Abtak Media Google News

ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ સાથેની હાઇલેવલ મિટિંગમાં નીતિન ગડકરીએ અપગ્રેડેશનની તૈયારી આરંભી દેવા સૂચન કર્યું

ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બીએસ-7 પદ્ધતિની તૈયારીઓ આરંભી દેવા આહવાન કર્યું છે. ઇંધણની ક્ષમતા વધારવા અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા બીએસ-7 ટેક્નોલોજી અતિ મહત્વપૂર્ણ તો છે જ પણ સાથોસાથ યુરોપ વર્ષ 2025માં બીએસ-7 પદ્ધતિ લોન્ચ કરી રહ્યું છે ત્યારે ભારતીય વાહનોનું યુરોપના વેચાણ વધારવા તેમજ ત્યાંની પદ્ધતિથી સુસંગત કરવા આ પગલું અતિ જરૂરી છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં વાહન ઉત્પાદકોને આગામી બીએસ-7 ધોરણો (ભારત સ્ટેજ-7) અનુસાર તેમની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી છે. વર્ષ 2025માં યુરોપિયન યુનિયનના દેશોમાં લાગુ કરવામાં આવનાર નવા આરડીઈ ધોરણો યુરો 7 સાથે સુસંગત રાખવા આ પગલું લેવું જરૂરી છે.

સમાચાર અનુસાર વાહનના ધોરણો પર એક મીટિંગમાં  સંબોધન કરતા નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું. જેમાં લગભગ તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગડકરીએ જણાવ્યું હતું કે, તમારે તમારા સ્તરે બીએસ-7 વાહનો બનાવવા પર સંશોધન શરૂ કરવું જોઈએ. અમારા ઉદ્યોગે યુરોપિયન યુનિયન સાથે સ્પર્ધા કરવી જોઈએ.  છેલ્લી વખતે સરકારે સમયમર્યાદા જાહેર કરીને ઉદ્યોગને નવા ધોરણો અપનાવવા દબાણ કરવું પડ્યું હતું, પણ હવે તમારે સરકારની સૂચનાની રાહ જોવી જોઈએ નહીં.

ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે યુરો 6 સાથે સ્પર્ધા કરવા માટે એપ્રિલ 2020માં બીએસ-4 થી બીએસ-6 પર સીધો જમ્પ મારવો પડ્યો હતો. ભારતે 1 એપ્રિલ 2023 થી બીએસ-6 ફેઝ-2ના ધોરણો લાગુ કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે વાસ્તવિક સમયના ઉત્સર્જન ધોરણો પર ભાર આપવાનો છે.  જેનું નિરીક્ષણ કરવા માટે તમામ નવા વાહનો ઓબીડી (ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક) સિસ્ટમથી સજ્જ હશે.

ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના ઉત્સર્જન ધોરણનો તફાવત પણ દૂર કરાશે

દેશમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના ઉત્સર્જનના ધોરણોમાં તફાવત છે. જે કારની બરાબર નથી. હવે દેશમાં ટુ-વ્હીલર પણ બીએસ-6 અનુરૂપ અને ઓબીડી સિસ્ટમથી સજ્જ હોવા જોઈએ. જેથી રિયલ ટાઈમ ઉત્સર્જન પર નજર રાખી શકાય. જો કે, હવે ભારતમાં વેચાતા વાહનો ઈ-20 ઇંધણ સાથે સુસંગત હોવા જરૂરી છે.

દ્વિચક્રી વાહનોમાં જીએસટી નો દર 28 ટકા ના બદલે 18 ટકા કરવા ઓટો ડીલરોની કાઉન્સિલને માંગ

દ્વિચક્રી વાહનોની માંગમાં વધારો થાય અને ઉત્પાદન ખર્ચ નીચો આવે તે માટે ઓટો ડીલરોએ જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી છે કે હાલ જે 28 ટકાનો દર નજારીત કરવામાં આવેલો છે તેને ઘટાડી 18 ટકા કરવામાં આવે જો આ માંગને જીએસટી કાઉન્સિલ સ્વીકારશે તો ફોટો ઉદ્યોગના વેચાણમાં અધધ વધારો થશે. હાલ જીએસટી નો દર વધુ હોવાના કારણે માંગમાં ઘટાડો નોંધાયો છે એટલું જ નહીં ઉત્પાદન ખર્ચ પણ ઉત્પાદકોને ખૂબ વધુ આવી રહ્યો છે જે આવનારા દિવસોમાં હાલાકી નો સામનો ન કરવો પડે તે માટે ઓટોડીલરો દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવાની માંગ કરી છે. વર્ષ 2018માં ટુ વ્હીલર ના વેચાણમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે આંકડો વર્ષ 2022માં 10.7 લાખે પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.