Abtak Media Google News

દોઢ ડહાપણ બંધ કરો : ગુજરાત સરકારને સુપ્રીમની ટકોર

કોર્ટે વળતર મેળવવા અંગેની ફરિયાદના નિરાકરણ માટે જિલ્લા સ્તરની સમિતિ રચવાનો આદેશ કર્યો હતો પણ સરકારે ચકાસણી સમિતિની રચના કરતા કોર્ટે ઝાટકણી કાઢી

અબતક, રાજકોટ : કોરોનાકાળમાં થયેલા મૃત્યુને લઈને કાયમ વિવાદ જોવા મળી રહ્યો છે. સરકાર આંકડા છુપાવે છે તેવા પણ આક્ષેપો થયા હતા. આંકડાના આક્ષેપો બાદ હવે વળતરનો મુદ્દો ચકડોળે ચડ્યો છે. આ મામલે સુપ્રીમમાં પીઆઇએલ થયા બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારે જે સમિતિ બનાવી તેને ડહાપણ ગણ્યું છે અને આ મામલે સરકારની ઝાટકણી કાઢી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાથી 30 દિવસમાં જો મૃત્યુ થયું હોય તો તેને વળતર આપવું જરૂરી છે.

કોરોનાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂ. 50,000નું વળતર ચૂકવવાના મુદ્દે ગુજરાત સરકારે આ વળતર મેળવવા થતા દાવાની ચકાસણી કરવા જિલ્લા સ્તરની સમિતિની જે રચના કરી છે તે મુદ્દે સુપ્રીમ કોર્ટ ગુરુવારે લાલઘૂમ થઈ હતી અને ગુજરાત સરકારની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે તો એટલે સુધી કહ્યું હતું કે, ‘કોરોનાના કારણે જે લોકોએ અનેક યાતના ભોગવી છે તેમની ફરીવાર પીડા આપવાનું બંધ કરો’. ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને કોર્ટમાં રૂબરૂ હાજર કરવાની પણ ચીમકી આપી હતી.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.આર. શાહે ગુજરાત સરકારે વળતર ચૂકવવાની મોડાલિટી સંદર્ભે 27 ઓક્ટોબરની તારીખનો જે ઠરાવ પ્રસિદ્ધ કરેલો તે મુદ્દે સોલિસિટર જનરલને ઉલ્લેખીને ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, કોર્ટે તો તમને જે પરિવારો વળતર મેળવવા માગે છે તેમને વળતર મેળવવા વિષે જે કોઈ ફરિયાદો હોય તેના નિરાકરણ માટે જિલ્લા સ્તરની સમિતિ રચવાનો આદેશ કરેલો હતો. વળતર ચૂકવવા માટે ચકાસણી સમિતિ રચવાની કોઈ જરૂર જ નથી.

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ કોવિડ પોઝિટિવનો આરટીપીસીઆર રિપોર્ટ અને તેના 30 દિવસમાં તેમનું મૃત્યુ થયાનું ડેથ સર્ટિફિકેટ આપે તે દરેકને વળતર ચૂકવવાનો અમે આદેશ કર્યો હતો. ચકાસણી સમિતિનો તો પ્રશ્ન જ આવતો નથી. હવે તો લાંબી લાઈનો અમને જોવા મળે છે અને ફોર્મ પણ કેટલા જટિલ છે. આમાં અનેક તો ગરીબ લોકો છે. અમને જે ગુસ્સો આવે છે તે વ્યક્ત કરવા શબ્દો નથી.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વધુમાં એ પણ ટિપ્પણી કરી હતી કે, વળતરની જે યોજના નક્કી થાય તેને વ્યાપક પ્રસિદ્ધિ આપવા પણ અમે આદેશ કરેલો. પણ આવું કશું જ થયું નથી. સોલિસિટર જનરલે ગુજરાત સરકારના અધિકારીઓને યોગ્ય સલાહ આપવા અને પરિવારજનોને વળતરની રકમ કોઈપણ પ્રકારની હેરાનગતિ વિના મળી રહે તેવા પગલાં ભરવા સોમવાર સુધીનો સમય આપવા માગ કરી હતી.

સરકારે આર્થિક સંકટનું બહાનું ધર્યું, કોર્ટે કહ્યું જે પરિવારોએ ખર્ચાળ સારવાર લીધી તેની હાલત જુઓ

કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત અને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલ કરી હતી કે, રાજ્ય સરકારની સ્થિતિ હાલ કથળેલી છે, સરકાર આર્થિક સંકટમાં છે. આના પ્રતિભાવમાં જસ્ટિસ નાગરત્નએ કહ્યું હતું કે, પરિવારોને તો માત્ર રૂ. 50 હજાર જ ચૂકવવાની વાત છે. જ્યારે આ પરિવારોએ કોરોનાની સારવાર માટે રૂ. 6થી7 લાખ કરતાં ય વધુનો ખર્ચ કર્યો છે. જસ્ટિસ એમ.આર. શાહે કહ્યું કે, પરિવારોને વળતર કેટલું ચૂકવવું તે અમે રાજ્ય સરકાર પર છોડેલું અને રાજ્ય સરકારે જ રૂ. 50 હજારની રકમ નક્કી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.