ્થળે વસવાટ કરે છે ત્યાં જ પાકુ ઘરનું ઘર આપવામાં આવી રહ્યું છે. આ યોજના રાજયમાં ખુબ જ સફળ રહી છે.

દેશના અન્ય રાજયો માટે પણ પીપીપી આવાસ યોજનામાં ગુજરાત રોલ મોડેલ બનીને ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ પીપીપી આવાસ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે ગુજરાતની રૂપાણી સરકાર ખાનગી માલિકીની જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટીને દુર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા તરફ આગળ વધી રહી છે. જેમાં ૬૦ ટકા ઝુંપડાધારકો જો સહમત થશે તો પીપીપી આવાસ યોજનાની માફક જ ખાનગી જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટીઓ માટે એક અલાયદી આવાસ યોજના મુકવામાં આવશે.

જેમાં ઝુંપડાધારકોને સ્ટુડીયો ટાઈપના પાકા અને દસ્તાવેજવાળા મકાનો આપવામાં આવશે. આ યોજનાનો સૌથી મોટો લાભ એ થશે કે ગરીબોને પાકુ ઘર મળી રહેશે. રાજયમાં ઝુંપડપટ્ટીનું દુષણ દુર થશે મહાપાલિકાને આવક થશે. ખાનગી માલિકીની દબાણગ્રસ્ત જમીન ખુલ્લી થશે અને ગરીબ લોકોનું જીવન ધોરણ સુધરશે.

હાલ મુંબઈમાં આ પ્રકારની યોજના ચાલી રહી છે જેમાં ખાનગી માલિકીની જમીન પર ખડકાયેલી ઝુંપડપટ્ટી દુર કરી ઝુંપડાધારકોને પાકા મકાનો આપવાની યોજના અમલમાં છે જેમાં બિલ્ડરોને વધારાની એફએસઆઈ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આવી જ વિચારણા ચાલી રહી છે.

ખાનગી જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટી દુર કરવા માટે સરકાર બિલ્ડરોને વધારાની એફએસઆઈ અને ઈન્કમ ટેકસમાં પણ લાભ આપશે. ઝુંપડપટ્ટીની જગ્યાએ નવા પાકા સ્ટુડિયો ટાઈપ ઘર બનાવવામાં આવશે અને વધારાની જે જગ્યા વધશે ત્યાં બિલ્ડર કે ખાનગી જમીનના માલિક પ્રોજેકટ મુકી શકશે.

આ બહુ ઉપયોગી યોજનાથી ગંદકી, ટ્રાફિક અને ક્રાઈમ જેવા દુષણો દુર થશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો બિલ્ડરને આપવામાં આવશે. આ યોજના ઝુંપડપટ્ટી ધારકો, સ્થાનિક સ્વરાજયની સંસ્થા, રાજય સરકાર અને બિલ્ડરો એમ ચારેય માટે બહુ ઉપયોગી સાબિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પોતાના કાર્યકાળ દરમિયાન આ યોજના રાજકોટમાં વિચારણાધીન હોવાનું જણાવ્યું હતું. જો આ યોજના સાકાર થશે તો તેનાથી તમામને લાભ થશે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. રાજય સરકાર હવે ગુજરાતને સંપૂર્ણપણે ઝુંપડપટ્ટીમુકત રાજય બનાવવા માટે પીપીપી આવાસ યોજનાની સફળતા બાદ હવે ખાનગી જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટીઓ દુર કરવા માટે પણ એક મહત્વકાંક્ષી યોજના લઈને આવી રહી છે. ટુંક સમયમાં આ યોજનાને લીલીઝંડી આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.