ભોપાલ ગેસકાંડમાં સરકારે ખિસ્સામાંથી ચૂકવણું કરવું પડશે !!

૩૦ વર્ષ પૂર્વે થયેલા કરાર પર પુનર્વિચાર કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ ભોપાલ ગેસકાંડની સુનાવણી કરતા અવલોકન કર્યું હતું કે, ગેસકાંડમાં પીડિતોને વળતર આપવું જરૂરી છે પરંતુ તેના માટે ૩૦ વર્ષ પૂર્વે થયેલી સમજૂતી થઈ હતી તેના પર પુનર્વિચાર કરી શકાય નહીં જેથી હવે પીડિતોને સરકાર તેના ખિસ્સામાંથી વળતર ચૂકવે તેવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટએ કરી હતી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતર અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો.  દરમિયાન ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતર આપવા માટે યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (યુસીસી)ની અનુગામી કંપનીઓ પાસેથી વધારાના રૂ. ૭૮૪૪ કરોડની માંગ કરતી ક્યુરેટિવ પિટિશનની સુનાવણી કરવા માટે કોર્ટે કેન્દ્રનો કાન ખેંચ્યો હતો.કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન ભોપાલ ગેસ દુર્ઘટના પીડિતોના સંદર્ભમાં અગાઉ જે સમાધાન થયું હતું તેના પર કેવી રીતે પુનર્વિચાર કરી શકાય. આ સિવાય સુપ્રીમ કોર્ટ દ્વારા પીડિતોને આપવામાં આવેલા ફંડમાં જે ૫૦ કરોડ રૂપિયા આવ્યા હતા તે પણ આ જ છે. સ્પષ્ટ છે કે સરકાર આ મુદ્દે કંઈ કરી રહી નથી.

આ દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે જેમણે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચની અધ્યક્ષતા કરી હતી, તેમણે સરકારને ઠપકો આપ્યો હતો કે કોર્ટ અધિકારક્ષેત્રની ‘મર્યાદા’થી બંધાયેલ છે. સરકાર ૩૦ વર્ષથી વધુ સમય પછી કંપની સાથેના કરારને ફરીથી ખોલી શકતી નથી.

ન્યાયાધીશ સંજય કિશન કૌલે અવલોકન કર્યું હતું કે ‘અદાલતો અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાનો અવકાશ વધારવા માટે વિરોધી નથી, પરંતુ તે બધું તમે જે અધિકારક્ષેત્ર સાથે કામ કરી રહ્યા છો તેના પર નિર્ભર છે’.

ખંડપીઠે કહ્યું કે કોર્ટ એવી બાબતમાં પગ મુકશે નહીં જે સ્વીકાર્ય નથી. બંને પક્ષો વચ્ચે જે સમાધાન થયું હતું તેને કોર્ટે માન્ય રાખ્યું હતું. હવે ઉપચારાત્મક અધિકારક્ષેત્રમાં અમે તે સમાધાન ફરીથી ખોલી શકતા નથી. આ બાબતે અમારા નિર્ણયના વ્યાપક પરિણામો હશે. તમારે સમજવાની જરૂર છે કે ઉપચારાત્મક અધિકારક્ષેત્રને કેટલી હદ સુધી લાગુ કરી શકાય છે.

આ દરમિયાન એજી આર વેંકટરામાણીએ સરકાર તરફથી હાજર થતાં જણાવ્યું હતું કે સમયની સાથે વિશ્વાસની વિભાવનાનો વિકાસ થયો છે. કોર્ટ દ્વારા તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તે પહેલાથી જ થઈ ગયેલા સમાધાનને પડકારવા માંગતા નથી, પરંતુ દુર્ઘટનાના પીડિતો માટે વધુ વળતર ઈચ્છે છે.  આના પર બેન્ચે કહ્યું કે સરકાર કોર્ટના ઉપચારાત્મક અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને આવું કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૪માં ૨ અને ૩ ડિસેમ્બરની રાત્રે યુનિયન કાર્બાઈડની ફેક્ટરીમાંથી લગભગ ૪૦ ટન મિથાઈલ આઈસોસાયનેટ ગેસ લીક ​​થયો હતો. આ ગેસ આખા ભોપાલ શહેરમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો યુનિયન કાર્બાઈડ ફેક્ટરીની આસપાસના હતા. આ દરમિયાન લોકો અચાનક બેભાન થવા લાગ્યા. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.  સત્તાવાર દસ્તાવેજો અનુસાર, અકસ્માતમાં મૃત્યુઆંક ૫૨૯૫ ની નજીક હતો.