Abtak Media Google News

અત્યાર સુધીમાં જ્ઞાતિ-જાતિના આંકડાઓ અડસટો ભ્રામક સાબિત થયાં!!

કેન્દ્ર સરકારે જ્ઞાતિ-જાતિ આધારે વસ્તી ગણતરીની વાત વચ્ચે આ પ્રકારની ગણતરી નહીં કરવાની સ્વીકૃતિ સાધી છે. કેન્દ્રે સ્પષ્ટ કહ્યું છે કે, આ પ્રકારની વસ્તી ગણતરી ખૂબ જટિલ પ્રક્રિયા છે તેમજ આની સીધી અસર વસ્તી ગણતરીની મૌલિકતાનું હનન કરશે. કેન્દ્રના જવાબથી સ્પષ્ટ થયું છે કે, હાલ સુધી જે જ્ઞાતિ-જાતિના આંકડાઓ સામે આવતા હતા તે તમામ આંકડાઓ બિલકુલ ભ્રામક છે. આ અંકડાઓને તથ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી.

કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, પછાત જાતિઓની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી વહીવટી રીતે મુશ્કેલ અને બોજારૂપ કાર્ય છે.  કેન્દ્રએ એમ પણ કહ્યું કે, આ પ્રકારની માહિતીને વસ્તીગણતરીના દાયરામાંથી બાકાત કરવાનો સભાન નીતિગત નિર્ણય છે.  આ અંગે કેન્દ્રનું વલણ મહત્વનું છે કારણ કે, તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ૧૦ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળે પણ જાતિની વસ્તી ગણતરીની માંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

કેન્દ્ર સરકારે ટોચની અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, ૨૦૧૧ની સામાજિક-આર્થિક વર્ગો જાતિ ગણતરી અને જાતિ વસ્તી ગણતરીમાં ઘણી ભૂલો હતી.  તમને જણાવી દઈએ કે, આ સોગંદનામું મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં કોર્ટને કેન્દ્ર અને અન્ય સંબંધિત અધિકારીઓને ૨૦૧૧ની વસ્તી ગણતરીનો મૂળ ડેટા પૂરો પાડવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે જે પૂરી પાડવામાં આવી નથી.

આ સોગંદનામું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ વતી દાખલ કરવામાં આવ્યું હતું.  તેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રએ ગયા વર્ષે જાન્યુઆરીમાં જ એક સૂચના જારી કરી હતી, જેમાં 2021 ની વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવતી માહિતીની શ્રેણી સૂચવવામાં આવી હતી.  આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત માહિતી સહિત ઘણા ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે.  પરંતુ તેમાં અન્ય કોઇ જ્ જ્ઞાતિનો ઉલ્લેખ નથી.

કેન્દ્ર સરકાર વતી સોગંદનામું દાખલ કર્યા બાદ જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલામાં સુનાવણીની આગામી તારીખ ૨૬ ઓક્ટોબર નક્કી કરી છે.  સરકારે સોગંદનામામાં કહ્યું છે કે, જાતિઓ પર વિગતો એકત્ર કરવા માટે વસ્તી ગણતરી આદર્શ પદ્ધતિ નથી.  ઓપરેશનલ મુશ્કેલીઓ એટલી વધારે છે કે, વસ્તી ગણતરીના ડેટાની મૂળભૂત અખંડિતતા સાથે ચેડા થવાનું જોખમ હોઈ શકે છે અને વસ્તી ગણતરીની મૌલિકતાને અસર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.