Abtak Media Google News

શાપર-વેરાવળમાં નવનિર્મિત ઓડિટોરીયમનું મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

રાજ્યના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ તથા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે શાપર-વેરાવળ ખાતે નવનિર્મિત ઓડિટોરિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 350 જેટલી બેઠક વ્યવસ્થાવાળું આ વાતાનુકૂલિત ઓડિટોરિયમ શાપર-વેરાવળ બસ સ્ટેશન નજીક સરકારની ક્રિટીકલ સર્વિસિઝ યોજના હેઠળ એસો. અને સહયોગી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

આ પ્રસંગે મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ થયેલ કાર્યને લીધે વિશ્વની ભારત અને ભારતીયો તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ છે. વાઇબ્રન્ટ સમિટની શરૂઆત દ્વારા નરેન્દ્રભાઈ મોદી ગુજરાત માટે વિકાસના દ્વાર ખોલ્યા છે. ગુજરાતના વિકાસમાં ઉદ્યોગ સંચાલકોનું પ્રદાન ખૂબ મોટું છે. આપણા ઉદ્યોગોના નિકાસનું પ્રમાણ વધ્યું છે. રોજગારીની તકો ઊભી કરવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, ઇન્ડસ્ટ્રીને સુવિધા પૂરી પાડવા માટે સરકારનું યોગદાન હંમેશા રહ્યું છે.

ઉદ્યોગ સ્થાપવા માટે લાયસન્સ મેળવવા હાલાકી વેઠવી પડતી હતી. આજે લાઇસન્સ રાજ ખતમ થયું અને સરળતાથી ઉદ્યોગ સ્થાપી શકાય છે, સરકાર અનેક યોજનાઓ વડે સહાય આપીને નાના વેપારીઓને આત્માનિર્ભર ભારતમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ઉપરાંત મજુર, નોકરીયાતો વગેરે માટે હોસ્ટેલ બનાવવા માટે પણ સરકાર સહાય આપી રહી છે. શ્રમિકોને પાંચ રૂપિયામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા પોષણક્ષમ અન્ન પુરું પાડવામાં આવે છે.

આ તકે મંત્રીએ ઉદ્યોગપતિઓએ એસોસિએશનના માધ્યમથી સરકારની સહાય અને યોજનાઓના લાભ લઇ પોતાના કર્મચારીઓને સુવિધાઓ પૂરી પાડવા અપીલ કરી હતી. રાજપુતએ વર્ષો સુધી એસોસિએશનના પદાધિકારી તરીકે કરેલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના કાર્યની પ્રશંસા કરી હતી, તેમજ ઉદઘાટિત થયેલ ઓડિટોરિયમનો ઉપયોગ સ્કીલ ડેવલોપમેન્ટ, વ્યસન મુક્તિ વગેરે કાર્યો માટે થાય અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ધારાસભ્ય તેમજ એસો. ના ચેરમેન રમેશભાઇ ટિલાળા એ એસોસિયેશનની કામગીરી વર્ણવી જણાવ્યું હતું કે સરકાર ઇન્ડસ્ટ્રીના પ્રશ્ર્નો દૂર કરવા તેમજ સુવિધાઓ પૂરી પાડવા અસરકારક પ્રયત્નો કરી રહી છે.

મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અગ્રણી જગદીશભાઈ કોટડીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાએ આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન રૈયાણીએ કર્યું હતું. આ પ્રસંગે એસ.વી.આઇએની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે એસો. ના ઉપપ્રમુખ રતિભાઈ સાદરિયા અને એસોસિએશનના અન્ય અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સના વી.પી. વૈષ્ણવ, ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર, જી.આઇ.ડી.સી.ના એમ. ડી. રાહુલ ગુપ્તા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.